કોઈવાર બ્રેડનો વધુ ઉપયોગ ન કરવો હોય, તો પૌઆની સેન્ડવિચ બનાવી શકાય છે!
સામગ્રીઃ
- પૌઆ 1 કપ
- રવો 1 કપ
- દહીં ½ કપ
- કોબી ઝીણું સમારેલું ½ કપ
- ગાજર 1
- સિમલા મરચું 1
- બાફેલા મકાઈના દાણા ½ કપ
- બાફેલા વટાણા ½ કપ
- લીલા મરચાં 2-3
- આદુ 1 ઈંચ
- સમારેલી કોથમીર 1 કપ
- મરી પાઉડર ½ ટી.સ્પૂન
- ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
- મીઠું સ્વાદ મુજબ
- સેન્ડવિચ મસાલો 1 ટી.સ્પૂન
- ઈનો ફ્રુટ સોલ્ટ ½ ટી.સ્પૂન
- લીંબુનો રસ ½ ટી.સ્પૂન
વઘાર માટેઃ
- તેલ 1 ટી.સ્પૂન
- અળદની દાળ 1 ટી.સ્પૂન
- જીરૂ 1 ટી.સ્પૂન
રીતઃ પૌઆને ધોઈને પાણી નિતારીને 2 મિનિટ માટે રાખો. ત્યારબાદ મિક્સીમાં લઈ, તેમાં રવો તથા દહીં મેળવીને ક્રશ કરીને એક વાસણમાં કાઢી લો. તેમાં થોડું પાણી નાખીને થોડું ઢીલું ખીરું બનાવી લો.
તૈયાર ખીરામાં ઝીણાં સમારેલાં કોબી તેમજ સિમલા મરચાં ઉમેરો. ગાજર ખમણીને મેળવો. આદુ તેમજ મરચાં પણ ઝીણાં સમારીને ઉમેરી દો. બાફેલા વટાણા તેમજ મકાઈ દાણા મેળવીને સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, ચિલી ફ્લેક્સ, સેન્ડવિચ મસાલો તથા સમારેલી કોથમીર મેળવી દો. આ મિશ્રણ 10 મિનિટ માટે રહેવા દો.
10 મિનિટ બાદ તેમાં ઈનો ઉમેરી, ઉપરથી લીંબુનો થોડો રસ મેળવી લો. જો ખીરું ઘટ્ટ હોય તો થોડું પાણી ઉમેરો.
વઘારીયામાં તેલ ગરમ કરી તેમાં અળદની દાળ થોડી સોનેરી રંગની તળી લીધા બાદ જીરૂ તતળાવીને ગેસ બંધ કરી દો. આ વઘાર સેન્ડવિચ માટેના ખીરામાં મેળવી દો.
ગેસ માટેનું ટોસ્ટર લઈ તેમાં અંદરની બાજુએ તેલ લગાડી લો. આ ખાલી ટોસ્ટર પહેલીવાર ગેસ ઉપર અડધી મિનિટ માટે મૂકીને સહેજ ગરમ કરી લો. હવે આ ટોસ્ટરમાં એક ચમચા વડે પૌઆનું ખીરું અડધું ટોસ્ટર ભરાય એ રીતે ભરી દો (સેન્ડવિચ શેકાયા બાદ ખીરું ફૂલીને બહાર ન આવે તે માટે). ટોસ્ટર બંધ કરીને તેને ગેસની મધ્યમ આંચ ઉપર 1-1 મિનિટ વારાફરતે બંને બાજુએથી શેકી લો. ફરીથી 1-1 મિનિટ બંને બાજુએથી શેકી લો.
4-5 મિનિટ શેકાયા બાદ ગેસ બંધ કરીને ટોસ્ટર થોડું ઠંડું પડે એટલે તવેથા વડે સેન્ડવિચ તેમાંથી બહાર પ્લેટમાં કાઢી લો. આ જ રીતે બધી સેન્ડવિચ તૈયાર કરી લો.
તૈયાર પૌઆ સેન્ડવિચ ટોમેટો-કેચ-અપ અથવા લીલી ચટણી સાથે પીરસો.
