ચોકલેટ વોલનટ ફઝ

અંગ્રેજી નવું વર્ષ આવી રહ્યું છે. તો તેને પણ ચોકલેટ વોલનટ ફઝ બનાવીને વધાવી લો!

સામગ્રીઃ

  • ડાર્ક ચોકલેટ 450 ગ્રામ
  • કન્ડેન્સ્ડ્ મિલ્ક 350 ગ્રામ
  • માખણ 2 ટે.સ્પૂન
  • અખરોટના ટુકડા

રીતઃ ડાર્ક ચોકલેટના ટુકડા કરી લો. એક બાઉલમાં આ ટુકડા મૂકી દો. એક વાસણમાં 2 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકો. ચોકલેટનું બાઉલ આ વાસણ ઉપર બેસી જાય એ રીતે મૂકો જેથી પાણીની વરાળ બહાર ના નીકળે. સ્પેટુલાની મદદથી ચોકલેટના મિશ્રણને એકસરખું હલાવતાં રહો. જ્યાં સુધી ચોકલેટ પીગળી ના જાય.

માખણને ઓગાળી લો.

હવે બાઉલને નીચે ઉતારી લો. તેમાં ઓગાળેલું માખણ તેમજ કન્ડેન્સ્ડ્ મિલ્ક ઉમેરીને સ્પેટુલા વડે હલાવો. ત્યારબાદ તેમાં અખરોટના ટુકડા પણ મેળવીને હલાવી લો.

એક કેક ટીન અથવા ટ્રેમાં ઘી ચોપડીને બટર પેપર અથવા ફોઈલ પેપર ગોઠવો. (બટર પેપર ટીનની બહાર સુધી એટલે કે મોટું લેવું જેથી સેટ થયેલું ચોકલેટ ફઝ ટીનમાંથી બટર પેપરની મદદથી સહેલાઈથી ઉંચકી લેવાય). ચોકલેટનું મિશ્રણ આ વાસણમાં રેડી દો. આ મિશ્રણ ઠુંડુ થાય ત્યારબાદ તેને ફ્રીજમાં 3-4 કલાક માટે સેટ થવા માટે રહેવા દો.

ત્યારબાદ તેને બહાર કાઢી ચોસલા પાડી દો. આ ચોકલેટ ફઝ ફ્રીજમાં એર ટાઈટ કન્ટેનરમાં અઠવાડિયા સુધી સારું રહે છે.