હાં પહેલી બાર… હમ ફ્લૉપ હો ગયે થે

શ્રીદેવી, માધુરી દીક્ષિત, જુહી ચાવલા, કાજોલ, તબુ, ઊર્મિલા માતોંડકર, રાની મુખરજી આ બધી હીરોઈનમાં સામ્ય શું છે? એમની ગાડી પહેલા ગિયરમાં અટકી ગઈ ને પછી એવી ચાલી કે ન પૂછો વાત. મતલબ કે આ બધી જ હીરોઈનોની પહેલી ફિલ્મ ફ્લૉપ ગઈ હતી.

‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે દીપોત્સવી 1999 અંકનો.


આજે ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી હીરોઈનો છે, જેમની પહેલી ફિલ્મ ફ્લૉપ ગઈ હતી, પણ પાછળથી એ હીરોઈનો ટોચની સ્ટાર બની ગઈ. આપણે કાજોલથી શરૂઆત કરીએ. અત્યારે ભલે એ પરણીને પડદા પાછળ જતી રહી હોય, પણ એણે સક્સેસની નવી જ વ્યાખ્યા ઘડી કાઢી હતી. આમ છતાં ૧૯૯૧માં એની રાહુલ રવૈલ નિર્દેશિત પહેલી ફિલ્મ ‘બેખુદી’ એવી ફ્લૉપ ગઈ હતી કે કોઈએ કાજોલને ગંભીરતાથી લીધી નહોતી.

કાજોલની ‘બાઝીગર’, ‘કરણ અર્જુન’ અને ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ જબરજસ્ત હિટ ગઈ. વળી, ‘દુશ્મન’ અને ‘ગુપ્ત’ જેવી ફિલ્મોએ કાજોલને અવૉર્ડ્ઝ પણ અપાવ્યા. કાજોલને સ્ટાર અને એક્ટ્રેસ તરીકેની દુર્લભ લોકપ્રિયતા મળી.

કાજોલ જેવું જ બીજી ઘણી હીરોઈનો સાથે થયું છે. પહેલી ફિલ્મ સુપર ફ્લૉપ અને પછીની ફિલ્મો હિટ. માધુરી દીક્ષિતનો દાખલો લો, કે જુહી ચાવલા અથવા તો તબુનો દાખલો લો. માધુરીની પહેલી ફિલ્મ હતી રાજશ્રીની ‘અબોધ’, જે ૧૯૮૪માં રિલીઝ થઈ હતી અને થતાંવેંત બેસી ગઈ હતી.

‘અબોધ’ની માધુરી દીક્ષિત

રાજશ્રીએ ઘણી હીરોઈનો આપી અને એમની પહેલી ફિલ્મો હિટ પણ ગઈ. દાખલા તરીકે રાજશ્રીની જ ‘જીવનમૃત્યુ’ રાખીની પહેલી ફિલ્મ હતી, જે હિટ ગઈ હતી. સારિકાની ‘ગીત ગાતા ચલ’, ઝરીના વહાબની ‘ચિત્તચોર’ અને રામેશ્વરીની ‘દુલ્હન વહી જો પિયા મન ભાયે’ એ બધી જ રાજશ્રીની હિટ ફિલ્મો હતી અને એમની હીરોઈનોની પણ એ પહેલી ફિલ્મ હતી.

રાખી – ‘જીવનમૃત્યુ’

આમ છતાં એક રાખીના અપવાદ વિના પ્રથમ ફિલ્મ હિટ આપનાર રાજશ્રીની આ હીરોઈનો પાછળથી ખાસ ચાલી નહિ. ખેર, આપણે માધુરીની વાત પર આવીએ. માધુરીની ‘અબોધ’ પછી ‘આવારા બાપ’ અને ‘સ્વાતિ’ એમ બે ફિલ્મો ફ્લૉપ ગઈ. ૧૯૮૭ સુધી માધુરી છોટીમોટી હીરોઈન હતી, જેને ખાસ કોઈ ઓળખતું નહિ.

પરંતુ ૧૯૮૮માં ‘તેઝાબ’ આવી અને માધુરીનું નસીબ રાતોરાત બદલાઈ ગયું. એનું ફ્લૉપ હીરોઈન તરીકેનું કલંક ધોવાઈ ગયું એટલું જ નહિ, એને એવી સફળતા મળી જેવી રાજશ્રીની સારિકા, ઝરીના અને રામેશ્ર્વરી જેવી હીરોઈનોએ સપને પણ ન વિચારી હોય. માધુરી એક લેજંડ જેવી બની ગઈ.

