હૈદરાબાદી પનીર મસાલા

લાલ મરચાંની ગ્રેવી સાથે પનીર ઘણીવાર હોટલમાં ખાવામાં આવે છે. તેમજ ઘરમાં પણ બનાવવામાં આવે છે. આ લીલા રંગની મસાલા ગ્રેવી દેખાવે તો આકર્ષક બને જ છે. ઉપરાંત તે ચટપટી અને સ્વાદિષ્ટ પણ બને છે.

સામગ્રીઃ

  • પનીર
  • દહીં 1 કપ
  • કાંદા 4
  • લસણ 1 કપ
  • લીલા મરચાં 6-7
  • આદુ 1 ઈંચના બે ટુકડા
  • તેલ પનીર તળવા માટે તથા વઘાર માટે
  • કોથમીર ધોઈને સુધારેલી 1 કપ
  • ફુદીનાના ધોયેલા પાન 1 કપ
  • જીરૂ પાવડર 1 ટી.સ્પૂન
  • ગરમ મસાલો 1 ટે.સ્પૂન
  • હળદર પાઉડર 1 ટી.સ્પૂન
  • કાળાં મરી પાઉડર 1 ટી.સ્પૂન
  • ફ્રેશ ક્રીમ અથવા મલાઈ 1 કપ
  • કોથમીર સજાવટ માટે 2 ટે.સ્પૂન

સૂકા મસાલાઃ

  • લવિંગ 6-7 કળી
  • મોટી એલચી 2 નંગ
  • લીલી એલચી 5-6 નંગ
  • તજનો 1 ઈંચનો ટુકડો
  • સૂકાં લાલ મરચાં 2
  • જીરૂ 1 ટે.સ્પૂન
  • કાળા મરી 7-8 નંગ

રીતઃ એક કઢાઈમાં 1 કપ જેટલું તેલ ગરમ કરી તેમાં પનીરના લંબચોરસ ટુકડા કરીને તળીને એક પ્લેટમાં કાઢી લો. ત્યારબાદ તેલમાં કાંદા લાંબી સ્લાઈસમાં સુધારેલા, લસણ, આદુનો ટુકડો તેમજ લીલા મરચાં બે ટુકડામાં કટ કરેલા નાખીને તળી લો. હવે તેમાં કોથમીર તેમજ ફુદીનો નાખીને 2 મિનિટ સાંતળીને ગેસ બંધ કરીને આ મિશ્રણ ઠંડું થવા મૂકી દો. કાંદા લસણ ઠંડા થાય એટલે મિક્સીમાં બારીક પેસ્ટ કરી લો.

કઢાઈમાં 2 ટે.સ્પૂન તેલ ગરમ કરી તેમાં જીરુ, એલચી, તજનો ટુકડો, લવિંગ તથા મરીનો વઘાર કરીને કાંદાની ગ્રેવી મેળવી દો. તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવી સાંતડો લગભગ 5-10 મિનિટ સુધી. ત્યારબાદ તેમાં દહીં મેળવીને 5 મિનિટ સુધી ગ્રેવી હલાવતાં રહો. ગેસની આંચ મધ્યમ રાખવી. 5 મિનિટ બાદ તેમાં સૂકા મસાલા મેળવી 2 મિનિટ સાંતડીને ક્રીમ અથવા મલાઈ મેળવીને ફરીથી સાંતડો. 10 મિનિટ માટે ગેસની આંચ મધ્યમ રાખીને કઢાઈ ઢાંકીને થવા દો. વચ્ચે વચ્ચે ગ્રેવીને તવેથા વડે હલાવતા રહો. થોડીવાર બાદ તેમાં કસૂરી મેથી મેળવીને તેમાંનું તેલ છૂટું પડે એટલે પનીરના ટુકડા ઉમેરી દો. સાથે ઝીણી સુધારેલી કોથમીર પણ મેળવીને ગેસ બંધ કરી દો.