હારથી ન ડરતી દીપિકા ડીપ્રેશનને હરાવવાની હિંમત આપે છે

દીપિકા પદુકોણે એક અભિનેત્રી તરીકે એનાં દર્શકોને ઘણું મનોરંજન પૂરું પાડ્યું છે અને લાખો, કરોડો પ્રશંસકો મેળવ્યાં છે, પરંતુ આ અભિનેત્રી એનાં ડીપ્રેશનના કાળને તેમજ એમાંથી પોતે સફળતાપૂર્વક કેવી રીતે બહાર આવી શકી એને ભૂલી શકી નથી. ડીપ્રેશનની સમસ્યાનો કેવી રીતે સામનો કરવો જોઈએ એ વિશે લોકોને વાકેફ કરવાની કોઈ તક એ ચૂકતી નથી.

હાલમાં જ દીપિકાએ હૈદરાબાદમાં વર્લ્ડ કોંગ્રેસ ઓન ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સંમેલનમાં ભાગ લેવાની તકને ઝડપી લીધી અને એમાં તેણે માનસિક સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવાની વાત કહી હતી. પોતાની આપવીતી જણાવતી વખતે દીપિકા લાગણીશીલ થઈ હતી.

દીપિકાએ કહ્યું કે હું ક્યારેય પણ નિષ્ફળતાથી ડરતી નથી અને મારાં મનમાં જે વાત હોય એ કહેતા અચકાતી નથી.

‘સફળતા અને નિષ્ફળતા જીવનના હિસ્સા છે. દરેક વ્યક્તિ જીવનમાં કોઈને કોઈ તબક્કે નિષ્ફળતાનો સામનો કરે છે. મારાં જીવનમાં પણ એવો એક તબક્કો આવ્યો હતો જેમાંથી હું સફળતાપૂર્વક બહાર આવી શકી હતી,’ એવું એણે પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું.

દીપિકાએ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રની તમામ કંપનીઓને એક સલાહ આપી છે કે એમણે કાઉન્સેલર્સ તથા સાઈકિયાટ્રિસ્ટ્સ રાખવા જોઈએ જેઓ કંપનીનાં જે કર્મચારીઓ ડીપ્રેશનથી પીડાતાં હોય એમને મદદરૂપ થાય. એવા કર્મચારીઓ સાથે જરાય અલગ પ્રકારનો વ્યવહાર કરવો ન જોઈએ.

આ છે, દીપિકાનું સૂચન…

‘દરેક વ્યક્તિએ રોજેરોજ નકારાત્મક વલણ તરફ જતા હોય એવું લાગે તેવા પોતાના પરિવારજનો, મિત્રો, સહયોગી પ્રતિ ખૂબ જ લક્ષ આપવું જોઈએ. એમની સમસ્યાઓ વિશે વાત કરવી જોઈએ અને એમને રાહત થાય એવું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]