૧ રૂપિયાની નોટે પૂરી કરી ૧૦૦ વર્ષની સફર…

ભારતનો ૧ રૂપિયો આજે ૧૦૦ વર્ષનો થયો છે. આ સાથે જ તે સંગ્રહ કરવા લાયક અતિ મહત્વની ચીજ બની ગયો છે.

સદીના આ લાંબા સમયગાળામાં ૧ રૂપિયાનું મૂલ્ય ઘણું ઘસાઈ ગયું છે. આજે લોકો ભાગ્યે જ એક રૂપિયાની કિંમતમાં કંઈક ખરીદી શકે છે. મોટે ભાગે ચોકલેટ, પીપરમીંટ કે ધાણાદાળનું પડીકું ખરીદી શકે છે. ભારતના આ ચલણે બે વિશ્વયુદ્ધ જોયા છે, પરંતુ આ વર્ષોમાં એનું મૂલ્ય પણ સતત ઘટતું ગયું છે અને આજે તો એ વ્યવહારિક રીતે ઉપયોગમાંથી લગભગ આઉટ થઈ ગયો છે.

ભારત પર દોઢસો વર્ષ સુધી રાજ કરનાર બ્રિટિશ સરકારે ૧૯૧૭ની ૩૦મી નવેમ્બરે એક રૂપિયાની નોટ ચલણમાં મૂકી હતી.

ભારતમાં કરન્સી નોટ્સ ૧૮૬૧માં મૂકવામાં આવી હતી. એક રૂપિયાના સિક્કા સહિત ચાંદીના સિક્કાઓ ઘણા લાંબા સમય સુધી અસ્તિત્વમાં રહ્યા હતા. અમુક સિક્કા તો છેક ૧૫૪૦માં શેર શાહ સુરીના શાસન વખતથી ચાલતા હતા. એક રૂપિયાની કાગળની ચલણી નોટ ઈંગ્લેન્ડમાં છાપવામાં આવતી હતી અને એની પર ડાબી બાજુએ રાજા જ્યોર્જ પાંચમાની સિલ્વર કોઈન ઈમેજ દર્શાવવામાં આવી હતી. તે વખતે એક રૂપિયો પ્રોમિસરી નોટ તરીકે રજૂ કરાયો હતો.

વિશ્વ યુદ્ધ વખતે એક રૂપિયાના ચાંદીના સિક્કાઓને ગાળી નાખવાનું ચલણ લોકોમાં વધી ગયું હતું. એને લીધે બજારમાંથી સિક્કાઓ ખૂબ ઘટી ગયા હતા. એ વખતે બ્રિટિશ સરકારે એક રૂપિયાની નોટને ચલણમાં મૂકવાનું નક્કી કર્યું હતું.

પોતાની ૧૦૦ વર્ષની સફરમાં એક રૂપિયાની નોટની ડિઝાઈનમાં ૪૪ વખત ફેરફારો કરવામાં આવ્યા છે. એક રૂપિયાની નોટ એકમાત્ર ચલણ છે જેનું પ્રિન્ટિંગ ભારત સરકાર કરે છે અને ભારતીય રીઝર્વ બેન્ક કરતી નથી. આ નોટ પર નાણાં સચિવનાં હસ્તાક્ષર હોય છે.

એક રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ ૧૯૯૪માં બંધ કરી દેવામાં આવ્યું હતું, પણ ૨૧ વર્ષના ગાળા બાદ ૨૦૧૫-૧૬ના નાણાકીય વર્ષ દરમિયાન સરકારે ફરી એનું પ્રિન્ટિંગ શરૂ કર્યું હતું.

એક રૂપિયાની નોટ ભારતનું મૂળ ચલણ હોવાથી સરકારે એનું પ્રિન્ટિંગ ફરીથી શરૂ કર્યું હોવાનું મનાય છે.

બ્રિટિશરોએ ૧૯૪૦માં એક રૂપિયાની નોટમાં ધરખમ ફેરફારો કર્યા હતા. એમણે નોટની સાઈઝને ઘટાડી દીધી હતી. ૧૯૪૯માં આઝાદ ભારતની સરકારે બ્રિટિશ પ્રતિકોને દૂર કરીને નવા રચાયેલા પ્રજાસત્તાકનો સત્તાવાર પ્રતિક દર્શાવ્યો હતો.

આ નોટ જોકે હવે ખાસ લોકોને જોવા મળતી નથી. એવું જાણવા મળ્યું છે કે મુંબઈમાં ઝવેરી બજાર અને દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં એક રૂપિયાની ૧૦૦ નોટોનું એક બંડલ કાળા બજારમાં રૂ. ૬૦૦માં વેચાય છે. જૂની, પ્રાચીન ચલણી નોટોના સંગ્રહકો આટલી ઊંચી કિંમત ચૂકવીને પણ એક રૂપિયાની નોટ ખરીદતા અચકાતા નથી.