કાંદા બટેટા સિમલા મરચાંના લચ્છા ભજીયા

વરસાદમાં ભજીયા તો દરેકને ભાવતા જ હોય છે. એમાં પણ જો જુદા જુદા પ્રકારના ભજીયા ખાવા મળે તો દરેકને  ગમે જ! આ ભજીયા પણ બહુ જ અલગ છે. જે સ્વાદિષ્ટ અને કુરકુરા પણ છે!

સામગ્રીઃ

  • બટેટા 4
  • સિમલા મરચાં 4
  • કાંદા 2
  • આદુ 2 ઈંચ
  • મરચાં 3
  • અજમો ½ ટી.સ્પૂન
  • હળદર ¼ ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • ધાણાજીરૂ 2 ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • લીંબુનો રસ 1 ટે.સ્પૂન
  • સફેદ તલ 2 ટે.સ્પૂન
  • ચોખાનો લોટ 2 ટે.સ્પૂન
  • ચણાનો લોટ 1 કપ
  • સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન

રીતઃ કાંદા તેમજ સિમલા મરચાંને પાતળી લાંબી ચીરીમાં સમારી લો. બટેટાને જાડી ખમણીમાં છીણી લો. કાંદા, સિમલા મરચાં તેમજ બટેટાની છીણને એક મોટા વાસણમાં લઈ આદુ-મરચાંની પેસ્ટ, અજમો, હળદર, લાલ મરચાં પાઉડર, ધાણાજીરૂ, સફેદ તલ, સમારેલી કોથમીર, લીંબુનો રસ તેમજ ચોખાનો લોટ હાથેથી બધી સામગ્રી મેળવી લો. ત્યારબાદ ચણાનો લોટ મેળવી દો.

કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરી લો.

ભજીયાના મિશ્રણમાંથી નાના નાના ગોળા કરીને તળી લો. ગોળા નાના જ રાખવા જેથી ભજીયા અંદરથી કાચા ના રહે.

ગરમાગરમ ભજીયા ટોમેટો કેચ-અપ સાથે પીરસો