ઘરે ઈન્સ્ટન્ટ મીઠાઈ બનાવવી હોય તો, કોકોનટના ઈન્સ્ટન્ટ જ્યુસી પેંડા બની શકે છે!
સામગ્રીઃ
- દૂધ 1 કપ
- સાકર ¼ કપ
- સૂકા નાળિયેરનો બારીક ભૂકો 1 કપ
- મિલ્ક પાઉડર ½ કપ
- ઘી ½ ટી.સ્પૂન
- એલચી પાઉડર 1 ટી.સ્પૂન
રીતઃ એક કઢાઈમાં દૂધને ગેસ ઉપર હલકું ગરમ કરી લો. ત્યારબાદ તેમાં સાકર મેળવીને તે ઓગળે ત્યારબાદ નાળિયેરનો બારીક ભૂકો મેળવી દો. દરમ્યાન ઝારા અથવા ચમચા વડે દૂધને સતત હલાવતાં રહેવું. મિશ્રણમાંનું દૂધ સૂકાઈ જાય એટલે ગેસની આંચ ધીમી કરીને તેમાં મિલ્ક પાઉડર મેળવીદો અને ઝડપથી ચમચા વડે એકરસ મેળવી દો. મિલ્ક પાઉડર સરસ ભળી જાય એટલે ½ ટી.સ્પૂન ઘી મેળવીને એકાદ મિનિટ ફરીથી હલાવીને એલચી પાઉડર મેળવી દો અને ગેસ બંધ કરી દો.
મિશ્રણ થોડું ઠંડું થાય એટલે તેમાંથી પેંડા વાળવા માટે ગોળો હાથમાં લઈ ચપટો ગોળાકાર પેંડો બનાવી લો. ગોળો વાળતી વખતે કિનારી થોડી ફાટી શકે. તેથી કાળજીપૂર્વક ગોળો વાળવો. ત્યારબાદ એક થાળીમાં નાળિયેરનો ભૂકો લઈ તેમાં રગદોળીને બીજી થાળીમાં ગોઠવીને દરેક પેંડા ઉપર થોડી પિસ્તાની કાતરી ગોઠવી, તેની ઉપર એક કેસરનો તાંતણો મૂકી દો. અથવા બદામની કાતરી ગોઠવી શકો છો.
આ પેંડા ત્રણેક દિવસ સુધી બહાર સારાં રહેશે. ફ્રિજમાં રાખવાથી તે અઠવાડિયા સુધી સારાં રહેશે.
