ભારત સરકારે હવે પછી આર્થિક જંગ માટે પણ સજ્જ થતા જવાનું છે, જ્યાં ‘મેક ઈન ઈન્ડિયા’ સહિતના અનેકવિધ લક્ષ્યને પાર પાડવાની ભૂમિકા મોદી સરકારે ભજવવાની આવશે. ભારત અને મોદી સરકાર પર હાલ તો વિશ્વની પણ નજર છે. શું થઈ શકે છે હવે પછી? થોડી ઝલક જોઈએ.
કોરોનાએ જગત સામે મોટો પડકાર તો મૂકી જ દીધો છે, કિંતુ એથી પણ મહત્ત્વની અને નોંધનીય વાત એ છે કે કોરોનાએ ગ્લોબલાઈઝેશન સામે પણ સવાલ ઊભા કરી દીધા છે. શું ખરેખર ગ્લોબલાઈઝેશન જરૂરી હતું કે છે ? શું તેના વિના નહીં ચાલે? શું દરેક દેશ સ્વનિર્ભર ન બની શકે? ગ્લોબલાઈઝેશનના વિશ્વના લાભમાં અને ગેરલાભમાં કેટલું છે? આવા અનેક સવાલ ચર્ચાનો વિષય બની રહયા છે. ગ્લોબલાઈઝેશનને પરિણામે , મુકત વેપાર નીતિને કારણે અને ઓપન માર્કેટ પોલીસીને લીધે વિશ્વ સતત એકબીજા સાથે જોડાતું રહયું છે. આજે પરિસ્થિતી એવી આવીને ઊભી છે કે એક દેશમાં રોગ શરૂ થાય છે અને આખા વિશ્વમાં ફેલાઈ જાય છે. કારણ કે મુકત હેરફેર છે. બધાંને પોતાના દેશની બહાર ફરવા જવું છે, વેપાર કરવા જવું છે. પોતાનો વિસ્તાર કરવો છે, બિઝનેસને વધારવો છે, પોતાની માર્કેટ કબ્જામાં કરી લીધા બાદ યા પોતાની માર્કેટમાં હવે ઓછો અવકાશ હોવાથી બીજા દેશોની માર્કેટમાં છવાઈ જવું છે. જે દેશની વસ્તી વધુ ત્યાં માટે આકર્ષણ વધુ રહે છે. એમાં બે મુખ્ય દેશમાં ચીન અને ભારત રહે છે.
ચીન સામે સંદેહ–સવાલ
ચીનની ક્ષમતા તો આપણી નજર સામે છે, જે સમગ્ર વિશ્વને નચાવી શકે છે અને હાલ એવું જ થતું હોવાનું જાણવા મળે છે. જયાંથી કોરોના વાઈરસની શરૂઆત થઈ તે ચીનમાં હવે બધું નોર્મલ થવા લાગ્યું છે. જયારે કે જયાં કઈ નહોતું અથવા નજીવું હતું તે દેશોમાં ભયંકર હદે કોરોનાનો કહેર ચાલુ છે. ચીન પર તો આ વાઈરસને જાણતા-અજાણતા ફેલાવાના આક્ષેપ પણ થઈ રહયા છે. ભારતના એક સિનીયર એડવોકેટે ચીન સામે ઈન્ટરનેશનલ કોર્ટમાં ફરિયાદ પણ કરી છે. જેમાં ચીન સામે અનેક આક્ષેપ કરાયા છે. આપણે હાલ તેમાં ઊંડા ઉતરતા નથી, કેમ કે આ મામલો જો હાથ ધરાશે તો ઘણું બધું બહાર આવશે, હાલ તો ચીનને છંછેડવાની હિંમત કોઈ દેશમાં નથી. યુએસએનો ચીન સાથે લાંબા સમયથી વેપાર વિવાદ ચાલતો હતો. જેને ટેરિફ વોર નામ અપાયું હતું. ચીનને અમેરિકાની દાદાગીરી માફક આવતી નથી અને તે અમરિકા સામે લડવા માટે સક્ષમ પણ છે. બીજીબાજુ અમેરિકા ભારત સાથે સંબંધ વધારી રહયું હોવાથી પણ ચીનના પેટમાં બળતરા થતી હોઈ શકે, કારણ કે ચીનની માર્કેટ સામે ભારત એકમાત્ર સંભવિત મોટી માર્કેટ બનવાની ક્ષમતા ધરાવે છે.
