ગરમીમાં શાક ઓછા મળે અને રસોઈમાં સ્વાદ ઓછો આવે! ત્યારે લીંબુની ચટણી બનાવવામાં આવે તો શાક ન હોય તો પણ ભાખરી, રોટલી કે થેપલા લીંબુની ચટણી સાથે ખાઈ શકાય છે!
સામગ્રીઃ
- લીંબુ 4
- ગોળ 1 કપ
- તેલ 2 ટી.સ્પૂન
- જીરૂ ½ ટી.સ્પૂન
- વરિયાળી ½ ટી.સ્પૂન
- તજનો ટુકડો 1 સેં.મી.
- લવિંગ 2
- બોરિયા લાલ મરચાં 2
- ધાણાજીરૂ પાઉડર 1 ટી.સ્પૂન
- હળદર ¼ ટી.સ્પૂન
- કાશ્મીરી મરચાં પાઉડર ½ ટી.સ્પૂન
રીતઃ લીંબુને ધોઈને લૂછી લેવા. ત્યારબાદ તેની છાલ કાઢી લો. છોલાયેલા લીંબુની ઉભી ચીરીઓ ચપ્પૂ વડે કરી લેવી. તેમાંથી લીંબુના બી તથા વચ્ચે સફેદ રેસાવાળો ભાગ કાઢી લેવા. આ લીંબુનો ગર મિક્સીમાં બારીક પીસી લેવો. ગોળને સમારીને અલગ થાળીમાં કાઢી રાખવો.
એક પેન અથવા કઢાઈમાં તેલ ગરમ કરી જીરૂ તેમજ વરિયાળીનો વઘાર કરો. હવે તેમાં તજ અને લવિંગનો વઘાર કરી બોરિયા મરચાં વઘારો. ત્યારબાદ તેમાં સમારેલો ગોળ નાખીને ચમચા વડે હલાવતા રહો. ગેસની આંચ મધ્યમ ધીમી રાખવી. 1-2 મિનિટ બાદ તેમાં લીંબુનો પલ્પ ઉમેરી દો. સાથે મરચાં પાઉડર, હળદર, ધાણાજીરૂ તેમજ સ્વાદ મુજબ મીઠું મેળવીને ગેસની ધીમી આંચ રાખીને ચમચા વડે ચટણી હલાવતાં રહો.
શરૂઆતમાં આ ચટણી પાણી જેવી રહેશે. પણ ગેસની ધીમી આંચ રાખીને સતત હલાવતા રહેવાથી તે ધીરે ધીરે ઘટ્ટ થતી જશે. આ ચટણી ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી ચટણીવાળું વાસણ નીચે ઉતારી લો.
ચટણી ઠંડી થાય એટલે એરટાઈટ કન્ટેનરમાં ભરી લેવી અને ફ્રીજમાં રાખવી. આ ચટણી આખા વર્ષ સુધી સારી રહે છે.
