શેરબજારની તેજીએ ચાર ચાંદ લગાવી દીધાં છે, પણ રોકાણકારોના મોઢા પર કોઈ નૂર દેખાતું નથી. શેરદલાલો પણ સેન્સેક્સ અને નિફટીના રેકોર્ડ હાઈ જોઈને ખુશખુશાલ રહે છે, પણ જામતું નથી, એવો શબ્દ તો આવે જ છે… આવું કેમ? શેરબજારની તેજી બ્રોડબેઈઝ તેજી નથી. સેન્સેક્સ માત્ર 30 શેર અને નિફટી માત્ર 50 શેર આધારિત શેરોમાં તેજી થાય તેને તેજી કહેવાય? તમે શું કહેશો? ફ્રન્ટલાઈનના સ્ટોક અને સ્ટોક સ્પેસિફિક તેજીનો જમાનો આવ્યો હોય તેમ જણાય છે. તો પછી હવે રોકાણકારોએ સ્ટ્રેટેજી બદલવી પડશે તો જે તે શેરબજારમાંથી રૂપિયા કમાઈ શકશે.
21 ઓગસ્ટને મંગળવારે સેન્સેક્સ પહેલી વાર 38,400ની સપાટી પાર કરીને 38,402.96 ઑલ ટાઈમ હાઈ થયો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સે મંગળવારે 11,581.75 લાઈફ ટાઈમ હાઈની નવી સપાટી બતાવી હતી. શેરબજારમાં તેજી થવા પાછળ કારણોની વાત કરીએ તો ડૉલર સામે રૂપિયો મજબૂત થયો, ટ્રેડવૉર પછી અમેરિકા અને ચીન વચ્ચે બુધવાર અને ગુરુવારે બિઝનેસ મીટિંગ થવાની છે. જેમાં કોઈ સુખદ ઉકેલ મળે તેવી શકયતા જોવાઈ રહી છે, જે આશાવાદ પાછળ જ શેરબજારમાં સોમવાર અને મંગળવારે નવી લેવાલી આવી હતી, અને સ્ટોક માર્કેટના સેન્સેક્સ અને નિફટી વધુ વધીને રેકોર્ડ હાઈ થયા હતા.
આમ જોવા જઈએ તો સ્ટોક માર્કેટમાં તેજી થવા પાછળ તમામ પેરામીટર્સ પોઝિટિવ છે, માત્ર ડૉલર સામે રૂપિયો નબળો હતો, પણ હવે તે મજબૂત થઈ રહ્યો છે. જો કે ટ્રમ્પની પૉલીસીને કારણે વિદેશી રોકાણકારો પોતાનું રોકાણ પાછુ ખેંચી રહ્યા છે, પણ ભારતમાં વિદેશી રોકાણ વધુ વળતર આપશે તેવી ધારણા હોવા છતાં એફઆઈઆઈ ટ્રમ્પની નીતિને કારણે અવઢવમાં છે. અને આથી જ એફઆઈઆઈ ભારતીય સ્ટોક માર્કેટમાં નેટ સેલર થયા છે. તો સામે સ્થાનિક નાણા સંસ્થાઓની નવી ખરીદી ચાલુ રહી છે. કારણ કે દર મહિને મ્યુચ્યુઅલ ફંડોમાં નવી એસઆઈપી દ્વારા નવું રોકાણ આવી રહ્યું છે. જેથી ફંડોએ સ્ટોક માર્કેટમાં દર મહિને નવું રોકાણ કરવું જ પડે છે. આમ શેરબજારમાં લીકવીડીટી વધી છે. નેગેટિવ કારણ આવે તેમ છતાં શેરબજારમાં તેજી વધુને વધુ આગળ વધી રહી છે. હવે આ તેજી કેટલી આગળ વધશે તે તો કોઈ ભવિષ્ય ભાખી શકે તેમ નથી. પણ શેરબજારમાં લીકવીડીટી જ્યા સુધી આવ્યા કરશે ત્યાં સુધી શેરબજારમાં તેજીનો તોખાર ચાલુ રહેશે.
