ભારતીય વિવિધ પ્રાંતીય વાનગીનો સ્વાદ દરેક પ્રાંતથી તદ્દન અલગ હોય છે! પણ તે દરેકનો ગુણ એક જ હોય છે, પૌષ્ટિકતાનો! સવારના નાસ્તા માટે બનાવવામાં આવતી સિંધી કોકી 2 દિવસ સુધી સારી રહે છે. જે કાંદા વગર બનાવવામાં આવે તો 4-5 દિવસ સુધી સારી રહે છે!
સામગ્રીઃ ઘઉંનો લોટ 2½ કપ (500 ગ્રામ), ચણાનો લોટ 2 ટે.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, અજમો ½ ટી.સ્પૂન, લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન, કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન, જીરૂ 1½ ટી.સ્પૂન, ઘી મોણ માટે 3 ટે.સ્પૂન તેમજ કોકી શેકવા માટે, કાંદા 2 (optional), લીલા મરચાં 3, ધોઈને સમારેલી કોથમીર ½ કપ, અનારદાના પાઉડર 1 ટી.સ્પૂન (optional)
રીતઃ ઘઉંના લોટમાં ચણાનો લોટ, સ્વાદ મુજબ મીઠું, અજમાને બંને હાથમાં લઈ મસળીને ઉમેરવો,જેથી તેની સુગંધ સારી આવે. ત્યારબાદ તેમાં લાલ મરચાં પાઉડર, કાળા મરી પાઉડર, જીરૂ તેમજ મોણ માટે 3 ટે.સ્પૂન ઘી મેળવી હાથ વડે આ બધી સામગ્રી મિક્સ કરો.
કાંદાને ઝીણાં ચોરસ સમારી લો. લીલા મરચાંને ઝીણાં ગોળ સમારી લો. સમારેલાં કાંદા, કોથમીર, લીલા મરચાંને લોટમાં ઉમેરી દો અને ફરીથી હાથેથી જ બધી સામગ્રી મિક્સ કરો. કાંદામાં રહેલું પાણી છૂટવાથી થોડો લોટ બંધાવા આવશે. તેમાં 1-2 ટે.સ્પૂન અથવા તેનાથી પણ ઓછું પાણી ઉમેરીને કડક લોટ બાંધો. લોટ સ્મૂધ નહીં પણ ટેક્સ્ચરવાળો હોવો જોઈએ.
હવે લોટમાંથી 3 રોટલીના લૂવા જેટલો એક મોટો લૂવો લઈને ગોળાકાર ચપટો લૂવો બનાવો. આ રીતે બધા લૂવા લગભગ 4-5 બનશે.
ગેસ પર તવો ગરમ કરવા મૂકો. જેવો તવો ગરમ થાય એટલે બધા લૂવાને તવા પર ગોઠવીને બંને સાઈડથી અડધી મિનિટમાં શેકી લઈને તરત બહાર કાઢી લો. આ રીતથી લૂવામાંનું ઘી થોડું ઓગળશે અને લૂવા નરમ થવાથી રોટલી વણવી સહેલી રહેશે.
ગેસની આંચ ધીમી કરી લેવી અને રોટલી ભાખરી જેવી સહેજ જાડી વણીને બંને સાઈડથી ધીમા તાપે શેકી લીધા બાદ, બંને બાજુએ ઘી લગાડીને થોડી શેકીને ઉતારી લો.
આ સિંધી કોકી 2 દિવસ સુધી સારી રહે છે. જ્યારે કાંદા વગરની કોકી 4-5 દિવસ સુધી સારી રહે છે. પ્રવાસ માટે પણ આ કોકી સારી રહે છે.
તૈયાર કોકી દહીં સાથે સારી લાગે છે. ચા કે અથાણાં સાથે પણ પીરસી શકાય છે.





