લીલા વટાણાની કચોરી

શિયાળામાં લીલા વટાણા ભરપૂર મળી રહે છે. લીલા વટાણાની કચોરી જેને વણવાની કે ભરવાની ઝંઝટ વગર, ઝટપટ બનાવી શકાય છે!

સામગ્રીઃ

  • લીલા વટાણા 2 કપ
  • લીલા મરચાં 2-3
  • લસણની કળી 6-7
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન (અથવા લાલ મરચાંનો પાઉડર)
  • સફેદ તલ 2 ટે.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ કચોરી તળવા માટે
  • સમારેલી કોથમીર ½ કપ
  • ચોખાનો લોટ 1 કપ
  • ઘઉંનો લોટ 1 કપ

રીતઃ લીલા વટાણાને મિક્સીમાં લઈ તેમાં લીલા મરચાં, લસણની કળી, સમારેલું આદુ તેમજ 2 ચમચી જેટલું પાણી નાખીને કરકરું દળી લો.

એક પેનમાં 1¼ કપ જેટલું પાણી ગરમ કરવા મૂકો, તેમાં સફેદ તલ, ચિલી ફ્લેક્સ, 1 ચમચી તેલ, સ્વાદ મુજબ મીઠું તેમજ સમારેલી કોથમીર ઉમેરી દો. ત્યારબાદ તેમાં વટાણાની પેસ્ટ ઉમેરી દો.

આ મિશ્રણ સહેજ ઉકળે એટલે તેમાં ચોખાનો લોટ મેળવો. લોટ મેળવતી વખતે એક હાથેથી ચમચા વડે લોટ મિક્સ કરતા જાવ, જેથી તેમાં ગઠ્ઠા ના પડે. તે જ રીતે ઘઉંનો લોટ પણ મેળવી દો. હવે ગેસની આંચ ધીમી કરી દો અને મિશ્રણને ચારવતા રહો. મિશ્રણ સરખું મિક્સ થઈ જાય અને લોટ જેવું બંધાવા આવે એટલે ગેસ બંધ કરી દો.

મિશ્રણને ઠંડુ કરી લીધા બાદ સહેજ ગરમ હોય તે વખતે તેમાંથી લીંબુની સાઈઝના ગોળા વાળી લો. ગોળામાં જરાપણ ક્રેક ના રહેવી જોઈએ. એકદમ લીસા ગોળા વાળીને તેને ચપટા કરી લો.

હવે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી-મધ્યમ કરી લો. વટાણાની કચોરી માટે તૈયાર કરેલા ચપટા ગોળા તેલમાં તળી લો.

આ કચોરી તળી લીધા બાદ દહીં સાથે પીરસો. દહીંનું રાયતું પણ કચોરી સાથે રાખી શકો છો.

આ કચોરીના ગોળા તૈયાર કરીને રાત્રે ફ્રીજમાં એરટાઈટ ડબ્બામાં રાખીને  સવારે તળીને ટિફિનમાં આપી શકો છો.