કાજુ શીંગદાણાનું શાક

વરસાદમાં શાકભાજી જોઈએ તેવા ન મળે, તો કાજુ શીંગદાણાનું શાક બનાવી શકાય છે!

સામગ્રીઃ

  • શીંગદાણા ¼ કપ
  • કાજુ ¼ કપ
  • સફેદ તલ 1 ટી.સ્પૂન
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • લવિંગ 2-3
  • સૂકું લાલ મરચું 1
  • તજનો ટુકડો ½ ઈંચ
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • વરિયાળીનો ભૂકો ¼ ટી.સ્પૂન
  • હળદર ¼ ટી.સ્પૂન
  • ધાણાજીરૂ 1 ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર ½ ટી.સ્પૂન
  • ગરમ મસાલો ½ ટી.સ્પૂન
  • આમચૂર પાઉડર ½ ટી.સ્પૂન
  • કાંદો 1
  • આદુ-મરચાં-લસણની પેસ્ટ 1 ટે.સ્પૂન
  • 2 ટામેટાંની પ્યુરી

રીતઃ શીંગદાણાને એક પેનમાં ગરમ કરવા મૂકો. ગેસની ધીમી આંચે શીંગદાણા શેકીને કાઢી લેવા. તે જ પેનમાં તલ પણ શેકી લેવા. શીંગદાણા ઠંડા થયા બાદ છોલીને એક મિક્સરમાં તલ સાથે અધકચરા વાટીને એક વાસણમાં કાઢી લેવા.

તે જ પેનમાં 4 ટે.સ્પૂન તેલ ગરમ કરી તેમાં કાજુ સાંતળીને એક બાઉલમાં કાઢી લો. હવે તે જ તેલમાં જીરૂનો વઘાર કરી લીધા બાદ તમાલપત્ર, તજ, લાલ મરચુ તથા હીંગનો વઘાર કરો. તેમાં અધકચરા વાટેલાં શીંગદાણા મેળવીને 2 મિનિટ સાંતળો. ત્યારબાદ કાંદાને સમારીને આ વઘારમાં ઉમેરી, આદુ-લસણ-મરચાંની પેસ્ટ પણ મેળવીને કાંદો સાંતળી લીધા બાદ ટામેટાંની પ્યુરી ઉમેરી દો.

હવે તેમાં બધાં સૂકા મસાલા ઉમેરી દો. થોડીવાર સાંતળી લીધા બાદ ½ કપ પાણી ઉમેરીને ઢાંકીને ગેસની ધીમી આંચે 4-5 મિનિટ થવા દો. તેમાંનું તેલ છૂટું પડવા લાગે એટલે તેની ઉપર તળેલા કાજુ તેમજ સમારેલી કોથમીર સજાવીને ગેસ બંધ કરીને આ શાક રોટલી કે પરોઠા સાથે પીરસો.