વેજીટેબલ રવા બન્સ

નથી આ ઈડલી, પણ નાસ્તાની કંઈક નવી વેરાયટી છે! બનાવી જુઓ! બાળકોને તો આમ પણ નિતનવી વાનગી જ જોઈતી હોય છે!

સામગ્રીઃ

  • રવો 500 ગ્રામ
  • દહીં 300 ગ્રામ
  • લીલા વટાણા બાફેલા 250 ગ્રામ
  • નાળિયેરનું ખમણ 200 ગ્રા.
  • કિસમિસ 25 ગ્રામ
  • કાજુ 25 ગ્રામ
  • 7-8 લીલાં મરચાં
  • આદુ 1 ઈંચ ટુકડો
  • કોથમીર ધોઈને સમારેલી 2 કપ
  • મીઠું સ્વાદાનુસાર
  • સોડા ½ ¼ ટી.સ્પૂન
  • તેલ
  • ખાંડ 1 ટી.સ્પૂન

વઘાર માટેઃ

  • રાઈ 1 ટી.સ્પૂન
  • સફેદ તલ 1 ટી.સ્પૂન
  • મીઠો લીમડો 7-8 પાન
  • તેલ 1 ટે.સ્પૂન

રીતઃ રવામાં મીઠું, દહીં, ખાંડ નાખી થોડું નવશેકું પાણી મેળવીને ખીરું બનાવી લો. આ ખીરું ઢાંકીને પાંચ-સાત કલાક રહેવા દો. ત્યારબાદ તેમાં બાફેલા લીલા વટાણા, નાળિયેરનું ખમણ, કિસમિસ, કાજુના ટુકડા, ધોઈને સમારેલી કોથમીર મેળવી લો. (તમારી પસંદના અન્ય વેજીટેબલ્સ પણ ઉમેરી શકો છો.)  તેમજ આદુ ઝીણું સમારીને અથવા ખમણીને નાખો. લીલાં મરચાંના નાના ટુકડા કરીને નાખવા. નાની સ્ટીલની 5-6 વાટકી લઈ તેમાં તેલ લગાડી રાખો. એક તપેલામાં પાણી ગરમ કરવા મૂકો. તેમાં સ્ટેન્ડ મૂકી ઉપર ચાળણી મૂકી દો.

હવે ખીરામાં બેકિંગ પાઉડર, ચપટી સોડા, 1 ચમચી તેલનું મોણ નાખી એકસરખું 10 સેકન્ડ હલાવીને  ખીરું દરેક વાટકીમાં અડધે સુધી ભરી દો. ખીરું ભરેલી વાટકીઓ ચાળણીમાં ગોઠવીને વાસણ ઢાંકી દો અને 15 મિનિટ સુધી બફાવા દો. 15 મિનિટ બાદ વાટકીમાં ખીરું બરાબર ફૂલીને ખીલી જાય એટલે ગેસ બંધ કરીને વાસણ ઉતારી લો. વાટકીઓ બહાર કાઢી ઠંડી થાય એટલે ચપ્પૂથી આજુબાજુની કિનાર ઉખેડી વાટકી ઉંધી પાડવી, એટલે તૈયાર થયેલા બન્સ નીકળશે.

એક ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ તતડાવી, મીઠો લીમડો નાખીને  ઉપર તલ નાખો. (તેલમાં તલ હળવેથી નાખો અને ત્યારબાદ રવા બન્સ તેમાં ગોઠવીને શેલો ફ્રાય કરી લો. આ બન્સ ટોમેટો કેચઅપ સાથે પીરસો.