પાલક-પનીરની સબ્જી અલગ રીતે બનાવવામાં થોડી કળાકૂટ રહેશે. પણ અલગ પ્રકારની હોય એટલે બાળકો તો હોંશે હોંશે જમશે!
સામગ્રીઃ
- તેલ 2 ટે.સ્પૂન
- જીરૂ ½ ટી.સ્પૂન
- તમાલ પત્ર 1
- તજ ટુકડો 1 ઈંચ
- કાળા મરી 3-4
- સૂકા લાલ મરચાં 2
- કાંદા 2
- ટામેટાં 2
- લીલા મરચાં 2-3
- આદુનો ટુકડો 2 ઈંચ
- લસણની કળી 4-5
- કાશ્મીરી મરચાં પાઉડર ½ ટી.સ્પૂન
- લાલ મરચાં પાઉડર ½ ટી.સ્પૂન
- ધાણાજીરૂ ½ ટી.સ્પૂન
- હળદર ¼ ટી.સ્પૂન
- ક્રીમ 2 ટે.સ્પૂન
પાલકના મુઠીયા માટેઃ
- પાલક 1 ઝુડી
- પનીર 100 ગ્રામ
- ચણાનો લોટ 100 ગ્રામ
- લાલ મરચાં પાઉડર ½ ટી.સ્પૂન
- ધાણાજીરૂ ½ ટી.સ્પૂન
- હળદર ¼ ટી.સ્પૂન
- જીરૂ પાઉડર ½ ટી.સ્પૂન
- કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
- આદુ-મરચાં પેસ્ટ 1 ટી.સ્પૂન
- લસણની કળી 3-4
- તેલ 2 ટે.સ્પૂન
રીતઃ પાલકના પાન 2-3 પાણીએથી ધોઈને તેમાં થોડું મીઠું મેળવીને ઢાંકીને 10 મિનિટ માટે મૂકો.
મિક્સીમાં ટામેટાંના ટુકડા કરી નાખો, તેમજ તેમાં લસણ, આદુ, લીલા મરચાં ઉમેરીને બારીક પેસ્ટ બનાવી લો.
એક કઢાઈમાં 2 ટે.સ્પૂન તેલ ગરમ કરી જીરૂ તતડાવીને તેમાં તમાલ પત્ર, તજ, કાળા મરી, સૂકા લાલ મરચાં 1 મિનિટ સાંતળીને ઝીણાં સમારેલો કાંદો બ્રાઉન રંગનો સાંતળી લીધા બાદ તેમાં કાશ્મીરી મરચા પાઉડર મેળવી. એકાદ મિનિટ બાદ ટામેટાંની પેસ્ટ મેળવીને 2-3 મિનિટ માટે સાંતળો. 2 મિનિટ બાદ તેમાં સાદી મરચાંની ભૂકી, હળદર, ધાણાજીરૂ મેળવો. ત્યારબાદ ક્રીમ મેળવીને ફરીથી થોડું સાંતળો. 1 કપ પાણી મેળવીને કઢાઈ ઢાંકીને ધીમે તાપે 6-7 મિનિટ થવા દો. મુઠીયા થતાં વાર લાગે તેમ હોય તો ગેસ બંધ કરી દો.
પાલકમાં મીઠું મેળવ્યું હોવાથી તેમાંથી પાણી છૂટશે. તે પાણી નિતારીને એક વાટકીમાં ભરી લો. આ પાણી મુઠીયાનો લોટ બાંધતી વખતે તેમજ વધેલું પાણી ગ્રેવી બનાવો. તેમાં ઉમેરી દેવું.
પનીરને ખમણી લો.
પાલકમાં લાલ મરચાં પાઉડર, ધાણાજીરૂ, હળદર, જીરૂ પાઉડર, કાળા મરી પાઉડર, ચણાનો લોટ, આદુ-મરચાં પેસ્ટ, લસણને ખમણીને ઉમેરો. મીઠું સ્વાદ મુજબ પણ થોડું ઓછું ઉમેરવું. કારણ કે, સમારેલી પાલકમાં મીઠું મેળવેલું હતું. લોટ બાંધતી વખતે જરૂર મુજબ પાલકમાંથી નિતારેલું પાણી રાખ્યું હતું, તેમાંથી થોડું થોડું ઉમેરવું.
લોટના લૂવામાંથી લગભગ 2-3 લૂવા થશે. હાથમાં તેલ લગાડી. એક લૂવો લઈ તેને હથેળીમાં થાપીને લંબચોરસ આકાર આપો. રોલ ઉપર ખમણેલું પનીર પાથરીને રોલ વાળી દો અને હળવેથી દાબીને થોડો ચપટો આકાર આપી દો.
મુઠીયા બાફવાના વાસણમાં પાણી ગરમ કરી દો. તેમાં કાંઠો મૂકીને ઉપર સ્ટીલની ચાળણીમાં મુઠીયા ગોઠવીને વાસણ ઢાંકીને 15 મિનિટ સુધી બફાવા દો. ત્યારબાદ ગેસ બંધ કરીને મુઠીયા બહાર કાઢીને એક ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરીને મુઠીયા બંને બાજુએથી સોનેરી રંગના સાંતળી લો. ત્યારબાદ મુઠીયા ઠંડા થાય એટલે તેના મોટા પીસ કરી દો.
ટામેટાંની ગ્રેવીમાં મસાલો તૈયાર થયેલી કઢાઈમાં 1-2 કપ જેટલું પાણી ઉમેરીને તેમાં મુઠીયા ઉમેરી દો. ગેસ ચાલુ કરીને ધીમે તાપે 10 મિનિટ સુધી શાક થવા દો. સમારેલી કોથમીર ઉમેરીને શાક ગરમાગરમ રોટલી સાથે પીરસો.