ગાજર ખાવા સ્વાસ્થ્ય માટે ઘણા ગુણકારી હોય છે. બાળકો માટે તો ખાસ! બાળકોને ગાજરનો હલવો તો ભાવે છે. પણ ગાજર સલાડ કે જ્યુસમાં નથી ભાવતું. એક વિકલ્પ છે… ગાજરની ચિપ્સ! જે બાળકોને ટિફિનમાં અથવા ઘરે સાંજે નાસ્તામાં ખાવા આપી શકાય છે!
સામગ્રીઃ
- ગાજર 6-7 અંદાજે 700 ગ્રામ
- ચીઝ ખમણેલું 100 ગ્રામ
- તેલ 2 ટે.સ્પૂન
- લસણ 3-4 કળી
- કાશ્મીરી લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
- જીરૂ પાઉડર 1 ટી.સ્પૂન
- ચીલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
- કોથમીર ધોઈને સમારેલી 1 ટે.સ્પૂન
- કાળાં મરી પાઉડર ½ ટી.સ્પૂન,
- ચાટ મસાલો ½ ટી.સ્પૂન
- મીઠું સ્વાદ મુજબ
- બ્રેડ ક્રમ્સ 1 કપ
રીતઃ ગાજરને ધોઈને છોલીને તેને ચિપ્સ માટે સમારી લો. લસણને ઝીણું સમારી લો.
એક મોટા બાઉલમાં ગાજરની ચિપ્સ લો. તેમાં સમારેલું લસણ તેમજ અન્ય સૂકા મસાલા અને ખમણેલું ચીઝ તેમજ તેલ મેળવી દો. બધા મસાલા ગાજરની ચિપ્સમાં એકસરખા લાગી જાય તે રીતે મેળવીને આ ચિપ્સને બ્રેડ ક્રમ્સમા રગદોડીને ઉપર સમારેલી કોથમીર ભભરાવી દો.
આ તૈયાર થયેલી ગાજરની ચિપ્સને એક નોનસ્ટીક તવામાં ગોઠવીને ગેસની ધીમી-મધ્યમ આંચે શેલો ફ્રાય કરી લો. આ ચિપ્સને ઓવનમાં પણ બેક કરી શકાય છે અથવા તેલમાં તળી પણ શકાય છે.
તૈયાર ચિપ્સને કોઈ પણ સોસ સાથે પીરસી શકાય છે. દહીંમાં કાળાં મરી પાઉડર અને મીઠું મેળવીને આ ચિપ્સ દહીં સાથે પણ સારી લાગશે અથવા મેયોનિઝમાં લસણનો પાઉડર અને મિક્સ હર્બ્સ મેળવીને તેની સાથે પણ સારી લાગશે!