મમરાના આ ઈન્સ્ટન્ટ ઢોસા અને ટામેટાંની ચટણી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે!

સામગ્રીઃ
- મમરા 2 કપ
- સૂકા લાલ મરચાં 2
- ચણાનો લોટ 2 ટે.સ્પૂન
- રવો 2 ટે.સ્પૂન
- લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
- ધાણાજીરૂ પાઉડર 2 ટી.સ્પૂન
- ગરમ મસાલો ¼ ટી.સ્પૂન
- કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન
- કસૂરી મેથી 1 ટે.સ્પૂન
- સ્વાદ મુજબ મીઠું
ચટણીઃ
- સૂકા લાલ મરચાં 2
- કાંદો 1,
- ટામેટાં 2
- લસણની કળી 10-15
- રાઈ ½ ટી.સ્પૂન
- તેલ 1 ટે.સ્પૂન
- લાલ મરચાં પાઉડર ¼ ટી.સ્પૂન
- સ્વાદ મુજબ મીઠું
રીતઃ એક કઢાઈમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉકળવા મૂકો. તેમાં સૂકા લાલ મરચાં નાખી રાખો. પાણી ઉકળવા આવે એટલે તેમાં મમરા ઉમેરીને મિક્સ કરી દો. એકાદ મિનિટ બાદ ગેસ બંધ કરી દો.
મમરા ઠંડા થાય એટલે મમરાને સ્ટીલની ચાળણીમાં નાખીને પાણી નિતારી લો. આ મમરાને મિક્સીમાં લઈ તેમાં થોડું પાણી મેળવીને બારીક પેસ્ટ બનાવી લો. આ મિશ્રણ એક બાઉલમાં કાઢી તેમાં રવો મેળવીને 15-20 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો. જેથી તે દરમ્યાન રવો ફૂલે અને મિશ્રણ ઘટ્ટ થાય. 20 મિનિટ બાદ તેમાં ચણાનો લોટ પણ સરખો મિક્સ કરીને અડધા કલાક માટે રાખી મૂકો.
એક વાટકીમાં લાલ મરચાં પાઉડર, ધાણાજીરૂ પાઉડર, ગરમ મસાલો, કાળા મરી પાઉડર, કસૂરી મેથી હાથેથી થોડી ક્રશ કરીને તેમજ સ્વાદ મુજબ મીઠું મિક્સ કરી લો.
ચટણી માટેઃ કઢાઈમાં ½ ટી.સ્પૂન તેલ ગરમ કરી તેમાં લાલ મરચાં તેમજ લસણની કળી સાંતળી લીધા બાદ કાંદાના ટુકડા કરીને સાંતળો. ત્યારબાદ ટામેટાંના ટુકડા કરીને તેને પણ સાંતળી લો. આ મિશ્રણ ઠંડું થાય એટલે મિક્સીમાં લઈ તેમાં લાલ મરચાં પાઉડર તેમજ સ્વાદ મુજબ મીઠું મેળવીને બારીક ચટણી પીસી લો. એક વઘારીયામાં તેલ ગરમ કરી રાઈ તતડાવીને તે વઘાર ચટણીમાં મેળવી દો.
મમરાનું મિશ્રણ અડધા કલાક બાદ સરખું સેટ થઈ જાય એટલે ઢોસા માટેનો તવો ગેસ ઉપર ગરમ કરવા મૂકો અને તેલ અથવા ઘી કે માખણમાં ઢોસા તૈયાર કરો. ઢોસાની ઉપર કસૂરી મેથીવાળો તૈયાર કરેલો મસાલો ભભરાવો અને ગરમાગરમ ઢોસા ટામેટાંની ચટણી સાથે પીરસી આપો.



