મમરાના પૌંઆ

બાળકો ઘરમાં હોય તો એ લોકોને થોડી થોડી વારે ભૂખ લાગતી હોય છે. વળી, બાળકોને નાસ્તામાં તો કંઈક વેરાયટી ખપે!
તો બનાવી લો મમરાના પૌંઆ!


સામગ્રી:

  • 2 કપ મમરા,
  • 1 કાંદો,
  • 1 ટમેટું,
  • 1 લીલું મરચું ઝીણું સમારેલું,
  • સ્વાદ મુજબ મીઠું,
  • ચપટી હિંગ,
  • 1 ટી.સ્પૂન લીંબુનો રસ,
  • 1/4 ટી.સ્પૂન હળદર,
  • 1/2 કપ શીંગદાણા,
  • સાદી અથવા તીખી સેવ પૌંઆને ગાર્નિશ કરવા,
  • 1/2 કપ ધોઈને ઝીણી ઝીણી સમારેલી કોથમીર

રીત:

એક બાઉલમાં પાણી નાખી તેમાં મમરા નાખીને તરત જ કાઢી લો. મમરાને બહાર કાઢતી વખતે એને હલકા હાથે કાઢો, નહીંતર મમરા તૂટી જશે. ત્યારબાદ મમરા ને એક થાળીમાં ફેલાવીને મુકવા.

હવે એક કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકો. તેમાં ૨ ટેબલસ્પૂન તેલ ગરમ કરી રાઈ અને જીરું તતડાવો અને સિંગદાણા સાંતળો. ત્યારબાદ ઝીણું સમારેલું લીલું મરચું તેમજ કાંદો નાખી સાંતળો. જ્યાં સુધી કાંદો નરમ ન થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં હળદર, મીઠું, લીંબુનો રસ અને સાકર (optional) નાખીને હલાવી લો. હવે તેમાં મમરા તેમજ ઝીણાં સુધારેલા ટમેટા અને કોથમીર નાખીને મિક્સ કરો. બે મિનિટ બાદ ગેસ બંધ કરીને કઢાઇ નીચે ઉતારી લો.

એક પ્લેટમાં પૌંઆ સર્વ કરતી વખતે ઉપર ઝીણાં સમારેલા કાંદા અને થોડી કોથમીર ભભરાવો. તેમજ તીખી સેવ ભભરાવીને મમરા પૌંઆ પીરસો.