અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં રામ લલ્લા બિરાજમાન થઈ રહ્યાં છે. ત્યારે સમગ્ર દેશમાં ખુશીભર્યું પવિત્ર વાતાવરણ છે. લોકો દિવાળીની જેમ આ દિવસ ઉજવવાના છે. ઘેર ઘેર દીવા પ્રગટાવી ઘરના મંદિરમાં પણ પ્રસાદ ધરાવાશે!
કેરળની મીઠાઈ પાલ કેક (મિલ્ક કેક), જે ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રીથી બહુ જ ઝટપટ બની જાય છે. આ સ્વાદિષ્ટ મીઠાઈ શ્રીમંતથી લઈને સામાન્ય પરિવારના લોકો પણ સહેલાઈથી બનાવીને પોતાના ઘરના મંદિરમાં બિરાજમાન રામ લલ્લાને ધરાવી શકે છે!
સામગ્રીઃ
- દહીં ¼ કપ
- દેશી ઘી 1 ટે.સ્પૂન
- મિલ્ક પાઉડર 2 ટે.સ્પૂન
- ઘઉંનો લોટ ½ કપ
- મેંદો ½ કપ (મેંદો ના લેવો હોય તો આ મીઠાઈ ફક્ત ઘઉંના લોટમાં પણ બની શકે છે.)
- બેકીંગ સોડા ¼ ટી.સ્પૂન
- ચપટી મીઠું
- એલચી પાઉડર ¼ ટી.સ્પૂન
- તેલ મીઠાઈ તળવા માટે
- સજાવટ માટે ખમણેલા ડ્રાયફ્રુટ, ચાંદીનો વરખ (optional)
ચાસણી માટેઃ
- સાકર 2 કપ
- ખાવાનો પીળો રંગ અથવા કેસરના તાંતણા 10-15
- એલચી પાઉડર ¼ ટી.સ્પૂન
રીતઃ
ચાસણીઃ એક પહોળી કઢાઈ અથવા પેનમાં સાકર નાખી તેમાં સાકર જેટલું જ એટલે કે 2 કપ પાણી મેળવી ગેસ પર ગરમ કરવા મૂકો. તેમાં કેસરના તાંતણા અથવા પીળો રંગ ઉમેરી ઉકળવા દો. સાકર ઓગળીને ચાસણી થોડી ચિપચિપી બને એટલે 2-3 મિનિટ ઉકાળીને ગેસ બંધ કરીને તેમાં એલચી પાઉડર ઉમેરીને ચાસણી એકબાજુએ મૂકી દો.
એક મોટા બાઉલ અથવા વાસણમાં દહીં, ઘી, મિલ્ક પાઉડર, બેકીંગ સોડા, ચપટી મીઠું લઈને જેરણીથી 2 મિનિટ માટે ફેંટી લો. ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ, મેંદો તથા એલચી પાઉડર મેળવીને રોટલીના લોટ કરતાં થોડો કઠણ લોટ બાંધી દો. જો લોટ સૂકો હોય અને ન બંધાતો હોય તો થોડું થોડું દૂધ ઉમેરીને લોટ બાંધવો. લોટ ઉપર ઘી ચોપડીને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દો.
10 મિનિટ બાદ લોટને કુણી લેવો અને એનો જાડો રોટલો વણી લો. ત્યારબાદ આ રોટલાની કિનારી કટ કરીને તેનો ચોરસ આકાર રાખી, તેમાંથી 1 ઈંચની લાંબી અને ½ ઈંચ પહોળી પટ્ટી કટ કરી લો.
એક કઢાઈમાં તેલ મધ્યમ ગરમ કરી લો. ત્યારબાદ ગેસની આંચ ધીમી કરીને એક એક પટ્ટી તળવા માટે નાખો. ગેસની ધીમી જ આંચે પટ્ટી સોનેરી રંગની તળીને ઝારા વડે બહાર કાઢી લીધા બાદ તેને ચાસણીમાં નાખો. ચાસણી ગરમ હોવી જોઈએ. આ મીઠાઈને 10-15 મિનિટ માટે ચાસણીમાં રાખ્યા બાદ તેને બહાર કાઢીને પ્લેટમાં ગોઠવી દો. તેની ઉપર ખમણેલા ડ્રાયફ્રુટ તેમજ ચાંદીના વરખથી સજાવી લો.