ચીન પણ કંઈ ચૂપ બેસે તેમાંનું નથી…

મેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ફરીથી ધમકી આપી દીધી છે. ચીનથી આયાત થતી તમામ ચીજવસ્તુ પર આયાત ડયૂટી લાદવાનું કહ્યું છે, જે ધમકી પછી અમેરિકન સ્ટોક માર્કેટ ગબડ્યું હતું અને આગામી સપ્તાહે એશિયાના સ્ટોક માર્કેટ પણ તૂટી શકે છે. ખરેખર જ્યારે અમેરિકા ચીનની તમામ વસ્તુ પર ડયૂટી લાદી દેશે, પછી ચીન પણ કાંઈ ચૂપ બેસી રહે તેમાનું તો નથી જ. તે પણ ઈંટનો જવાબ પત્થરથી આપશે. બન્ને પક્ષે આર્થિક નુકશાન થશે, અને તેના છાટા અમેરિકા-ચીન સાથે સંકળાયેલા તમામ એશિયન દેશો પર પડશે. ‘ચિત્રલેખા’માં બિઝનેસ ફંડામાં આપણે અગાઉ ટ્રેડ વૉર અંગે લખી ગયા છીએ કે તે કેટલુ ભયાનક હશે.

અમેરિકા અને ચીન જેવા વિકસિત દેશ જ્યારે લડે ત્યારે આર્થિક દ્રષ્ટિએ તેની સંકળાયેલા અન્ય દેશોના વેપાર-ધંધા અને વિદેશી રોકાણકારોને ખુબ મોટુ નુકશાન થવાનું છે. ટ્રેડ વૉરની સાથે કરન્સી વૉર પણ જોવા મળશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ સતત વધી રહ્યા છે. તમામ દેશોની બેલેન્સશીટ પર વિપરીત અસર પડી રહી છે, ત્યારે હવે જો અમેરિકા ચીનથી આયાત થતા તમામ સામાન પર ટેરિફ લગાડશે તો તેના પરિણામ ખુબ જ ભયાનક આવશે. નેશશન ફર્સ્ટની નિતી અન્ય દેશો પર વિપરીત અસર પાડી શકે છે. વિશ્વની મહાસત્તા જ્યારે આર્થિક નિર્ણયો લે ત્યારે તેની સાથે સંકળાયેલા તમામ દેશો પર વિપરીત અસર પડે છે.અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનથી આયાત થતા 267 અબજ ડૉલર(અંદાજે 19 લાખ 25 હજાર કરોડ રૂપિયા)ના વધારાના સામાન પર ટેરિફ લગાડવાની ધમકી આપી છે. તેઓ અગાઉ ચીનથી આયાત થનાર 200 અબજ ડૉલરના સામાન પર ડયૂટી લગાડવાની જાહેરાત કરી ચુક્યા છે. ચીને પણ જવાબી કાર્યવાહીની ધમકી તો આપી દીધી છે. તેમાં ચીનમાં કામ કરી રહેલી અમેરિકી કંપનીઓ વિરુધ્ધ એક્શન લઈ શકે છે.

અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પે શુક્રવારે કહ્યુ હતું કે 200 અબજ ડૉલરના સામાન પર ડયૂટી લગાડવાની વાત ઝડપથી લાગુ થઈ જશે. અને તે પછી ચીનનું પગલું શુ રહે છે તેના પર એ વાત નિર્ભર છે કે વધારાના 267 અબજ ડૉલરના સામાન પર ઝડપથી ટેરિફ લાગુ કરી શકાય. આ અગાઉ ટ્રમ્પ ચીનથી આયાત થતાં 50 અબજ ડૉલરના મુલ્યની ચીજવસ્તુઓ પર 25 ટકા આયાત ડયૂટી લાગુ કરાઈ છે, જેમાં સૌથી વધુ ઔધોગિક મશીન, સેમીકંડક્ટરો અને ઈલેક્ટ્રોનિક્સ પાર્ટસનો સમાવેશ થાય છે.

200 કરોડના સામાનની યાદીમાં કેમેરા, રેકોર્ડિંગ કરતાં ઈલેક્ટ્રોનિક્સ સાધનો, લગેજ, હેન્ડબેગ્સ, વેક્યુમ ક્લીનર અને કન્ઝ્યુમર પ્રોડક્ટસનો સમાવેશ થયો છે, જેના પર 10થી 25 ટકા ટેરિફ લાગાડાશે. ચીનથી સૌથી વધુ આયાત થતાં મોબાઈલ ફોન્સને હાલ બાકાત રખાયા છે. પણ જો ટ્રમ્પ 267 અબજ ડૉલરની ટેરિફની યાદી લાગુ કરશે તો તેમાં મોબાઈલ ફોન્સ પણ આવી જશે.

ટ્રમ્પે જ્યારે ચીનને ધમકી આપી ત્યારે શુક્રવાર મોડીરાતે અમેરિકન સ્ટોક માર્કેટનો ડાઉ જોન્સ 79 પોઈન્ટ તૂટી 25,916 અને નેસ્ડેક 20 પોઈન્ટ ઘટી 7902 બંધ રહ્યા હતા. અને ડાઉ જોન્સ ફયુચર પણ 80 પોઈન્ટ માઈનસ હતો. જેથી હાલ તો એમ કહી શકાય કે આગામી સપ્તાહના સોમવારે જ્યારે એશિયાઈ સ્ટોક માર્કેટ ખૂલશે ત્યારે ભારે કડાકા સાથે ખૂલશે. અમેરિકાનો ડોલર સામે ચીનનો યુઆન વધુ તૂટશે.ભારત પર પણ અમેરિકા ચીન વચ્ચેના ટ્રેડવૉરની નેગેટિવ અસર પડશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધી રહ્યા છે, અને અમેરિકન ડૉલર સામે ભારતીય રૂપિયો સતત તૂટીને 72 જઈ આવ્યો છે, ત્યારે આ સંજોગોમાં આગામી સપ્તાહે રૂપિયો વધુ તૂટે તો નવાઈ નહી, તેમજ દેશમાં ફુગાવો પણ વધી શકે છે. ટ્રેડવૉરની લાંબાગાળે ભારત અને એશિયાઈ દેશો પર વિપરીત અસર પડશે. વિદેશી રોકાણકારોનો ભરોસો તૂટી જશે તે નફામાં. નવું રોકાણ કરવા કોઈ તૈયાર નહી થાય. સ્ટોક માર્કેટમાં કરેલા રોકાણ પાછા ખેંચાશે. સ્ટોક માર્કેટ તૂટશે, જે બધા નેગેટિવ ફેકટર તો છે જ. જોઈએ ટ્રમ્પની ધમકીને ચીન કઈ રીતે મુલવે છે….

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]