ઝારખંડનો પ્રખ્યાત નાસ્તો ધુસ્કા. જે ટામેટાં-બટેટાના શાક સાથે પીરસવામાં આવે છે. અથવા ચટણી સાથે કે ચા સાથે પણ નાસ્તામાં ખાઈ શકાય છે!
સામગ્રીઃ
- ચોખા 1 કપ
- ચણાની દાળ ½ કપ
- અળદની દાળ ¼ કપ
- આદુનો ટુકડો 1 ઈંચ
- લીલા મરચાં 3-4
- જીરુ 1 ટી.સ્પૂન
- હીંગ 2-3 ચપટી
- મીઠું સ્વાદ પ્રમાણે
- લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
- હળદર પાઉડર ¼ ટી.સ્પૂન
- ધાણાજીરૂ પાઉડર 1 ટી.સ્પૂન
- કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન
રીતઃ બંને દાળ તેમજ ચોખાને 2-3 પાણીએથી ધોઈને 4 કલાક માટે પાણીમાં પલાળી રાખો. અથવા આખી રાત માટે પલાળી રાખો. ત્યારબાદ તેમાંનું પાણી નિતારી લઈ મિક્સીમાં થોડુંક પાણી ઉમેરી આદુ, મરચાં મેળવીને બારીક પીસી લો.
આ પેસ્ટમાં ધાણાજીરુ પાઉડર, મરચાં પાઉડર, હળદર, સ્વાદ મુજબ મીઠું, હીંગ તેમજ સમારેલી કોથમીર મેળવી દો.
એક કઢાઈમાં તેલ ગરમ કરી લો. તેલ સરખું ગરમ થાય એટલે તેમાં એક કળછી વડે ધુસ્કાનું ખીરુ રેડી દો. પુરી જેટલો આકાર રહેવો જોઈએ. આ સહેજ જાડું સારું લાગશે. ગેસની તેજ-મધ્યમ આંચે ધુસ્કા તળી લેવા.
તમે તેને ઓછા તેલમાં ફ્રાઈ કરી શકો છો. તવામાં પૂડલા ઉતારીએ તે રીતે. તવો ગરમ કરી લીધા બાદ ગેસની આંચ મધ્યમ કરી લેવી. તવા ઉપર ફરતે તવેથા વડે તેલ લગાડી લો. હવે એક એક કળછીથી જાડું પૂરણ રેડી દો. થોડી જાડી પુરી થવી જોઈએ. તવામાં ત્રણથી ચાર ધુસ્કા આવશે. ધુસ્કા ફરતે ચમચી વડે થોડું થોડું તેલ રેડી દો. તેને ઢાંકીને 2 મિનિટ થવા દો. ત્યારબાદ દરેક ધુસ્કા ઉપર ચમચી વડે થોડાં ટીપાં તેલ રેડીને તેને તવેથા વડે ઉથલાવી દો. ઢાંકીને 2 મિનિટ થવા દો. સોનેરી રંગના થાય એટલે ઉતારી લો.
ગરમા ગરમ ધુસ્કા પુરી બટેટાં-ટામેટાંના રસાવાળા શાક સાથે પીરસો.