અમેરિકન ઈકોનોમીને નબળી પાડવાનું લક્ષ્ય?
કહેવાય છે કે ચીને અમેરિકાની ઈકોનોમીને તોડવા માટે આ બાયો વેપન (જૈવિક શસ્ત્રાૅ) નો ઉપયોગ કર્યો છે. આમ માનવા માટે કે આમ વિચારવા માટે એવો તર્ક કરાય છે કે આજે યુએસ ઈકોનોમીની દશા બેસી રહી છે, યુરોપિયન દેશોની પણ કથળી રહી છે. આ બે જાયન્ટ ઈકોનોમી ખતમ થાય યા નબળી પડે તેનો મહત્તમ લાભ ચીનને મળી શકે છે. ગ્લોબલાઈઝેશનમાં સર્વ દેશો એકબીજા સાથે જોડાયેલા હોવાથી એકબીજાની અસર પરસ્પર પડે જ છે. તેથી જ હવે ડિગ્લોબલાઈઝેશન તરફ પ્રયાણનો પ્રયાસ શરૂ થયો છે. દરેક દેશ , પહેલાં મારું સંભાળું, મારી પ્રજાનું વિચારું, મારું હિત જોઉં . મારા દેશને શું લાભ થશે, શું ગેરલાભ થશે વગેરે બાબતો પાયામાં આવવા લાગી છે. ઈન શોર્ટ, ગ્લોબલાઈઝેશન મોંઘું પડવા લાગ્યું છે. કેમ કે ગ્લોબલાઈઝેશનમાં બધાં દેશો એકબીજા પર નિર્ભર થઈ જાય છે. વિવિધ દેશની અનેક કંપનીઓએૅ બીજા દેશોમાં વેપાર-ઉધોગ સ્થાપેલા છે, તેમણે પોતાના હિત સાચવવા પડે છે. આ માટે સરકારે પણ સમાધાન કરવા પડે છે. આ નિર્ભરતા સાવ નકામી છે એવું નથી, જરૂરી પણ છે. કિંતુ આનો અતિરેક થયો ત્યારે કોરોના અને કેઓસે જન્મ લીધો છે. બધાંને ભારતમાં આવી માલ વેચવો છે, ચીન બધાંને આવવા દેતું નથી, જયારે કે ચીન પોતે સસ્તા માલો બનાવી બીજે ઘુસી જાય છે.
ગ્લોબલાઈઝેશનનું નવું રિઅલાઈઝેશન
ખૈર, કોરોનાએ આખા જગતને ગ્લોબલાઈઝેશન વિશે નવું રિઅલાઈઝેશન કરાવ્યું છે. હવે ડિગ્લોબલાઈઝેશન માટે દરેક સરકારે પોતાની નીતિ બદલવી જોઈશે. વધુમાં વધુ પોતાની બીજા પરની નિર્ભરતા ઘટાડવી પડશે. જેમ આજે દરેક પરિવાર ઓછી ચીજવસ્તુઓ, અલ્પ સુવિધા, ઓછાં સાધનો સાથે જીવવા લાગ્યો છે તેમ દરેક દેશે પણ વધુમાં વધુ સ્વનિર્ભર બનવા તરફ આગળ વધવું જોઈશે.
