ક્રિસ્પી ચિલી પોટેટો

ઈન્ડો ચાઈનિઝ સ્વાદ ધરાવતા ક્રિસ્પી ચિલી પોટેટો બનાવવા સહેલા રહેશે. જે સહેલાઈથી ઉપલબ્ધ સામગ્રી વડે બની જશે!

સામગ્રીઃ

  • બટેટા 4-5
  • આદુ-લસણ પેસ્ટ 1 ટી.સ્પૂન
  • કાશ્મીરી લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • કોર્નફ્લોર ½ કપ
  • મેંદો ½ કપ
  • કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • તેલ તળવા માટે
  • શેઝવાન ચટણી ½ ટી.સ્પૂન

વઘાર માટેઃ

  • કાંદો ઝીણો સમારેલો 1 કપ
  • લસણ ઝીણું સમારેલું ¼ કપ
  • આદુ ઝીણું સમારેલું 1 ટે.સ્પૂન
  • લીલા મરચાં ઝીણાં સમારેલા 1 ટે.સ્પૂન
  • કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • સોયા સોસ 1 ટી.સ્પૂન
  • રેડ ચીલી સોસ 1 ટી.સ્પૂન
  • શેઝવાન ચટણી 1 ટી.સ્પૂન
  • ટોમેટો કેચ-અપ 2 ટે.સ્પૂન
  • કોથમીરની દાંડી (ઝીણી સમારેલી) 2 ટે.સ્પૂન
  • લીલા કાંદાના પાન સમારેલાં 2 ટે.સ્પૂન
  • કોથમીર ઝીણી સમારેલી 2 ટે.સ્પૂન
  • તેલ વઘાર માટે 2 ટે.સ્પૂન
  • કાંદા ચોરસ ટુકડામાં સમારેલા 2 ટે.સ્પૂન
  • સિમલા મરચાં ચોરસ ટુકડામાં સમારેલા 1 કપ
  • ½ ટી.સ્પૂન કોર્નફ્લોર
  • સફેદ તલ 2 ટે.સ્પૂન

રીતઃ બટેટાને છોલી લો. દરેક બટેટાની ચારેકોર કટ કરીને ચોરસ આકાર આવે એટલે તેમાંથી 1 સેં.મી. જાડાઈ અને 2-3 ઈંચ લંબાઈની ચિપ્સ કટ કરી લો. આ ચિપ્સ કટ કરીને પાણીવાળા બાઉલમાં નાખતા જાઓ. ચિપ્સ કટ થઈ જાય એટલે તેમાંનું પાણી નિતારી લો. એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો. તેમાં થોડું મીઠું ઉમેરી દો. પાણી ઉકળે  એટલે બટેટાની ચિપ્સ તેમાં નાખીને 5-7 મિનિટ માટે ઉકાળી લો ત્યારબાદ તેને એક સ્ટીલની ચાળણીમાં નિતારી લો. પાંચેક મિનિટ બાદ તેમાં થોડું મીઠું, આદુ-લસણની પેસ્ટ, કાશ્મીરી લાલ મરચાં પાઉડર, શેઝવાન ચટણી, કાળા મરી પાઉડર મેળવી લીધા બાદ કોર્નફ્લોર તેમજ મેંદો તેની ઉપર ભભરાવીને ચમચી વડે હળવે હળવે મિક્સ કરી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરીને ગેસની મિડિયમ-તેજ આંચે આ ચિપ્સ 90% જેટલી તળીને કાઢી લો.

એક પેનમાં 2 ટે.સ્પૂન તેલ ગરમ કરી તેમાં ઝીણો સમારેલો કાંદો તેમજ ઝીણાં સમારેલાં આદુ-લસણ ઉમેરીને 2 મિનિટ તેજ આંચે સાંતળીને ઝીણી સમારેલી કોથમીરની દાંડી તેમજ સુધારેલા લીલા મરચાં ઉમેરીને ચોરસ સમારેલા કાંદા તેમજ સિમલા મરચાં પણ ઉમેરી દો. 2 મિનિટ બાદ તેમાં બધા સોસ, મસાલા, સફેદ તલ તેમજ સ્વાદ મુજબ મીઠું ઉમેરીને 2-3 મિનિટ સાંતળી લીધા બાદ ½ ટી.સ્પૂન કોર્નફ્લોરને થોડું પાણી મેળવીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ થોડી થોડી ઉમેરીને મિક્સ કરી લો. 1 મિનિટ બાદ તેમાં 1 કપ પાણી ઉમેરીને આ પેસ્ટને 2-3 મિનિટ ધીમે તાપે થવા દો.

ત્યાં સુધીમાં કઢાઈમાં તેલ ગરમ કરીને બટેટાની ચિપ્સ ફરીથી તેજ આંચે 1-2 મિનિટ માટે તળીને બહાર કાઢી લો. અને સોસ બનાવેલા પેનમાં ઉમેરીને હળવેથી ઉછાળો. ત્યારબાદ કાંદાના સમારેલાં લીલાં પાન તેમજ સમારેલી કોથમીર વડે સજાવીને 2 મિનિટ બાદ ગેસ બંધ કરીને આ ગરમાગરમ ચિલી પોટેટો પીરસો.