સોયા નગેટ્સ્ એ એક હાઈ પ્રોટીનવાળો પૌષ્ટિક નાસ્તો છે, જે નાસ્તામાં અલગ ટેસ્ટ લાવશે અને બાળકોને પણ ભાવશે!
સામગ્રીઃ
- સોયાબીન ચન્ક્સ્ 1 કપ
- બાફેલા બટેટા 2
- ચણાનો લોટ 3-4 ટે.સ્પૂન,
- કાંદો 1
- લીલા મરચાં 3-4
- લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
- આદુ 1 ઈંચ
- કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન
- ચાટ મસાલો ¼ ટી.સ્પૂન,
- આમચૂર પાઉડર ¼ ટી.સ્પૂન
- હળદર ¼ ટી.સ્પૂન, મેંદો 1 કપ
- બ્રેડ ક્રમ્સ 2 કપ
- તેલ તળવા માટે
- લસણ 4-5 કળી (optional)
- ધોઈને સમારેલી કોથમીર ½ કપ,
- સાદા કોર્નફ્લેક્સ 2 કપ (optional)
રીતઃ એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો, પાણી ઉકળે એટલે સોયાબીન ચન્ક્સને તેમાં નાખીને 5 મિનિટ સુધી ઉકાળો.
ત્યારબાદ ગેસ બંધ કરીને વાસણમાંનું પાણી નિતારી લો. સોયા ચન્ક્સ થોડા ઠંડા થાય એટલે તેમાંનું પાણી નિચોવી લો. આ સોયા ચન્ક્સને મિક્સીમાં પલ્સ મોડ પર અધકચરા ક્રશ કરી લો.
એક વાસણમાં ક્રશ કરેલા સોયા લો. તેમાં બટેટાને ખમણીને ઉમોરો. તેમજ કાંદો તથા લીલા મરચાં સમારીને ઉમેરો. આદુ ખમણીને અને લસણની કળી ઝીણી સમારીને ઉમેરી દો. હવે તેમાં હળદર, લાલ મરચાં પાઉડર, સ્વાદ મુજબ મીઠું, કાળા મરી પાઉડર, ચાટ મસાલો, આમચૂર પાઉડર, કોથમીર, ચણાનો લોટ મેળવીને લોટ જેવું ઘટ્ટ પૂરણ બાંધી દો. આ પૂરણમાંથી ચપટા ગોળાકાર નગેટ્સ તૈયાર કરી લો.
એક બાઉલમાં મેંદો લઈ તેમાં સ્વાદ મુજબ મીઠું, 2-3 ચપટી કાળા મરી પાઉડર તેમજ થોડું પાણી ઉમેરીને સ્લરી તૈયાર કરી લો. એક થાળીમાં બ્રેડ ક્રમ્સ લઈ લો.
કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો.
તૈયાર કરેલા સોયા નગેટ્સને મેંદાની સ્લરીમાં બોળીને બ્રેડ ક્રમ્સમાં રોળવીને ગરમ તેલમાં તળી લો. જો તમને આ નગેટ્સ વધુ ક્રન્ચી જોઈતા હોય તો બ્રેડ ક્રમ્સને બદલે સાદા કોર્નફ્લેક્સમાં રોળવીને તળી લેવા. કોર્નફ્લેક્સ આખા હોય છે, તો તેને થોડા પાઉંભાજી મેશર વડે અધકચરા જેવા પીસી લેવા.
આ સોયા નગેટ્સ તીખી લીલી ચટણી, ગળી ચટણી અથવા ટોમેટો કેચ-અપ સાથે પીરસો.