આંબલીવાળો ખટમીઠો ભાત એ દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી પુલિહોરા છે. જે મોટે ભાગે તહેવાર કે પૂજા વખતે રાંધવામાં આવે છે. આ ભાત કાંદા-લસણ વિના પણ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. ટિફિનમાં આપવા માટે પણ આંબલીવાળા ભાતનો વિકલ્પ સારો છે!
સામગ્રીઃ
- રાંધેલો ભાત 2 કપ (કોલમ ચોખા અથવા સોના મસૂરી ચોખા)
- આંબલી ½ કપ
- સ્વાદ મુજબ મીઠું
- કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન
સૂકો મસાલોઃ
- સૂકા લાલ મરચાં 4
- ચણા દાળ 1 ટી.સ્પૂન
- અળદ દાળ 1 ટી.સ્પૂન
- આખા ધાણા 1 ટી.સ્પૂન
- સફેદ તલ ½ ટી.સ્પૂન
- જીરૂ ½ ટી.સ્પૂન
- સ્વાદ મુજબ મીઠું
- મેથીદાણા ¼ ટી.સ્પૂન
- હળદર ¼ ટી.સ્પૂન
- કાળા મરી 6-7 નંગ
- તલનું તેલ 1 ટે.સ્પૂન
વઘાર માટેઃ
- તલનું તેલ 1 ટે.સ્પૂન
- સૂકું લાલ મરચું 1
- ચણા દાળ 1 ટી.સ્પૂન
- અળદ દાળ 1 ટી.સ્પૂન
- શીંગદાણા 1 ટી.સ્પૂન
- રાઈ ¼ ટી.સ્પૂન
- મીઠા લીમડાના પાન 8-10
- કાશ્મીરી લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
- હીંગ ¼ ટી.સ્પૂન
- ગોળ અથવા ગોળનો પાઉડર 1 ટી.સ્પૂન
રીતઃ ભાતના દાણા છૂટા રહે તે રીતે ચોખા રાંધી લેવા.
એક પેનમાં 1 ટે.સ્પૂન તલનુંતેલ ગરમ કરી તેમાં અળદ તથા ચણાની દાળ ગુલાબી રંગની શેકી લો. ત્યારબાદ તેમાં આખા ધાણા, મેથીદાણા, જીરૂ, કાળા મરી, સફેદ તલ મેળવીને 2 મિનિટ શેકી લીધા બાદ ગેસની આંચ બંધ કરીને મસાલો ઠંડો થવા દો. મસાલો ઠંડો થાય એટલે તેને બારીક પસી લો.
આમલીને ગરમ પાણીમાં 40 મિનિટ સુધી પલાળ્યા બાદ તેને હાથેથી મસળીને તેમાંનો ગર બીજા એક વાસણમાં કાઢી લો.
વઘાર માટેઃ કઢાઈમાં તેલ ગરમ કરીને રાઈનો તથા હીંગનો વઘાર કરી લીમડો વઘારો. ત્યારબાદ ચણા દાળ તેમજ અળદ દાળ ઉમેરી ગુલાબી રંગની શેકી લીધા બાદ શીંગદાણા ઉમેરી થોડા શેકાઈ જાય એટલે લાલ મરચાં પાઉડર મેળવીને તરત આમલીનો પલ્પ તથા વાટેલો મસાલો મેળવીને 1 કપ પાણી મેળવી દો. ખમણેલો ગોળ પણ મેળવી દો. આ મિશ્રણ સોસ જેવું ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દો.
હવે રાંધેલો ભાત તથા સમારેલી કોથમીર તેમાં મેળવીને 6-7 મિનિટ કઢાઈ ઢાંકીને ગેસની ધીમી આંચે થવા દો. આ ભાત એકાદ કલાક બાદ પણ પીરસવામાં આવે તો તેમાં આંબલી તેમજ મસાલાનો સ્વાદ પચવાથી ભાત વધુ સ્વાદિષ્ટ લાગશે.
તૈયાર ભાત પાપડ સાથે પીરસો.
