પનીર ભુરજી

પંજાબી સ્વાદનું શાક પનીર ભુરજી, સહેલાઈથી બની જાય છે! ઘરે મહેમાન માટે પણ પરોઠા સાથે આ શાક સારું લાગે છે! બાળકોને તો આ શાક ઘણું પ્રિય બની રહેશે!

સામગ્રીઃ

  • માખણ 2 ટે.સ્પૂન
  • તેલ વઘાર માટે 2 ટે.સ્પૂન
  • પનીર ખમણેલું 400 ગ્રામ
  • કાંદા 2
  • ટામેટાં 2
  • સિમલા મરચાં 2
  • લીલા મરચાં 3-4
  • આદુનો ટુકડો 1½ ઈંચ
  • લસણ 6-7 કળી
  • ગરમ મસાલો 1 ટે.સ્પૂન
  • કસૂરી મેથી 1 ટી.સ્પૂન
  • કાશ્મીરી મરચાં પાઉડર 2 ટી.સ્પૂન
  • હળદર પાઉડર ½ ટી.સ્પૂન
  • મલાઈ અથવા ક્રીમ 1 ટે.સ્પૂન
  • ચણાનો લોટ 1 ટે.સ્પૂન
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • સમારેલી કોથમીર 1 ટે.સ્પૂન
  • ચીઝ ક્યુબ 2

 

રીતઃ એક કઢાઈમાં માખણ તેમજ તેલ ગરમ થાય એટલે જીરૂ તતડાવી તેમાં ખમણેલું આદુ તેમજ લસણ ઉમેરો. 1 મિનિટ સાંતળીને લીલા મરચાં ઝીણાં ગોળ સમારીને ઉમેરી 2 મિનિટ બાદ ઝીણાં સમારેલાં કાંદા સાંતડીને 10 મિનિટ શેકાવા દો. ત્યારબાદ તેમાં ચણાનો લોટ ગુલાબી રંગનો શેકાવા દો. 2 મિનિટ બાદ ઝીણાં સમારેલાં ટામેટાં ઉમેરી દો. ગેસની મધ્યમ ધીમી આંચે 5-10 મિનિટ થવા દો.

હવે તેમાં લાલ મરચાં પાઉડર, હળદર ઉમેરી ધીમા તાપે તેલ છૂટું પડે એટલે ક્રીમ મેળવીને એકાદ મિનિટ બાદ ખમણેલું પનીર, કોથમીર તેમજ કસૂરી મેથી પણ મેળવીને કઢાઈ ઢાંકીને ધીમા તાપે 4-5 મિનિટ બાદ ગેસ બંધ કરીને પનીર ભુરજી ઉતારી લો. પનીર ખમણવાને બદલે નાના નાના ટુકડામાં કરીને પણ નાખી શકાય છે.

પનીર ભુરજી પ્લેટમાં પીરસ્યા બાદ તેની ઉપર ખમણેલું પનીર તેમજ ચીઝ સારું લાગશે.

પનીર ભુરજી પરોઠા, ફુલકા રોટલી, નાન કે પાંઉ સાથે પણ સારું લાગે છે.