તબુ

પહેલી ફિલ્મ ફ્લૉપ આપવામાં જુહીનું નામ પણ છે. જુહીની ‘સલ્તનત’ રિલીઝ થઈ ‘કયામત સે કયામત તક’ રિલીઝ થઈ અને જુહીના સ્ટાર્સ એવા ચમકી ઊઠ્યા કે એની સફળતાની વાતો મધમધવા માંડી. તબુનું પણ આવું જ છે. ‘વિરાસત’, ‘માચિસ’, ‘હુતુતુ’ અને ‘બીવી નંબર વન’ જેવી ફિલ્મોને લીધે તબુ આજે સફળ હીરોઈન છે, પણ એની શરૂઆતની બન્ને ફિલ્મો ‘હમ નૌજવાન’ અને ‘પ્રેમ’ની નિષ્ફળતાએ તબુને ઘણી પાછળ પાડી દીધી હતી. સફળતા તબુની સાથે જાણે સંતાકૂકડી જ રમતી હતી.

જુહી ચાવલા

આવી સંતાકૂકડીની રમત રમતાં રમતાં જ આજની ઘણી હીરોઈનોએ સફળતા મેળવી છે. શિખરે પહોંચતા પહેલાં એમણે પહેલી ફિલ્મની નિષ્ફળતાનો બોજ ઉપાડવો પડ્યો છે. લીના ચંદાવરકર ૧૯૭૦ના દાયકાની લોકપ્રિયતા અભિનેત્રી હતી. ૧૯૬૮માં એની પહેલી ફિલ્મ રિલીઝ થઈ હતી. હેમા માલિનીએ પણ ૧૯૬૮ની ‘સપનોં કા સૌદાગર’થી હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઝુકાવ્યું હતું.

જો કે હેમાની તો ફિલ્મ રિલીઝ થઈ એ પહેલાં જ એને ત્યાં નિર્માતાઓની કતાર લાગવા માંડી હતી, પણ લીના ચંદાવરકરની કરિયર જરા પણ ઊંચકાઈ નહોતી. લીનાએ ૧૯૭૦ની ‘હમજોલી’ અને ‘સાસ ભી કભી બહુ થી’ જેવી ફિલ્મોની રિલીઝ સુધી સફળતાની રાહ જોવી પડી હતી. ઝીનત અમાન પણ ૧૯૭૧માં ‘હલચલ’ ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશી હતી, પણ એ પહેલી જ ફિલ્મ ફ્લૉપ થઈ ગઈ હતી.

હેમા માલિની

ઝીનતે તો ભારત છોડીને પરદેશમાં મૉડલિંગ કરવાનું નક્કી પણ કરી નાખ્યું હતું. પરંતુ દેવ આનંદની ‘હરે રામા હરે કૃષ્ણા’ રિલીઝ થઈ અને ઝીનતનો ઉદ્ધાર થઈ ગયો. પરિણામે હિંદી ફિલ્મોને મૉડ હીરોઈનનો નવો ચહેરો મળી ગયો. ૧૯૮૩માં મનોજકુમારની ફિલ્મ ‘પેઈન્ટરબાબુ’ દ્વારા મીનાક્ષીએ ઈન્ડસ્ટ્રીમાં ઝુકાવ્યું, પણ એ ફિલ્મ ફ્લૉપ ગઈ. જો કે મીનાક્ષીનું નસીબ બીજી હીરોઈન કરતાં થોડુંક સારું હતું, કેમ કે એ જ વર્ષે મીનાક્ષી અભિનીત સુભાષ ઘઈની ફિલ્મ ‘હીરો’ રિલીઝ થઈ અને મીનાક્ષી સ્ટાર બની ગઈ.

ઊર્મિલા માતોંડકરની વાત નીકળે ત્યારે પહેલી ફિલ્મ ‘રંગીલા’ જ યાદ આવે છે. હીરોઈન તરીકેની પહેલી ફિલ્મ અને ‘નરસિંહા’ કોઈને ખાસ યાદ નથી.

