સેવઈ ઉપમા

વર્મિસેલી સેવ જે કોઈપણ કરિયાણાની દુકાનમાં મળી રહે છે. ઘઉંના લોટની આ સેવ વેજીટેબલ્સ ઉમેરવાથી પૌષ્ટિક બને છે! વળી, તેમાં મેગી જેવો સ્વાદ મળે તો બાળકો પણ હોંશે હોંશે ટિફીનમાં લઈ જશે!

સામગ્રીઃ

  • વર્મિસેલી સેવ 2 કપ (આ સેવ ઘઉંના લોટની આવે છે.)
  • ઘી 2, 3 ટે.સ્પૂન
  • લીંબુનો રસ 1 ટી.સ્પૂન
  • 1 કાંદો
  • કાજુના ટુકડા 8-10
  • શીંગદાણા 1 ટે.સ્પૂન
  • લીલા મરચાં 2-3
  • કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • સુધારેલું સિમલા મરચું ¼ કપ
  • સમારેલું ગાજર ¼ કપ
  • વટાણા ¼ કપ
  • સમારેલી કોથમીર ½ કપ
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • કળી પત્તાના પાન 8-10
  • મીઠું સ્વાદ મુજબ

રીતઃ એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં વર્મિસેલી સેવ 3-4 મિનિટ શેકી લો. ગેસની આંચ ધીમી-મધ્યમ રાખવી.

એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો. પાણીમાં લીંબુનો રસ તેમજ થોડું મીઠું નાખી દો. પાણી ઉકળે એટલે વર્મિસેલી સેવ તેમાં નાખી ચમચા વડે હલાવતા રહી 3-4 મિનિટ બાદ ગેસ બંધ કરીને આ સેવને સ્ટીલની મોટી ચાળણીમાં નાખીને પાણી ગાળી લો. પાણી નિતરે એટલે તેની ઉપર સાદુ ઠંડું પાણી રેડીને ફરીથી ગાળી લો.

કઢાઈમાં ઘી ગરમ કરી જીરૂ તતડાવો. ત્યારબાદ તેમાં અળદ તેમજ ચણાની દાળ લાલ શેકીને લીમડો તેમજ લીલા મરચાંને બે ફાડમાં સુધારીને ઉમેરો. ત્યારબાદ તેમાં શીંગદાણા તેમજ કાજુને 2 મિનિટ જેવું સાંતળો. હવે સમારેલો કાંદો નાખીને સાંતળો. 2 મિનિટ બાદ તેમાં વટાણા, સમારેલાં ગાજર તેમજ સિમલા મરચાં ઉમેરીને 4-5 મિનિટ ગેસની મધ્યમ આંચે સાંતળી લો. તેમાં કાળા મરી પાઉડર ઉમેરો તેમજ સ્વાદ મુજબ મીઠું નાખીને બાફેલી સેવ પણ મેળવી દો. ચમચા વડે હળવે હળવે મિક્સ કરી લીધા બાદ 2-3 મિનિટ કઢાઈ ઢાંકીને સેવને થવા દો.

ગેસ બંધ કરીને તૈયાર સેવનો ઉપમા ગરમાગરમ પીરસો અથવા બાળકોને ટિફીનમાં આપો. સાથે કોપરાની ચટણી હોય તો સ્વાદ વધી જશે.