પૂડલામાં નિતનવી વેરાયટી બની શકે છે. તેમાં એક છે મમરાના પૂડલા, જેમાં વેજીટેબલ્સ ઉમેરીને તેને વધુ હેલ્ધી પણ બનાવી શકાય છે!
સામગ્રીઃ
- મમરા 2 કપ
- રવો 1 કપ
- ખાટું દહીં ½ કપ
- આદુની પેસ્ટ 1 ટી.સ્પૂન
- 3-4 લીલા મરચાં ઝીણાં સમારેલા
- કાંદો 1
- ટમેટું 1
- ગાજર 1
- મીઠું સ્વાદ મુજબ
- ચપટી હીંગ
- ધોઈને ઝીણી સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન
- સિમલા મરચું 1
- બેકીંગ સોડા ¼ ટી.સ્પૂન
- લીંબુનો રસ ½ ટી.સ્પૂન
રીતઃ એક બાઉલમાં મમરા લઈ તેમાં પાણી ઉમેરીને 20 મિનિટ માટે પલાળી રાખો. બીજા એક બાઉલમાં રવો તથા દહીં મિક્સ કરી દો. આ મિશ્રણ ઘટ્ટ હોવાથી તેમાં થોડું પાણી મિક્સ કરીને ઢોકળાના ખીરા જેવું ખીરું બનાવી લો તથા તેને પણ 20 મિનિટ માટે ઢાંકીને રહેવા દો.
20 મિનિટ બાદ મમરામાંથી પાણી નિતારી લઈને તેને તેમજ રવાના મિશ્રણને મિક્સીમાં ઉમેરીને પિસી લો. બહુ બારીક કરવાની જરૂર નથી.
આ મિશ્રણને એક મોટા બાઉલમાં લઈ તેમાં આદુ, મરચાં તેમજ ઝીણા સમારેલાં કાંદા, ટમેટું, સિમલા મરચું તેમજ કોથમીર ઉમેરી દો. સ્વાદ મુજબ મીઠું તેમજ ચપટી હીંગ નાખીને મિક્સ કરો. આ ખીરામાં બેકીંગ સોડા તેમજ લીંબુનો રસ મેળવી દો. ગેસ પર નોનસ્ટીક પેન મૂકીને આ પૂડલા ઉતારો. ગેસની આંચ મધ્યમ રાખવી.