ઉર્મિલા માતોંડકર

રાની મુખરજીને પહેલી વાર ચમકાવનાર ફિલ્મ ‘રાજા કી આયેગી બારાત’ને પણ આજે લોકો ભૂલી ગયા છે. લોકોને રાનીની વાત નીકળતાં જ એની હિટ ફિલ્મ ‘ગુલામ’ યાદ આવે છે. રાનીએ ‘કુછ કુછ હોતા હૈ’માં નાનો રોલ કરીને પણ લોકોમાં એની એક અમીટ છાપ છોડી દીધી છે.

રાની મુખરજી

‘બેખુદી’માં અસફળ થયેલી કાજોલ નંબર વન પર પહોંચી હતી અને એની પહેલાં માધુરી તથા એની પહેલાં શ્રીદેવીનો ડંકો વાગતો હતો. શ્રીદેવીની ૧૯૭૯માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સોલવાં સાવન’ ફ્લૉપ ગઈ હતી, જેનો હીરો હતો અમોલ પાલેકર. એ પછી છેક ૧૯૮૨ સુધી કોઈ નિર્માતા શ્રીદેવી સામે જોવા પણ તૈયાર નહોતો.

‘સોલવાં સાવન’ મૂળ તમિળ ફિલ્મની રિમેક હતી, જેમાં શ્રીદેવીની સામે કમલ હાસન હતો. પરંતુ હિંદી દર્શકો કમલ હાસનની અભિનયક્ષમતાથી પરિચિત નહોતા એટલે તમિળનું હિંદી વર્ઝન બનાવતી વખતે શ્રીદેવીની સામે અમોલને લેવામાં આવ્યો હતો. અમોલ ત્યાર પછીની શ્રીદેવીની એકેય ફિલ્મમાં હીરો નહોતો બન્યો.

શ્રીદેવી

એનું કારણ સીધું હતું. ‘હિમ્મતવાલા’થી શ્રીદેવી સ્ટાર બની ગઈ અને અમોલની હીરો તરીકે લોકપ્રિયતા ઓસરી ચૂકી હતી. શ્રીદેવીનો અપવાદ બાદ કરીએ તો પહેલી ફિલ્મ ગયા પછી બીજી ફિલ્મ હિટ આપનાર કોઈ પણ હીરોઈનને પહેલી ફિલ્મમાં ટૉપનો હીરો મળ્યો નહોતો (શ્રીદેવીનો ‘હિમ્મતવાલા’માં હીરો હતો જિતેન્દ્ર).

આથી જ એવી હીરોઈનોએ નવા હીરોની આંગળી ઝાલીને કરિયરની શરૂઆત કરવી પડેલી સુનીલ દત્તે ‘મન કા મીત’માં પોતાના ભાઈ સોમ દત્તને હીરો તરીકે ચમકાવ્યો હતો. એ જ રીતે મનોજકુમારે એના ભાઈ રાજીવને ચમકાવવા માટે ‘પેઈન્ટરબાબુ’ બનાવી હતી.

ઝીનત અમાન સામે ‘હલચલ’માં હીરો તરીકે ચમકેલો કબીર બેદી પણ હિંદી ફિલ્મોમાં ગજ ન વાગતાં હૉલીવુડમાં પહોંચી ગયો અને અંગ્રેજી ફિલ્મો કરવા લાગ્યો હતો. એ ઈટાલિયન સિરિયલ ‘સેન્દુખાન’માં ચમક્યો હતો. જેમ્સ બૉન્ડની જયપુરમાં બનેલી ‘ઑક્ટોપસ’માં એ વિલન તરીકે દેખાયો હતો.

આ ફર્સ્ટ ફિલ્મ ફ્લૉપવાળી હીરોઈનોના હીરોની વાત પણ કમાલની છે. કાજોલનો પહેલો હીરો હતો કમલ સદાના, જે ફ્લૉપ જ રહ્યો. માધુરીનો પહેલો હીરો હતો તાપસ પૉલ. જુહીનો પહેલો હીરો કરણ કપૂર, તબુનો સંજય કપૂર, ઊર્મિલાનો રવિ બહલ. રાની મુખરજીનો સોહેબ ખાન. આ બધા જ હીરોને સફળતા ન મળી શકી. એક સંજય કપૂરના નાનકડા અપવાદ સિવાય. પરંતુ આ બધી જ હીરોઈનો સફળતાનું શિખર સર કરી શકી.

(લેખકઃ ઈસાક મુજાવર)