પહેલી વખત એવું બન્યું છે કે એફઆઈઆઈ નેટ સેલર હોવા છતાં સ્થાનિક નાણા સંસ્થાઓ અને મ્યુચ્યુઅલ ફંડોની નવી ખરીદીથી શેરબજારમાં તેજીનો મુડ રહ્યો છે. નહી તો દર વખતે શેરબજારની તેજીની ડ્રાઈવિંગ સીટ પર એફઆઈઆઈ જ બેસતી હતી. પણ હવે સ્થાનિક ફંડો એફઆઈઆઈ જેટલા જ મજબૂત થયા છે.
હવે વાત કરીએ શેરબજારની ભાવી ચાલની… આ તેજી કેટલી આગળ વધશે? 2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. ભાજપને કેટલી બેઠકો મળશે? સ્પષ્ટ બહુમતી મળશે કે નહી? ટ્રમ્પની વિદેશ નીતિ ભારતને કેટલી ફાયદાકારક રહેશે? ઈમરાન ખાન વડાપ્રધાન બન્યા પછી ભારત પાકિસ્તાનના સંબધો કેવા રહેશે? ડૉલર સામે રૂપિયો વધુ તૂટશે તો નહી ને? આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધુ વધશે તો? આવા બધા અનેક પ્રશ્નો આપણી સામે છે. આનો જવાબ તો ભવિષ્ય જ આપી શકે.
હા… એટલું ચોક્કસ છે કે હવે પછી શેરબજારની નવી તેજીમાં અનેક અડચણો છે, તેમાં રોકાણકારોએ સાવચેત રહીને અને માર્કેટનો મૂડ જોઈને જ રોકાણ કરવા સલાહ છે. અન્યથા નફો પણ બુક કરવો જોઈએ. જે રોકાણકારને 10થી 20 ટકા વળતર મળી રહ્યું છે, તેમણે તો અવશ્ય નફો બુક કરવો જોઈએ. કારણ કે સેન્સેક્સ અને નિફટી ઑલ ટાઈમ હાઈ પર છે. જો સેન્સેક્સ અને નિફટી તૂટવા શરૂ થશે તો પછી સેકન્ડ હરોળના શેરના ભાવ કેટલા તૂટશે તે હાલ કહેવું મુશ્કેલ છે. અને આપણે ભુતકાળમાં જોયું છે કે માર્કેટ તૂટે ત્યારે કોઈ ટેકો આપવા આવતું નથી. રોકાણકારોનો તો ખો જ નીકળી જતો હોય છે.
હાલ સ્ટોક માર્કેટની તેજી બ્રોડબેઈઝ નથી, માત્ર સેન્સેક્સના 30 શેર અને નિફટીના 50 શેર પુરતી જોવાઈ રહી છે. મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં તેજી કયારે થશે? રોકાણકારોનું રોકાણ મીડકેપ અને સ્મોલકેપમાં વધારે છે. જો આ સ્ટોકમાં તેજી થાય તો જ શેરબજારમાં સાચી તેજી થઈ કહેવાશે.
રોકાણકારોએ સાવધ તો રહેવા જેવું છે. સેન્સેક્સ અને નિફટી રેકોર્ડ હાઈ જોઈને નવું રોકાણ ન કરવું જોઈએ. માર્કેટની દિશા કયારે બદલાશે તે કહી શકાય નહી. 2019ની લોકસભાની ચૂંટણી માથે છે, જેથી સટોડિયા પણ સ્ટોક માર્કેટમાંથી ધીમેધીમે બહાર નીકળી રહ્યા છે. મોટાભાગના સટોડિયાના ઓળિયા હવે સુલટાશે, હાથીઓની લડાઈમાં સામાન્ય રોકાણકારોનો ખુરદો ન બોલાય તે માટે સાવચેતી સાથે નવું રોકાણ કરવું. નવા રોકાણમાં ખુબ જ સાવધ રહેવું.