ભારતમાં લોકોને સસ્તા દરે વિમાન પ્રવાસ કરાવનાર એરલાઈન્સ વધી રહી છે તેથી વિમાન પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે, પણ એની સાથોસાથ પ્રવાસીઓ તરફથી એવી ફરિયાદો પણ વધી રહી છે કે એરપોર્ટ્સ પર ખાદ્યપદાર્થો અને ઠંડા પીણાઓ અતિશય મોંઘા ભાવે વેચવામાં આવે છે, પરિણામે તેઓ ખરીદી શકતા નથી.
એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ દેશભરના 90 જેટલા વિમાનીમથકોમાં ચા અને નાસ્તાની ચીજવસ્તુઓ વાજબી દરે પૂરી પાડવાનું નક્કી કર્યું છે.
AAIના અધિકારીએ કહ્યું છે કે દેશભરના તમામ એરપોર્ટ્સના કેટલાક કાઉન્ટર્સ પર ચા અને નાસ્તો મેક્ઝિમમ રીટેલ પ્રાઈસ પર ઉપલબ્ધ કરાશે.
પ્રવાસીઓના લાભ માટે અમુક કાઉન્ટરો પર તો કેટલાક ઠંડા પીણા અને પેકેજ્ડ ડ્રિન્કિંગ વોટર બોટલ્સ વાજબી દર વેચવાનું શરૂ પણ કરી દેવામાં આવ્યું છે.
એરપોર્ટ ટર્મિનલ્સ પર ખાદ્યપદાર્થો અને ઠંડા પીણા અતિશય ઉંચા ભાવે વેચવામાં આવે છે એવી પ્રવાસીઓ તરફથી સતત કરવામાં આવેલી ફરિયાદોને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સંસદસભ્યો આ મુદ્દો સંસદમાં પણ અવારનવાર ઉઠાવતા રહે છે.
કોંગ્રેસના સિનિયર નેતા અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમે ગયા વર્ષે ટ્વિટર પર જણાવ્યું હતું કે ચેન્નાઈ એરપોર્ટ પર એક કપ ચાની કિંમત અતિશય વધારે હતી.
AAI અધિકારીએ કહ્યું છે કે દેશભરમાં 90થી વધારે એરપોર્ટ્સ પર અલગ કાઉન્ટરો શરૂ કરવામાં આવશે જ્યાં ચા અને નાસ્તો વાજબી દરે વેચવામાં આવશે.
મુંબઈ, નવી દિલ્હી અને બેંગલુરુ જેવા એરપોર્ટ્સ પર આવા કાઉન્ટર્સ નહીં હોય, કારણ કે આ એરપોર્ટ્સ ખાનગી કંપનીઓ દ્વારા સંચાલિત કરાય છે.
AAIના આદેશ અનુસાર, જે કંપનીઓ એરપોર્ટ્સ પર ફૂડ કોર્ટ્સનું સંચાલન કરે છે એમને જણાવાયું છે કે તેઓ એક અલગ કાઉન્ટર પર ચાલુ કરે જ્યાં પસંદગીની ચીજવસ્તુઓ વાજબી દરે મળી શકે.
ભારતમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં વિમાન પ્રવાસીઓની સંખ્યામાં 20-25 ટકાનો વધારો થયો છે.