NCLTમાં ગયા પછી બેંકો કેટલી વસૂલાત કરી શકશે?

નાણાકીય સંકટમાં ઘેરાયેલી 70 જેટલી કંપનીઓને લોન (એનપીએ)ની સમસ્યાના ઉકેલ માટેની ડેડલાઈન સમાપ્ત થઈ ગઈ છે. આ 70 કંપનીઓએ બેંકો પાસેથી લીધેલ લોન પેટે અધધધ… રૂપિયા 3.60 લાખ કરોડ ચૂકવ્યાં નથી. બેંકોને આશા હતી કે 27 ઓગસ્ટ પહેલાં કંપનીઓ અંશતઃ લોનની ચૂકવણી કરશે, પણ આ આશા ઠગારી નીવડી છે. એનપીએના ભરડાએ બેંકોને આર્થિક મુશ્કેલીમાં મુકી દીધી છે. હવે નવા કાયદા મુજબ 70 કંપનીઓનો કેસ એનસીએલટી (નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ)માં જશે, અને એનસીએલટીમાં બેન્કરપ્સી રેઝોલ્યુશન તરીકે ટ્રીટ કરવામાં આવશે. શું એનપીએની સમસ્યાના ઉકેલ માટે આ જ એક રસ્તો છે?, તેવો સવાલ અત્રે થઈ રહ્યો છે.

NCLTમાં ગયા પછી બેંકો કેટલી વસૂલાત કરી શકશે?

બેન્કરપ્સીથી બેંકોને લોનની વસૂલાત મળી જશે ખરી? આરબીઆઈ દ્વારા બેંકોની એનપીએની તપાસ કરવી જોઈએ, અને કસૂરવારો સામે આકરા પગલા લેવાવા જોઈએ.રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફેબ્રુઆરીમાં બેન્કરપ્સી સાથે સંકળાયેલા નવા નિયમ લાગુ કર્યા હતાં, તેમાં બેંકોને લોન રીકાસ્ટ કરવા માટે 180 દિવસની સમય મર્યાદા આપવામાં આવી હતી. જો કે નવા નિયમ લાગુ કર્યાં તે પહેલાં આવી કોઈ મર્યાદા નહોતી. હવે સોમવારે જ લોન ચૂકવવામાં નિષ્ફળ કંપનીઓને આપવામાં આવેલો સમય સમાપ્ત થઈ ગયો છે. હવે પછી આરબીઆઈના નવા કાયદા મુજબ કંપનીઓને ઈનસોલ્વેન્સી એન્ડ બેન્કરપ્સી કોટ અંર્તગત કોર્ટમાં લઈ જશે. ભારતીય બેંકોના સરવૈયા પ્રમાણે 14.70 લાખ કરોડ રૂપિયાની સ્ટ્રેસ્ડ લોન છે, આરબીઆઈ પહેલાં 40 મોટા ડિફોલ્ટર્સને કોર્ટમાં ઘસડી જવાની સલાહ આપી ચૂકી છે.

આરબીઆઈએ કાયદામાં નવા નિયમો લાગુ કર્યા પછી મે મહિનામાં જ બેંકોને 35 હજાર કરોડ રુપિયા પાછા મળ્યાં હતા. ત્યારે ટાટા સ્ટીલે ભૂષણ સ્ટીલને ટેકઓવર કરી લીધી હતી. સામાન્ય રીતે જોઈએ તો કાયદા કડક હશે તો જ ડિફોલ્ટર થતાં કંપનીઓ 100 વખત વિચાર કરશે. પણ જાણકારી મુજબ 70 કંપનીઓને બેન્કરપ્સીમાં લઈ જતા રોકવા માટે વધુ તક આપવામાં આવે તેવી શકયતા છે. પણ તક મળે તો કંપનીઓ કદાચ બાકી લોન ચૂકવી શકે તેમ છે. પણ અત્યાર સુધી કોઈ કંપનીઓ આગળ નથી આવી, તે બતાવે છે કે હવે આટલી રકમ તો ડિફોલ્ટ થશે જ.

આ વાત થઈ એનપીએની… દુનિયામાં ભારતની બેંકોની વધતી જતી એનપીએ દેશ માટે ચિંતાજનક ગણાવી છે, તેની સાથે ખેડૂતોના દેવાની માફી… બેંકો પણ એનપીએથી માંડીને ખેડૂતોના દેવા માફીનો બોજો… બેંકો કેટલી મજબૂત છે, તે ભાર કે બોજો સહન કરવા માટે. પણ બેંકોમાં આટલી મોટી એનપીએ કેમ ઉભી થઈ છે તે તપાસ થવી જ જોઈએ. સામાન્ય વ્યક્તિ બેંકમાં લોન લેવા જાય છે, ત્યારે બેંકો તરફથી કેટલા બધા ડોક્યુમેન્ટ લેવામાં આવે છે, તમામ પેપર સબમીટ થાય અને તેની ખરાઈ થયા પછી જ લોન અપાય છે. હાઉસીંગ લોન જેણે લીધી હશે તે બધાને અનુભવ હશે જ. એક લોન માટે બેંકના કેટલા ઘક્કા ખાવા પડે છે. તો પછી બેંકોએ આ 70 કંપનીઓને લોન કયા બેઝ પર આપી, તેની તપાસ આરબીઆઈએ કરીને જવાબદારો સામે પગલાં લેવા જ જોઈએ. બેંક મેનેજમેન્ટ કેમ આંખ આડા કાન કરી રહ્યું છે. વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી લોન ચૂકવ્યા વગર વિદેશમાં ભાગી ગયા છે, તેમની પાસેથી વસૂલાત કરવા માટે કાયદાકીય કાર્યવાહી કરાઈ રહી છે. હાલ તેમનું પ્રત્યાર્પણ વિદેશી કોર્ટ કરે છે કે નહીં તેના પર વસૂલાત નિર્ભર બનશે, અને કસૂરવારને જેલની સજા.

આરબીઆઈ દ્વારા કડક કાયદા બને તે જરૂરી છે. હવે પછી બેંકોમાં નવી એનપીએનું સર્જન ન થાય તે માટે આરબીઆઈ અને કેન્દ્ર સરકારે વધુમાં વધુ કડક કાયદા કરવા જોઈએ. બેંકના જે અધિકારી દ્વારા લોન મંજૂર કરનારને કસૂરવાર ઠેરવીને સજાની જોગવાઈ કરવી જોઈએ. જેથી કોઈપણ જાતની બેદરકારી કે હોદ્દાનો દૂરુપયોગ ન થાય. કેન્દ્ર સરકારે પણ બેંકોની એનપીએ ઘટાડવા માટે દર વર્ષે નવા નાણા બેંકોમાં રોકાણ કરી રહી છે, અને બેંકોમાં લીકવીડીટી વધારી રહી છે, પણ હવે નવી એનપીએનું સર્જન ન થાય તે માટે સાવચેતી ખૂબ જરૂરી છે. પણ સવાલ એ છે કે એનસીએલટીમાં ગયા પછી 70 કંપનીઓ પાસેથી કેટલી વસૂલાત થઈ શકે છે કે કેમ?