શિયાળામાં લીલી ભાજી ઘણી જ સરસ મળે છે! તેમાંય લીલી મેથીની ભાજીના થેપલા, મુઠીયા તો બહુ જ ખવાય છે. પણ આજે જાણીએ તદ્દન અલગ એવા ક્રિસ્પી સ્વાદિષ્ટ લીલી મેથીના વડા!
સામગ્રીઃ
- લીલી મેથીના પાન 2 કપ
- કોથમીર ધોઈને સમારેલી 1 કપ
- પૌઆ ½ કપ
- ચણાનો લોટ ½ કપ
- કાંદા 2 (કાંદા ન ખાતા હોવ તો કોબી સમારેલી 1 કપ લેવી)
- લીલાં મરચાં 3-4
- આદુનો ટુકડો 1 ઈંચ
- લસણ 5-6 કળી (લસણ ન ખાવું હોય તો skip કરવું)
- સ્વાદ મુજબ મીઠું
- હીંગ ¼ ટી.સ્પૂન
- હળદર ½ ટી.સ્પૂન
- લાલ મરચાં પાવડર 1 ટી.સ્પૂન
- આમચૂર પાવડર 1 ટી.સ્પૂન જીરૂ 1 ટી.સ્પૂન
- આખા ધાણા 1 ટી.સ્પૂન
- સફેદ તલ 3 ટી.સ્પૂન
- વડા શેલો ફ્રાઈ કરવા માટે તેલ
રીતઃ મિક્સી અથવા ખાંડણીયામાં, લીલા મરચાં, આદુનો ટુકડો, આખા ધાણા, જીરુને અધકચરા વાટી લો. પૌઆને 2-3 પાણીએથી ધોઈને 2 મિનિટ માટે નરમ થવા માટે રહેવા દો.
લીલી મેથીના પાન સરખાં ધોઈને પાણી નિતારી લેવું.
એક મોટા વાસણમાં પલાળેલા પૌઆ લઈ, તેમાં મેથીના પાનના હાથેથી ટુકડા કરીને ઉમેરો. તેમાં તલ, સ્વાદ મુજબ મીઠું, હીંગ, હળદર, મરચાં પાવડર તેમજ આદુ-મરચાં-લસણની પેસ્ટ ઉમેરી દો. આ મિશ્રણને હાથેથી એકસરખું મિક્સ કરો, એમાંથી પાણી છૂટશે. હવે તેમાં ચણાનો લોટ મેળવીને મિક્સ કરો. જો મિશ્રણ ઢીલું હોય તો તેમાં ચોખાનો અથવા ચણાનો લોટ ઉમેરી શકાય. આ મિશ્રણનો લોટ રોટલીના લોટ કરતાં થોડો ઢીલો હોવો જોઈએ. વડા બની શકે તેવો.
મિશ્રણમાંથી ચપટાં વડા હાથેથી જ બનાવી લો. બધાં વડા તૈયાર કરી લો.
એક ફ્રાઈ પેનમાં અથવા પહોળી કઢાઈમાં અડધો કપ તેલ રેડીને તેને ગેસ પર ગરમ કરવા મૂકો. તેમાં વડા ગોઠવીને ગેસની આંચ મધ્યમ કરી દો. વડાને બંને બાજુએથી ગોલ્ડન રંગના ક્રિસ્પી થાય તે રીતે શેલો ફ્રાઈ કરી લો.
આ વડા લીલી ચટણી, ટોમેટો કેચ-અપ અથવા ચા સાથે પિરસી શકાય છે.