વેજ પનીર જાલફ્રેજી

રંગોના તહેવાર હોળીની જેમ તમારી રસોઈમાં પણ રંગબેરંગી, ચટપટું, ટેન્ગી, સ્પાઈસી સ્વાદિષ્ટ શાક બનાવીને હોળીનો તહેવાર ઉજવી લો! આ યમ્મી ટેસ્ટી શાક બાળકોને તો બહુ જ ભાવશે!

સામગ્રીઃ

  • માખણ 2-2 ટે.સ્પૂન
  • ટામેટું 1
  • બેબી કોર્ન 3-4
  • લીલું સિમલા મરચું 1
  • લાલ સિમલા મરચું 1
  • પીળું સિમલા મરચું 1
  • ગાજર 1
  • ફણસી 50 ગ્રામ
  • વટાણા 100 ગ્રામ
  • પનીર 200 ગ્રામ
  • ફ્લાવર 200 ગ્રામ
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • કાંદો 1

મસાલોઃ તેલ 2-3 ટે.સ્પૂન, જીરુ 1 ટી.સ્પૂન, સૂકા લાલ મરચાં 2, લીલા મરચાં 2, કાંદા 2, ટામેટાં 2, આદુનો ટુકડો 1 ઈંચ, લસણની કળી 15-20, હળદર પાઉડર ½ ટી.સ્પૂન, તીખું લાલ મરચાં પાઉડર 2 ટી.સ્પૂન, કાશ્મીરી મરચાં પાઉડર 1 ટી.સ્પૂન, કસૂરી મેથી 1 ટી.સ્પૂન,  ગરમ મસાલો ½ ટી.સ્પૂન, કાળાં મરી પાઉડર  ¼ ટી.સ્પૂન, ટામેટા સોસ 2 ટે.સ્પૂન

રીતઃ બેબી કોર્નના લાંબા 2 ઈંચ જેટલા ટુકડા કરી લો. ત્રણેય સિમલા મરચાં તેમજ ગાજર, ફણસીને 1.5 ઈંચ લંબાઈમાં પાતળા કટ કરી લો. ફ્લાવરને પણ છૂટું કરી લો. એક ટામેટું લાંબી પાતળી ચીરીમાં સમારી લો અને એક કાંદાને થોડી જાડી લાંબી સ્લાઈસમાં સમારી લો.

એક ફ્રાઈ પેનમાં 2 ટે.સ્પૂન માખણ ગરમ કરી, તેમાં ફ્લાવરના ટુકડા તેમજ ગાજરના ટુકડા 2-3 મિનિટ માટે સાંતળી લો. ત્યારબાદ તેમાં ફણસી, બેબી કોર્ન અને કાંદાની સ્લાઈસ 2 મિનિટ સાંતડીને ટામેટાં તથા ત્રણેય સિમલા મરચાંની સ્લાઈસ નાખીને 2 મિનિટ સાંતળો. ગેસની આંચ તેજ રાખવી. બધાં શાક થોડાં ક્રન્ચી થયા બાદ ગેસ બંધ કરીને ફ્રાઈ પેનમાંથી એક બીજા વાસણમાં કાઢી લો. પનીરના 1.5 ઈંચ લાંબી સ્લાઈસ કરી લો. ખાલી થયેલા ફ્રાઈ પેનમાં ફરીથી 2 ટે.સ્પૂન માખણ નાખી પનીરને બંને બાજુએથી થોડો ગુલાબી રંગ થાય તેટલું સાંતળો. પનીર સાંતળી લીધા બાદ તેને પણ એક વાસણમાં કાઢી લો.

આ જ પેનમાં તેલ 2-3 ટે.સ્પૂન ગરમ કરી તેમાં જીરુ તતડાવીને લાલ સૂકાં મરચાંના બે ટુકડા કરીને સાંતડો. હવે તેમાં ઝીણાં સમારેલાં કાંદા તેમજ વટાણા નાખો. કાંદા લાલ થાય ત્યાં સુધી સાંતડો તેમાં વટાણા પણ ચઢી જશે અને ક્રન્ચી પણ રહેશે. ખમણેલાં આદુ અને લસણ 1 મિનિટ માટે સાંતડીને સૂકા મસાલા તેમજ કસૂરી મેથી ઉમેરીને 2 ટે.સ્પૂન પાણી નાખી મસાલા સાંતડો. હવે તેમાં ઝીણાં સમારેલાં ટામેટાં નરમ થાય ત્યાં સુધી સાંતડો. મસાલો સૂકો થતો જણાય તો ફરીથી 2 ટે.સ્પૂન પાણી ઉમેરીને સાંતડો. મસાલો સાંતળી લીધા બાદ તેમાં સાંતડેલા શાક તેમજ પનીર નાખીને 2 મિનિટ બાદ ગેસ બંધ કરીને નીચે ઉતારી લો.

આ ગરમાગરમ સ્વાદિષ્ટ શાક પરોઠા, નાન, કે ભાત સાથે પણ સારું લાગશે!