આલૂ પફ

સહુથી સહેલાઈથી બની જતા આલૂ પફ બાળકોને ટિફિનમાં આપી શકાય છે!

સામગ્રીઃ મેંદો 1 કપ, અજમો ½ ટી.સ્પૂન , તેલ 1 ટે.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, બાફેલા બટેટા 3-4, લીલા મરચાં 2, હળદર ¼ ટી.સ્પૂન, ધાણાજીરૂ  ½ ટી.સ્પૂન, લાલ મરચાં પાઉડર ½ ટી.સ્પૂન, ગરમ મસાલો ½ ટી.સ્પૂન, ચાટ મસાલો ½ ટી.સ્પૂન, જીરૂ પાઉડર ½ ટી.સ્પૂન , આમચૂર પાઉડર ¼ ટી.સ્પૂન, ધોઈને સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન, તેલ તળવા માટે

રીતઃ મેંદામાં અજમો હાથે ચોળીને ઉમેરો. ત્યારબાદ તેલ તેમજ સ્વાદ મુજબ મીઠું ઉમેરીને નરમ લોટ બાંધીને તેલનું મોણ આપીને, ઢાંકીને અડધો કલાક સુધી રાખી મૂકો.

બાફેલા બટેટાનો છૂંદો કરી લો. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, લીલા મરચાં સમારીને ઉમેરો. ત્યારબાદ ધાણાજીરૂ , હળદર, લાલ મરચાં પાઉડર, ગરમ મસાલો, ચાટ મસાલો, આમચૂર પાઉડર, ધોઈને સમારેલી કોથમીર, જીરૂ પાઉડર સરખું મેળવી દો.

બટેટાના પૂરણમાંથી નાના ગોળા ચપટા કરીને વાળી રાખો.

બાંધેલા લોટમાંથી મોટો લૂવો લઈ તેની મોટી રોટલી વણી લો. તેની કિનારીઓને ચપ્પૂ વડે લાંબો કાપો પાડીને રોટલીને ચોરસ આકાર આપી દો. હવે તેના મોટા ચોસલા થાય તે રીતે કટ કરી લો.

દરેક ચોસલાની ઉપર બટેટાનો ગોળો ચપટો વાળીને ગોઠવો. તેની ઉપર વણેલી રોટલીનો બીજો ચોરસ ટુકડો ગોઠવીને ચારે બાજુની કિનારી દાબીને પેક કરી લો.

અથવા રોટલીના ચોરસ કાપા ચપ્પૂ વડે કરીને બટેટાનું પૂરણ દરેક ચોસલામાં વચ્ચે ગોઠવીને તેનો એક છેડો બીજા છેડા પર ગોઠવીને ચમચી કાંટા વડે ત્રણેય બાજુ પેક કરી લો.

તૈયાર પફ કઢાઈમાં તેલ ગરમ કરીને મધ્યમ આંચે તળી લો.

આ પફ ટોમેટો કેચ-અપ સાથે સ્વાદિષ્ટ લાગશે.