શિયાળામાં મેથીની ભાજી અને લીલા વટાણા બહુ જ સરસ મળે છે. મેથી મટર મલાઈ સબ્જી તો તમે બનાવી જ હશે. પણ તેમાં કોફ્તા ઉમેરવાથી તેનો સ્વાદ વધી જાય છે!

સામગ્રીઃ ધોઈને સમારેલી મેથીની ભાજી 2 કપ, લીલા વટાણા 2 કપ, જીરૂ 1 ટી.સ્પૂન, તેલ 2 ટે.સ્પૂન, ઘી 1 ટે.સ્પૂન
ગ્રેવી માટેઃ એલચી 2, લવિંગ 3, તજનો ટુકડો ½ ઈંચ, આદુનો ટુકડો 1 ઈંચ, લસણની કળી 7-8, કાજુ 10-12, કાંદા 2, ખસખસ 1 ટે.સ્પૂન, તેલ વઘાર માટે 3 ટે.સ્પૂન, મલાઈ 2 ટે.સ્પૂન
કોફ્તા માટેઃ ખમણેલું પનીર 1 કપ, ધોઈને સમારેલી મેથીની ભાજી 1 કપ, બાફેલો બટેટો 1, સ્વાદ મુજબ મીઠું, કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન, લીલા મરચાં 3, બ્રેડ ક્રમ્સ 1 ટે.સ્પૂન, ચણાનો લોટ 1 ટે.સ્પૂન, કોર્નફ્લોર, તળવા માટે તેલ
રીતઃ કોફ્તા બનાવવા માટે ખમણેલું પનીર, બાફેલો બટેટો પણ ખમણીને ઉમેરી લો. સમારેલાં મેથીની ભાજીના પાન તેમજ લીલા મરચાં, બ્રેડ ક્રમ્સ, ચણાનો લોટ, સ્વાદ મુજબ મીઠું, કાળા મરી પાઉડર બધું મિક્સ કરીને નાના ગોળા વાળી લો. આ ગોળાને કોર્નફ્લોરમાં રોળવીને કઢાઈમાં તેલ ગરમ કરી, ગેસની મધ્યમ આંચે તળી લો. કોફ્તા તળવા ન હોય તો અપ્પે પેનમાં ઓછા તેલમાં શેકી લો.
એક પેનમાં 1 ટે.સ્પૂન તેલ ગરમ કરી તેમાં લવિંગ, તજ, કાજુ, એલચી, લસણની કળી, ખસખસ ઉમેરો. આદુ તેમજ કાંદાના ટુકડા કરીને તે પણ તેલમાં વઘારી લો. કાંદો લાલ રંગનો શેકાઈ જાય એટલે ગેસ બંધ કરીને મિશ્રણ ઠંડું થાય એટલે મિક્સરમાં ગ્રેવી બનાવી લો.
એક કઢાઈમાં તેલ ગરમ કરી જીરૂનો વઘાર કરીને સમારેલી મેથીની ભાજી તેમાં સાંતળીને લીલા વટાણા પણ મેળવીને કઢાઈ ઢાંકીને ગેસની ધીમી આંચે ચઢવા દો. વટાણા ચઢી જાય એટલે તેમાં કાજુ-કાંદાની ગ્રેવી મેળવી દો. શાક ઉકળે એટલે તેમાં મલાઈ મેળવીને ગેસ બંધ કરી દો. આ ગ્રેવીમાં કોફ્તા ઉમેરીને પરોઠા સાથે શાક પીરસો. અથવા પીરસતી વખતે ડીશમાં કોફ્તા મૂકીને ઉપર ગ્રેવી પીરસો.



