શાહી મિક્સ વેજ હાંડી અહીં આપેલી સહેલી રીતથી ઘરે બનાવો અને રેસ્ટોરન્ટ જેવો સ્વાદ ઘરે લાવો!
સામગ્રીઃ
- સૂકા આખા ધાણા 1 ટે.સ્પૂન
- લવિંગ 2-3
- એલચી 3
- જીરૂ 1 ટી.સ્પૂન
- કાળા મરી 7-8
- તજનો ટુકડો 1 ઈંચ
- દેશી ઘી 1 ટી.સ્પૂન
- ગાજર 1
- બટેટા 2
- કાંદા 2
- ટામેટાં 2-3
- કાજુ 10 તેમજ 6-7
- પનીર 200 ગ્રામ
- ખમણેલું પનીર 2 ટે.સ્પૂન
- ફ્લાવર 1 કપ
- લીલા વટાણા બાફેલા 1 કપ
- લીલા મસાલા 2-3,
- ક્રીમ અથવા મલાઈ ¼ કપ
- દૂધ 2 ટે.સ્પૂન
- તેલ 3 ટે.સ્પૂન
- જીરૂ 1 ટી.સ્પૂન
- તમાલ પત્ર 1
- માખણ 1 ટે.સ્પૂન
- કસૂરી મેથી 2 ટે.સ્પૂન
- સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન
- લીલાં મરચાં 3-4
મસાલા માટેઃ
- ધાણાજીરૂ 2 ટી.સ્પૂન
- કાશ્મીરી મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
- હળદર ¼ ટી.સ્પૂન
- સ્વાદ મુજબ મીઠું
- આદુ-લસણની પેસ્ટ 1 ટી.સ્પૂન
- શેઝવાન ચટણી 1 ટે.સ્પૂન
- કિચન કિંગ મસાલો ½ ટી.સ્પૂન
રીતઃ કૂકરમાં ઘી ગરમ કરી તેમાં આખા ગરમ મસાલાઃ લવિંગ,
સૂકા ધાણા, તજ, કાળા મરી, એલચી, જીરૂ નાખીને 2-3 મિનિટ સાંતળો. ત્યારબાદ તેમાં, બટેટા છોલીને નાખો, ગાજર છોલીને 3-4 મોટા ટુકડા કરીને નાખો. ટામેટાં ધોઈને તેમાં વચ્ચે એક કાપો પાડીને નાખો. તેમજ કાંદાને છોલીને બે ટુકડામાં કટ કરીને નાખો. પનીરના 3-4 એક ઈંચના ટુકડા કરીને નાખો તેમજ 8-10 કાજુ નાખીને અડધો કપ પાણી ઉમેરીને કૂકર બંધ કરીને 1 સીટી કરીને ગેસ બંધ કરી દો.
એક વાટકીમાં ધાણાજીરૂ, કાશ્મીરી મરચાં પાઉડર, હળદર, કિચન કિંગ મસાલો, સ્વાદ મુજબ મીઠું, આદુ-લસણની પેસ્ટ તેમજ શેઝવાન ચટણી લઈ થોડું પાણી ઉમેરીને પેસ્ટ બનાવી લો.
કૂકર ઠંડું થયા બાદ ટામેટાંની છાલ ચીપિયા વડે કાઢીને મિક્સીમાં નાખો. કાંદાને પણ મિક્સીમાં ઉમેરો. ગાજર, બટેટા તેમજ ફ્લાવરને અલગ વાસણમાં કાઢીને ગાજર અને બટેટાના પીસ કરીને મૂકો. બચેલું આખા મસાલા તેમજ કાજુ-પનીર સાથેનું પાણી ઠંડું થાય એટલે મિક્સીમાં નાખીને બારીક પેસ્ટ કરી લો.
ખાલી થયેલા કૂકરમાં તેલ ગરમ કરી તેમાં બચેલા કાજુ તળીને કાઢી લો. તેમજ સિમલા મરચાંના અને પનીરના ચોરસ ટુકડા તળીને કાઢી લો. જીરાનો વઘાર કરી તમાલપત્ર નાખી 2-3 મિનિટ સાંતળી લીધા બાદ તેમાં મસાલાની પેસ્ટ ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેમાં કાંદા-કાજુની પેસ્ટ ઉમેરીને ક્રીમ અથવા મલાઈ નાખીને 2 મિનિટ સાંતળો. હવે તેમાં બાફેલા અને સમારેલાં શાક ઉમેરીને માખણ તેમજ કસૂરી મેથી મિક્સ કરીને દૂધ મેળવો, સ્વાદ મુજબ મીઠું તેમજ ખમણેલું પનીર ઉમેરી દો, લીલાં મરચાં બે ફાડ કરીને ઉમેરો. કૂકર બંધ કરીને ગેસની ધીમી આંચે આ શાકને 10 મિનિટ સુધી દમ પર રાંધો.
10 મિનિટ બાદ ગેસ બંધ કરીને 3-4 મિનિટ બાદ ઢાંકણ ખોલીને તળેલા કાજુ તેમજ સિમલા મરચાંના ટુકડા તેમજ કોથમીર ભભરાવીને પરોઠા અથવા રોટલી સાથે પીરસો