નાસ્તા માટે નવી વેરાયટી બનાવો તેટલી ઓછી છે! તો બનાવી લો, બટેટા-કાંદા-ટામેટાંના અલગ પ્રકારના વડાં!
સામગ્રીઃ બાફેલા બટેટા 2, ચણાનો લોટ 1 કપ, સફેદ તલ 1-1 ટી.સ્પૂન, રેડ ચિલી ફ્લેક્સ 1-1 ટી.સ્પૂન, લીલા મરચાં 2, કાંદો 1, તેલ તળવા માટે તેમજ વઘાર માટે, હીંગ ¼ ટી.સ્પૂન, કળીપત્તાના પાન 4-5, ટામેટું 1, રવો 1 કપ, સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન
રીતઃ ચણાનો લોટ એક બાઉલમાં લઈ તેમાં થોડું પાણી ઉમેરીને ખીરું તૈયાર કરો અને તેમાં સફેદ તલ, રેડ ચિલી ફ્લેક્સ તેમજ હીંગ મેળવીને ઢાંકીને રાખો.
બટેટાને છીણી લો.
એક પેનમાં 2 ટે.સ્પૂન તેલ ગરમ કરી તેમાં કાંદો ઝીણો સમારીને ઉમેરો. સાથે લીલા મરચાંને પણ ઝીણાં ગોળ સમારીને મેળવી દો. કાંદો લાલ રંગનો સાંતળી લીધા બાદ. કળી પત્તાના પાન સમારીને મેળવી દો. ટામેટાંને પણ ઝીણું સમારીને આ વઘારમાં ઉમેરો. ટામેટું નરમ થઈને ચઢી જાય એટલે તેમાં છીણેલા બટેટા મેળવી દો. આ મિશ્રણ એક વાસણમાં કાઢી લો.
આ પેનમાં હવે 1 ટે.સ્પૂન તેલ ગરમ કરી તેમાં જીરાનો વઘાર કર્યા બાદ સફેદ તલ તેમજ રેડ ચિલી ફ્લેક્સ 1-1 ટી.સ્પૂન ઉમેરીને સમારેલી કોથમીર તેમજ 1 કપ પાણી મેળવો. પાણી ઉકળે એટલે તેમાં રવો મેળવીને ચમચા વડે ચારવતા રહો. જેવું મિશ્રણ ઘટ્ટ થઈને લોટ જેવું બંધાય એટલે ગેસ બંધ કરીને આ મિશ્રણ એક થાળીમાં કાઢી લો. તે ઠંડું થાય એટલે તેને કુણીને થોડું લીસું કરી લો. હવે તેમાં બાફેલા બટેટાવાળો મસાલો મેળવીને આ મિશ્રણના 1-2 ઈંચના ચપટા ગોળા તૈયાર કરી લો.
કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તૈયાર થયેલા ગોળા એક એક કરીને ચણાના લોટના ખીરામાં બોળીને તેલમાં ગેસની મધ્યમ આંચે તળી લો.
તળેલા વડા ટોમેટો કેચ-અપ સાથે પીરસો.







