પીઝા કપ

ઘરમાં રહેવું બાળકોને જરાય ગમતું નથી. પણ, એમને ભાવતી વાનગી એમને સાથે લઈને બનાવો. એટલે કે, વાનગી બનાવવામાં નાનકડી મદદ એમની પણ લો, તો નવી વાનગી બનાવતાં જોવાની એમને મઝા આવશે, તમારો પણ કંટાળો દૂર થશે અને સમય પસાર થઈ જશે!

તો બનાવી લો, બચ્ચાંઓને ભાવતી વાનગી પીઝા કપ!

સામગ્રીઃ

  • ½ કપ ઝીણાં સમારેલાં ટમેટાં
  • ¼ કપ ઝીણું સમારેલુ સિમલા મરચું
  • ½ કપ ઝીણો સમારેલો કાંદો
  • ½ કપ અમેરિકન મકાઈના બાફેલાં દાણા
  • 1 ટે.સ્પૂન ચિલી ફ્લેક્સ
  • 2 ટે.સ્પૂન પિઝા અથવા પાસ્તા સોસ
  • સ્વાદ મુજબ મીઠું
  • જોઈતા પ્રમાણમાં ઓગાળેલું માખણ
  • 1 કપ પીઝા ચીઝ અથવા મોઝરેલા ચીઝ
  • બંગડી સાઈઝના ગોળાકારમાં કટ કરેલી 8 સ્લાઈસ બ્રેડના પીસ
  • 2  ટી.સ્પૂન પીઝા મસાલો

રીતઃ સમારેલાં ટમેટાં, સિમલા મરચું, મકાઈના બાફેલાં દાણા તેમજ કાંદો એક મોટા બાઉલમાં મિક્સ કરો. તેમાં સ્વાદ મુજબ મીઠું, ચિલી ફ્લેક્સ, પિઝા સોસ તથા પીઝા મસાલો પણ મિક્સ કરી દો.

હવે ગોળાકાર બ્રેડ સ્લાઈસ લો. તેને વેલણ વડે પાતળી વળી લો અને  માખણ ચોપડી દો.

ગેસની ધીમી આંચ પર અપ્પમને ગરમ કરવા મૂકો. માખણ ચોપડેલી બ્રેડની સ્લાઈસને અપ્પમમાં નીચે તરફ ગોઠવો અને ઉપર પીઝા સ્ટફિંગ મૂકો. તેમજ ચીઝ ખમણીને ઉપર નાખો.

અપ્પમના દરેક ખાનામાં બ્રેડ ગોઠવાઈ જાય એટલે અપ્પમને ઢાંકી દો. જ્યાં સુધી ચીઝ ઓગળે તેમજ બ્રેડ ક્રિસ્પી થાય એટલે ગેસ બંધ કરીને અપ્પમ પેન નીચે ઉતારી લો. 5 મિનિટ બાદ પીઝા કપ થોડા ઠંડા થયા બાદ પીરસો.