ખાટ્ટાં વડા

શીતળા સાતમ માટે પારંપરિક ખાટ્ટાં વડા બનાવવા બહુ જ સારાં રહેશે. કેમ કે, તે ઠંડા પણ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને ટામેટાંની ચટણી સાથે તો આ વડાનો સ્વાદ ઘણો વધી જાય છે!

સામગ્રીઃ

  • ચોખા 1 કપ
  • અડદની દાળ ½ કપ
  • ચણાની દાળ ½ કપ
  • મેથીના પાન ધોઈને સમારેલાં ½ કપ
  • કોથમીર ધોઈને સમારેલી ½ કપ
  • ખાટું દહીં ½ કપ
  • અજમો 1 ટી.સ્પૂન
  • હળદર ½ ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • સફેદ તલ 3 ટે.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • ખાવાનો સોડા ½ ટી.સ્પૂન

ટામેટાંની ચટણીઃ

  • 3-4 મોટાં ટામેટાં
  • સૂકાં લાલ મરચાં 4
  • મીઠું સ્વાદ મુજબ
  • સાકર 1 ટી.સ્પૂન
  • તેલ 1 ટે.સ્પૂન
  • કોથમીર 2 ટે.સ્પૂન

રીતઃ ચોખા અડદની દાળ તેમજ ચણાની દાળને એક સુતરાઉ કાપડમાં રાખીને લૂછી લો. ત્યારબાદ એક કઢાઈ અથવા પેનમાં ગેસની મધ્યમ આંચે શેકી લો. 3-4 મિનિટ શેકી લીધા બાદ દાળ-ચોખા ઠંડા થયા બાદ મિક્સીમાં કરકરા પીસી લેવા. ઝીણો રવો હોય તેવો બારીક લોટ થવો જોઈએ.

આ મિશ્રણમાં ખાટું દહીં તેમજ ½ કપ પાણી મેળવીને લોટ બાંધી દો. આ લોટને ઢાંકીને 6-7 કલાક માટે આથો લાવવા માટે મૂકી દો.

વડા કરવાના સમયે તેમાં સમારેલી મેથીના પાન અને કોથમીર મેળવી દો. ત્યારબાદ તેમાં અજમો, સ્વાદ મુજબ મીઠું, હળદર, હીંગ, સફેદ તલ ઉમેરી લોટ બાંધી લો. જરૂર લાગે તો એકાદ ચમચી જેટલું પાણી મેળવીને લોટ બાંધી લો. વડા તળવા માટે તેલ ગરમ થાય એટલે લોટમાં ખાવાનો સોડા નાખી તેની ઉપર ગરમ થયેલા તેલમાંથી 1 ટી.સ્પૂન તેલ રેડીને ચમચી વડે લોટમાં મિક્સ કરી લો.

એક પાટલા ઉપર અથવા કિચન ટેબલ ઉપર ભીનો સુતરાઉ કપડું અથવા રૂમાલ પાથરી રાખો. એક વાટકીમાં પાણી લઈ રાખો. હાથને પાણીવાળો કરી લોટના મિશ્રણમાંથી રોટલીના લૂવા જેટલો લૂવો લઈ તેને ભીના રૂમાલ ઉપર મૂકતા જાઓ. ત્યારબાદ તેને હાથેથી થાપીને ચપટો કરી લો. આ રીતે બધા વડા તૈયાર થાય એટલે તેલ ગરમ થયા બાદ રૂમાલ ઉપરથી એક એક વડા લઈ તેલમાં હળવેથી નાખતા જાઓ. કઢાઈમાં આવે તેટલા વડા નાખીને ગેસની ધીમી-મધ્યમ આંચ કરીને બંને બાજુએથી ગોલ્ડન બ્રાઉન તળી લો.

ટામેટાંની ચટણી માટે એક પેનમાં ટામેટાં સુધારીને તેલમાં 2 મિનિટ સાંતળી લો. તેમાં લાલ મરચાંના ટુકડા ઉમેરીને સાંતળો. ત્યારબાદ 2 મિનિટ બાદ તેમાં આમલી તેમજ ખાંડ નાખીને ગેસ બંધ કરી દો. આ મિશ્રણ ઠંડું થાય એટલે મિક્સીમાં કોથમીર નાખીને બારીક ચટણી પીસી લો.

આ વડા બે-ત્રણ દિવસ સુધી સારાં રહે છે. તેમજ પ્રવાસમાં ખાવા માટે પણ લઈ જઈ શકાય છે!