ફરાળી અપ્પે

અપ્પે બનાવવાની ટ્રેમાં તેના દરેક ખાનામાં ફક્ત 1-2 ટીપાં તેલ ગ્રીસ કરીને કુલ ત્રણેક મિનિટમાં 1 અપ્પે ટ્રે ઉતારી શકાય છે. તો જાણી લો, અધિક-શ્રાવણ માસમાં ઉપવાસ માટે આ સ્વાદિષ્ટ ફરાળી વાનગી ફરાળી અપ્પે બનાવવાની રીત!

સામગ્રીઃ

  • શિંગોડા નો લોટ 3 ટે.સ્પૂન
  • મોરૈયો (સામો) ૧૦૦ ગ્રામ
  • આદુ-મરચાની પેસ્ટ 1 ટે.સ્પૂન
  • છીણેલી દુધી ૧૦૦ ગ્રામ
  • ખાવાનો સોડા ચપટી
  • શેકેલા શીંગદાણા 1 ટે.સ્પૂન
  • જીરૂ
  • તલ
  • કાજુના ટુકડા
  • સિંધવ મીઠું સ્વાદ મુજબ
  • બાફેલા સુરણ તથા બટેટા (100-100 ગ્રામ)
  • કાકડીની છીણ 1 ટે.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન
  • તલ ½ ટી.સ્પૂન

 

વઘારેલું દહીઃ 1 વાટકી, સિંધવ મીઠું, જીરૂ 1 ટી.સ્પૂન

રીતઃ

સામો લઈ તેને 2 પાણીએથી ધોઈને ત્રણ કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ તેને મિક્સીમાં અધકચરો ક્રશ કરી લો. બાફેલા સુરણ તથા બટેટાનો છૂંદો કરી લો. શેકેલા શીંગદાણાને અધકચરા વાટી લો.

હવે તેમાં શિંગોડાનો લોટ થોડો શેકીને ઉમેરો. શેકેલા અધકચરા શીંગદાણાને, જીરુ, તલ, નાખવા. કાજુના ટુકડા નાખવા, બાફેલા સૂરણ-બટેટા તેમજ દૂધી અને કાકડીની છીણ નાખવી.  કોથમીર, આદુ-મરચાંની પેસ્ટ, સિંધાલુણ સ્વાદ પ્રમાણે, ખાવાનો સોડા ચપટી નાખી મિક્ષ કરો.

હવે અપ્પે કઢાઈ લો. તેના દરકે ખાનાને 1-2 ટીપાં તેલ વડે ગ્રીસ કરી, ગેસ પર ગરમ કરવા મૂકો 2 મિનિટ બાદ તેમાં ફરાળી મિશ્રણ ચમચી વડે લઈ દરેક ખાનામાં રેડો. ત્યારબાદ તેને ઢાંકી દો. ૨ મિનિટ બાદ કઢાઈનું ઢાંકણું ખોલીને અપ્પે ઉથલાવો. બીજી 2 મિનિટમાં અપ્પે તૈયાર થઇ જશે.

એક બાઉલમાં દહીંમાં થોડું સિંધવ મીઠું તેમજ સાકર (optional) નાખી રવઈ વડે વલોવી લો.  વઘારિયામાં 1 ટી.સ્પૂન તેલ લઈ તેને ગેસ પર ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે જીરૂ તતડાવી, મીઠો લીમડો નાખીને આ વઘાર દહીં પર રેડી દો.

અપ્પેને વઘારેલા દહીં અથવા કોથમીર-શીંગદાણાની લીલી ચટણી સાથે પીરસવા.