વધેલા ભાતના રસિયા મુઠિયા

રાત્રે વધેલા ભાત બીજા દિવસે ખાવા નથી ભાવતા. પણ તેના રસિયા મુઠિયા બનાવવામાં આવે તો તે બહુ જ સ્વાદિષ્ટ વાનગી બને છે!

સામગ્રીઃ

  • રાતનો વધેલો ભાત 2 કપ
  • ધઉંનો લોટ ½ કપ
  • ચણાનો લોટ ½ કપ
  • લાલ મરચાં પાઉડર 2 ટી.સ્પૂન
  • ધાણાજીરુ 2 ટી.સ્પૂન
  • હળદર ½ ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • ખાવાનો સોડા ¼ ટી.સ્પૂન
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • દહીં ½ કપ
  • તેલ
  • સાકર 1 ટી.સ્પૂન (optional)
  • જીરૂ પાઉડર ½ ટી.સ્પૂન

ગ્રેવી માટેઃ

  • દહીં 2 કપ
  • ચણાનો લોટ 2 ટે.સ્પૂન
  • ધાણાજીરુ 1 ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • આદુ-મરચાં પેસ્ટ 1 ટી.સ્પૂન
  • રાઈ
  • તેલ કળી પત્તાના પાન 3-4
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • હીંગ 2-3 ચપટી
  • રાઈ 1 ટી.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 1 ટે.સ્પૂન
  • લાલ સૂકા મરચાં 2

રીતઃ ભાતમાં ધઉંનો લોટ, ચણાનો લોટ, લાલ મરચાં પાઉડર, ધાણાજીરુ, હળદર , હીંગ, સ્વાદ પ્રમાણે મીઠું, દહીં,  સાકર, જીરૂ પાઉડર મેળવીને નરમ લોટ બાંધી લો.

ત્યારબાદ તેમાં ખાવાનો સોડા અને 1 ચમચી તેલ મેળવીને તેમાંથી લંબગોળ મુઠીયા વાળી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરીને તળી લો અથવા મુઠીયાને વરાળમાં બાફી લો.

ગ્રેવી તૈયાર કરવા માટે દહીંમાં ચણાનો લોટ, આદુ-મરચાં પેસ્ટ તેમજ સૂકા મસાલા મેળવીને થોડું પાણી ઉમેરીને ગ્રેવી તૈયાર કરી લો.

એક કઢાઈમાં 2 ટે.સ્પૂન તેલ ગરમ કરી રાઈ તતડાવો. ત્યારબાદ તેમાં મરચાં નાખીને હીંગ અને કઢીપત્તાનો વઘાર કરીને દહીંવાળી ગ્રેવી હળવેથી નાખીને ઉકળવા દો. એક ઉભરો આવે એટલે ગેસની આંચ ધીમી કરીને મુઠીયા તેમાં ઉમેરીને ધીમી આંચે 15 મિનિટ થવા દો. જો ગ્રેવી ઘટ્ટ થઈ જાય તો થોડું પાણી ઉમેરી દો.

15 મિનિટ બાદ ગેસ બંધ કરીને મુઠીયા ઉતારીને કોથમીર ભભરાવીને પીરસો.