ક્રિસ્પી બટેટા ક્યુબ્સ્

ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ ચિઝી બટેટા ક્યુબ્સની આ વાનગી બાળકોને બહુ જ પ્રિય થઈ રહેશે અને મોટેરાંને પણ બહુ જ ભાવશે!

સામગ્રીઃ

  • બાફેલા બટેટા 3
  • મીઠું સ્વાદ મુજબ
  • કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • લીલા મરચાં 2-3
  • કોથમીર ધોઈને પાણી નિતારીને સમારેલી 2 ટે.સ્પૂન
  • ચાટ મસાલો 1 ટી.સ્પૂન
  • ઓરેગેનો પાઉડર 1 ટી.સ્પૂન
  • લસણની કળી 7-8
  • ચિલી ફ્લેક્સ અથવા લાલ મરચાં પાઉડર ½ ટી.સ્પૂન
  • ચીઝ ક્યુબ્સ 4
  • ચોખાનો લોટ 5-6 ટે.સ્પૂન અથવા (કોર્નફ્લોર 3 ટે.સ્પૂન સાથે મેંદો 3 ટે.સ્પૂન)

રીતઃ બાફેલા બટેટા છોલીને ખમણીને તેનો છૂંદો કરી લો. તેમાં સ્વાદ મુજબ મીઠું, કાળા મરી પાઉડર, ઓરેગેનો પાઉડર, ચાટ મસાલો ઉમેરો. ચીઝ ક્યુબ્સ તેમજ લસણની કળીને ખમણીને ઉમેરો. ઝીણાં સમારેલા લીલા મરચાં, સમારેલી કોથમીર, તેમજ ચિલી ફ્લેક્સ ઉમેરો. હવે તેમાં ચોખાનો લોટ અથવા કોર્નફ્લોર-મેંદો મેળવીને લોટ બાંધી લો. જો તેમાં હજુ પાણી જેવું લાગે તો થોડો લોટ ઉમેરો.

પાટલા ઉપર થોડો ચોખાનો લોટ ભભરાવીને આ લોટનો 1 સેં.મી. જાડો રોટલો વણી લો. ત્યારબાદ તેના 1 ઈંચ જાડાઈના ટુકડા કટ કરી લો અને ચોખાના લોટમાં રગદોળી લો. આ ટુકડાને ફ્રીજમાં એકાદ કલાક માટે રહેવા દો.

એક ફ્રાઈ પેન અથવા કઢાઈમાં તેલ ગરમ કરી લો. ત્યારબાદ ગેસની આંચ ધીમી મધ્યમ કરી લો. તેમાં બટેટાના ટુકડા તળવા માટે હળવેથી નાખી દો. 2 મિનિટ બાદ એક ફોર્કની મદદથી બટેટા ક્યુબ્સને ઉથલાવો. ફરીથી 2 મિનિટ બાદ ક્યુબ્સ ઉથલાવો. ધીમી આંચે એને 4-5 મિનિટ સુધી સોનેરી રંગના તળીને બહાર કાઢી લો.

 

આ બટેટા ક્યુબ્સ ટોમેટો કેચ-અપ અથવા લીલી ચટણી સાથે પીરસો.