મેથિયા કેરીનું ત્વરિત અથાણું

કેરીની સિઝન શરૂ થઈ છે. ત્યારે તાત્કાલિક મેથિયા કેરીનું અથાણું બનાવીને ખાવું હોય તો કેરીનું ત્વરિત અથાણું બની શકે છે!

સામગ્રીઃ

  • કાચી કેરી 3
  • રાઈના કુરિયા 2  ટે.સ્પૂન
  • મેથીના કુરિયા 1 કપ
  • તેલ 1 કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • હીંગ ½ ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 3-4 ટે.સ્પૂન
  • હળદર ½ ટી.સ્પૂન
  • વરિયાળી 1 ટે.સ્પૂન
  • વિનેગર ½ ટી.સ્પૂન

રીતઃ કાચી કેરીને ધોઈને લૂછીને કોરી કરી લો. કેરીને નાના ચોરસ ટુકડામાં સમારી લો.

વરિયાળીને અધકચરી વાટી લો.

એક થાળી અથવા મોટા છીછરા વાસણમાં રાઈ, મેથીના કુરિયા તેમજ વાટેલી વરિયાળી ઉમેરીને વચ્ચે ખાડો કરી લો.

એક પેનમાં તેલ સરખું ગરમ કરીને ગેસ બંધ કરી દો. તેલ સહેજ ઠંડું થાય એટલે તેમાં હીંગ મેળવીને આ તેલ રાઈ-મેથીના કુરિયા ઉપર રેડી દો. સાથે સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાં પાઉડર, હળદર મેળવીને મિક્સ કરી લો. આ મિશ્રણને કેરીમાં ભેળવી દો અને એકદમ ઠંડું થઈ જાય ત્યારે તેમાં વિનેગર મેળવીને કેરીનું આ ઈન્સ્ટન્ટ અથાણું કાચની અથવા સિરેમિકની બરણીમાં ભરી લો.

બરણીમાં જો અથાણું ડૂબતા તેલમાં ન હોય તો થોડું બીજું તેલ લઈ તેને ગરમ કરીને  ઠંડું કરી લીધા બાદ બરણીમાં મેળવી દેવું.