પૌંઆ વેજીટેબલ નગેટ્સ

હલકો ફુલકો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો એટલે પૌંઆ વેજીટેબલ નગેટ્સ!

સામગ્રીઃ

  • પૌંઆ 1 કપ
  • રવો ½ કપ
  • દહીં ½ કપ
  • ગાજર 1
  • સિમલા મરચું 1
  • કાંદો 1
  • બાફેલા મકાઈના દાણા 2 ટે.સ્પૂન
  • ધોઈને સમારેલી કોથમીર 1 કપ
  • લીલા મરચાં 2
  • કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન
  • ચાટ મસાલો 1 ટી.સ્પૂન
  • ચીઝ ક્યુબ્સ 1
  • ખમણેલું આદુ ½ ટી.સ્પૂન
  • ચોખાનો લોટ 2 ટે.સ્પૂન
  • બ્રેડ 2 સ્લાઈસ
  • મેંદો 4 ટે.સ્પૂન
  • બ્રેડ ક્રમ્સ
  • તેલ તળવા માટે

રીતઃ પૌંઆને સારી રીતે ધોઈને પાણી નિતારી લીધા બાદ તેમાં રવો તેમજ દહીં મેળવી દો અને 5-10 મિનિટ માટે ઢાંકીને રાખી મૂકો.

ગાજરને ખમણી લો. કાંદા, સિમલા મરચાંને બારીક ચોરસ ટુકડામાં સમારી લો. બાફેલા મકાઈના દાણા અધકચરા વાટી લો. લીલા મરચાં બારીક સમારી લો. ચીઝ ક્યુબ ખમણી લો.

પૌંઆ પલળી જાય એટલે તેમાં સમારેલાં શાકભાજી, આદુ, મરચાં, સ્વાદ મુજબ મીઠું, કાળા મરી પાઉડર, ચાટ મસાલો, ચોખાનો લોટ, ખમણેલું ચીઝ મેળવો. બ્રેડ સ્લાઈસને પાણીમાં પલાળીને તેમાંનું પાણી નિચોવી લઈ બ્રેડનો ભૂકો પણ તેમાં ભેળવો. બધી સામગ્રીને મિક્સ કરી લીધા બાદ તેમાંથી લંબગોળ ગોળા વાળી લો.

મેંદાને એક બાઉલમાં લઈ 1 કપ જેટલું પાણી તેમાં મેળવીને પાતળું ખીરું બનાવી લો.

એક પ્લેટમાં બ્રેડ ક્રમ્સ લઈ રાખો. કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો.

પૌંઆમાંથી બનાવેલા ગોળા લઈ તેને મેંદાના ખીરામાં પલાળીને કાઢી લીધા બાદ બ્રેડ ક્રમ્સમાં રોળવી લઈ, ગરમ તેલમાં હળવેથી તળવા મૂકો. કઢાઈમાં આવે તે કરતાં થોડાં ઓછાં નગેટ્સ ઉમેરવાં.

પૌંઆ નગેટ્સ સોનેરી રંગના તળાઈ જાય એટલે ઝારા વડે કાઢી લઈ, તેલ નિતારી એક પ્લેટમાં ગોઠવી લીલી ચટણી, ટોમેટો કેચ-અપ કે તમને ભાવતાં અન્ય સોસ સાથે પીરસો.