હવે આર્થિક પડકારનો સામનો કરવો પડશે
આ સંબંધમાં આપણે માત્ર આપણા દેશને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો, એકવાર કોરોનાની લડત પુરી થાય કે મોદી સરકારે જેમ કોરોના સામે દેશને એક કરીને લડાઈ લડી, દેશને વધુ મજબુતાઈ તરફ લઈ ગઈ, લોકોમા નવો વિશ્વાસ-આશા જગાવી તેમ મોદી સરકારે આર્થિક વિષયમાં પણ જંગ છેડવી પડશે. આમ પણ મોદી સરકાર સામે આર્થિક પડકારો સતત વધતા રહયા છે, કિંતુ મોદીએ વર્તમાન સમયમાં લોકોને જીવ બચાવવાને સૌથી વધુ પ્રાધાન્યતા આપી છે. જેથી મોદી સરકાર બીજા તબકકામાં આર્થિક સંકટને પહોંચી વળવા જોરદાર લડાઈ શરૂ કરશે એવો વિશ્વાસ રાખવામાં અતિશયોકિત નથી. મોદી સરકારે આમ તો લાંબા સમયથી મેક ઈન ઈન્ડિયા, સ્કિલ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા સહિત અનેક યોજના-મિશન અને લક્ષ્ય ઘડી રાખ્યા છે, જેના અમલને હવેપછી વધુ વેગ આપવો પડશે. મોદી પોતે વિશ્વના તખ્તા પર મોટા લીડર તરીકે ઉભરી રહયા હોવાનું જોવા મળે છે તેમ મોદી ભારતને મહાસત્તા બનાવવા તરફ લઈ જશે એવી આશા રાખી શકાય. કારણ કે ભારતની પ્રજામાં આ શકિત, મનોબળ , ઉત્સાહ, સ્પિરિટ, મહેનત કરવાની લગન છે, જેને માત્ર યોગ્ય દિશા અને દોરવણીની જરૂર છે. આગામી સમયમાં ભારતમાં ગરીબીના સ્તરને ઘટાડવામાં પણ મોદી સરકાર સક્રિય રહેશે, કારણ કે મોદી સરકારે આ વર્ગ પર પહેલેથી ધ્યાન રાખ્યું છે અને તેમની માટે અનેકવિધ યોજના પણ ઘડી છે. યાદ રહે, મોદી સરકાર પાસે આર્થિક મોરચે પણ જંગ લડયા સિવાય કોઈ વિકલ્પ નથી.
મોદીની લીડરશીપ
મોદી સરકારે લગભગ દરેક દેશ સાથેના સંબંધને નવો આયામ આપીને ભારતની નવી બ્રાન્ડનું સર્જન કર્યુ છે. આતંકવાદ સામે લડીને અને અન્ય દેશોને તેમાં સહભાગી બનાવીને વર્લ્ડ લીડરશીપ પણ લીધી છે. અત્યારે કોરોના સામેની લડાઈમાં પણ વિવિધ દેશો ભારત સરકાર પર નજર રાખે છે, તેની પાસેથી માર્ગદર્શન માગે છે. યુએસ જેવી મહાસત્તા પણ મોદી સરકાર- ભારત સાથે સંબંધ સુધારવા-વધારવા વધુ ઉત્સુક બની છે.
ભારતની પ્રજાનો સાથ અને વિશ્વાસ
આર્થિક મોરચે આપણા દેશમાં હાલ કોરોના કરતા વધુ ચિંતા ફેલાઈ છે. જેના જવાબ અને ઉપાય આ વરસના બીજા ભાગથી મળવાના શરૂ થશે. આજે દેશના ટોચના વેપારીઊાૅ-ઉધોગપતિઓ જ નહીં, બલકે દેશના વિભિન્ન ક્ષેત્રોની અગ્રણી હસ્તીઓ(ફિલ્મ ઉધોગ હોય કે ક્રિકેટ જગત હોય , વેપારી આલમ હોય કે મહિલા વર્ગ હોય) મોદી સરકારમાં વિશ્વાસ ધરાવતી થઈ છે અને વિશ્વ પણ ભારતને ન્યુ ઈન્ડિયા તરીકે જોતું થયું છે. મોદી સરકાર દેશની કેટલીક સામાજીક સમસ્યા પ્રત્યે પણ સભાન છે. ધર્મના નામે થતા વિવાદ , સરકાર સામેની, ખાસ કરીને મોદી સામેની વેરઝેર કે કટ્ટરતાનો પણ સરકારને અને મોટાભાગની પ્રજાને વધુ સ્પષ્ટપણે જાણ થઈ ગઈ છે. આ બધાના ઉપાય પણ થશે. હાલ જે પણ આર્થિક સમસ્યા દેખાય છે અને વાસ્તવમાં છે તેનો ઉપાય માટે નકકર પગલાંના આયોજન થશે અને તેના પરિણામ પણ મેળવાશે. આ માત્ર મોદી સરકારની સ્પિરિટ કે લક્ષ્ય નથી, બલકે ભારતીય પ્રજાના પણ સ્પિરિટ અને લક્ષ્ય છે. ઈન શોર્ટ , સાથ રહેગા , જીત જાયેગા ઈન્ડિયા ઔર મુસ્કુરાયેગા ઈન્ડિયા…
- જયેશ ચિતલિયા (આર્થિક પત્રકાર)