મીઠા પૌઆનો પ્રસાદ

ગુડી પડવાના શુભ દિવસે ભગવાનને ધરાવવા માટે પ્રસાદ ઘરમાં જ ઉપલબ્ધ પૌઆ વડે બનાવી શકાય છે. આ મીઠા પૌઆનો પ્રસાદ તો બાળકોને પણ બહુ ભાવે તેવો છે!

સામગ્રીઃ

  • પૌઆ 100 ગ્રામ
  • કાજુ તેમજ બદામના ટુકડા 2 ટે.સ્પૂન
  • કિસમિસ 8-10
  • તાજા નાળિયેરની છીણ ½ કપ
  • ઘી 2 ટે.સ્પૂન
  • 2 એલચી પાઉડર 1 ટી.સ્પૂન
  • સૂંઠ પાઉડર 2 ચપટી
  • ગોળ 1 કપ
  • પાણી ½ કપ

રીતઃ પૌઆને ધોઈને પાણી નિતારીને એક વાસણમાં કાઢી લો. 10 મિનિટ રહેવા દો. જેથી કોરા થઈ જાય.

પેનમાં ઘી ગરમ કરી તેમાં કાજુ, બદામના ટુકડા તળી લીધા બાદ કિસમિસ તળીને કાઢી લો. ત્યારબાદ કોપરાની છીણ સાંતળીને કાઢી લો.

ગોળને બારીક સમારી લો. એક પેનમા ગોળ ડૂબે એટલું પાણી ગરમ કરી ગોળ ઓગળે એટલે સ્ટીલની બારીક ચાળણીમાં ચાળીને ફરીથી એ જ ગોળવાળું પાણી પેનમાં ગેસની ધીમી-મધ્યમ આંચે ગરમ કરવા મૂકો. ચાસણી ઘટ્ટ થવા માંડે તેમજ એક તારની થાય એટલે ગેસ બંધ કરી દો. આ ચાસણીમાં એલચી પાઉડર તેમજ સૂંઠ પાઉડર મેળવી, તળેલા કાજુ-બદામ-કિસમિસ મેળવો. ત્યારબાદ તેમાં નાળિયેરની છીણ પણ મેળવી લો અને પૌઆ મિક્સ કરી દો.

પૌઆનું આ મિશ્રણ અડધો કલાક ઢાંકીને રાખી મૂકો. ત્યારબાદ ભગવાનને પ્રસાદ ધરાવો.