RBIની ચેતવણીઃ 4 કારણોને લઈને વધી શકે છે મોંઘવારી

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ધીરાણ નીતિની સમીક્ષા જાહેર કરી છે, જેમાં ચાવીરૂપ દરોમાં કોઈ જ ફેરફાર કર્યા નથી, એમપીસીના માત્ર એક જ સભ્યએ વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરવાનું કહ્યું હતું, પણ અન્ય સભ્યોનો ટેકો ન મળતાં તે ભલામણ ઉડી ગઈ હતી. જો કે આ ધીરાણ નીતિમાં આરબીઆઈએ ઈકોનોમી માટે એલાર્મિંગ સિચ્યુએશન હોવાનું આડકતરી રીતે જણાવ્યું છે. તાજેતરમાં જ ફીસ્કલ ડેફિસીટ વધીને આવી છે, તે સંદર્ભે આરબીઆઈએ ફીસ્કલ ડેફિસીટ વધવા અંગે ચેતવણી ઉચ્ચારી છે, અને સાથે મોંઘવારી ભડકી શકે છે, તેવો ભય પણ રજૂ કર્યો છે.તાજેતરમાં જ ફીસ્કલ ડેફિસીટના આંકડા જાહેર થયા હતા, જે પછી સ્ટોક માર્કેટમાં ગાબડુ પડયું હતું. જીડીપી ગ્રોથ વધીને આવ્યો હોવા છતાં ફીસ્કલ ડેફિસીટ વધીને આવી તે ભારતીય અર્થતંત્ર માટે ખતરારૂપ છે. નાણાકીય વર્ષ 2017-18માં ફીસ્કલ ડેફિસીટ લક્ષ્યાંકના 96 ટકાના લેવલે પહોંચી ગઈ છે. કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાદ્ય(ફીસ્કલ ડેફિસીટ) જીડીપીના 3.2 ટકા રાખવાનું લક્ષ્યાંક નક્કી કર્યું હતું. તે મુજબ બજેટમાં પુરા નાણાકીય વર્ષ માટે 5.46 લાખ કરોડ રૂપિયાની ફીસ્કલ ડેફિસીટ રાખવાનું લક્ષ્યાંક મુકવામાં આવ્યું હતું, પણ હકીકતમાં ઓકટોબર સુઘીની પ્રથમ સાત મહિનામાં 5.2 લાખ કરોડ રૂપિયાની ફીસ્કલ ડેફિસીટ થઈ ગઈ છે, જે 96 ટકાના લેવલે તો પહોંચી ગઈ છે. ચાલુ નાણાકીય વર્ષમાં હજી પાંચ મહિના બાકી છે. કેગના આંકડા અનુસાર વીતેલા વર્ષે ફીસ્કલ ડેફિસીટ 4.2 લાખ કરોડ હતી, જે બજેટના અનુમાન કરતા ઓછી 79.3 ટકા હતી.

ફિસ્કલ ડેફિસીટ વધી છે, તેના અર્થ એ થાય કે કેન્દ્ર સરકારની આવક કરતાં ખર્ચ વધ્યો છે. હવે મોદી સરકારે ખર્ચમાં કાપ મુકવો જોઈએ, નહીતો આ ખાદ્યમાં નોંધપાત્ર વધારો થતો રહેશે.

આરબીઆઈએ ધીરાણ નીતિમાં ફીસ્કલ ડેફિસીટમાં વધારાની ચિંતા કરી છે, તો સાથે મોંઘવારીમાં પણ વધારો થવાનો ભય રજૂ કર્યો છે. કેમ મોંઘવારી વધશે…?

રાજ્યોમાં ખેડૂતોના દેવા માફીનો મુદ્દો

રીઝર્વ બેંકે ધીરાણ નીતિની સમીક્ષામાં કહ્યું છે કે દરેક રાજ્યો ખેડૂતોના દેવા માફ કરી રહી છે, જેનો રાજકોષીય મોરચે પ્રેશર વધી રહ્યું છે, અને તેને કારણે મોંઘવારી વધુ વધી શકે છે. યુપી અને મહારાષ્ટ્ર સહિતના મોટા રાજ્યોએ ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત કરી છે. પંજાબ સરકાર પણ દબાણ છે કે ખેડૂતોનું દેવું માફ કરો. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું છે કે અમારી સરકાર આવશે તો અમે ખેડૂતોની લોન માફ કરી દઈશું. જે બાબતે આરબીઆઈએ જાહેરમાં કહ્યું છે કે ખેડૂતોના દેવાની માફી દેશ અને રાજ્યો પર બોજો બની જશે.

જીએસટી દરમાં ઘટાડો

તાજેતરમાં જીએસટીને લઈને ખુબ જ ઉહાપોહ થયો હતો, જેથી સરકારે પુનઃવિચારણા કરીને 170 ચીજવસ્તુઓના જીએસટી દરમાં ઘટો કર્યો હતો. જેનાથી સરકારની આવકમાં નોંધપાત્ર ઘટાડો થશે, તે સ્વભાવિક છે.

પેટ્રોલિયમ પ્રોડક્ટ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધીને આવતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ખાસ્સો વધારો થયો હતો, જે પછી સરકાર પર પ્રજાએ માછલા ધોયા હતા. પેટ્રોલ-ડીઝલને જીએસટીના મથાળા નીચે લાવવા જોઈએ, અને સરકારની ભારે ટીકા થઈ હતી. ત્યાર બાદ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિલીટર રૂપિયા 2નો એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. તેમજ કેટલાક રાજ્યોએ વેટમાં ઘટાડો કર્યો હતો. જેનાથી સરકારની આવકમાં નોંધપાત્ર ઘટાડો થશે, તે સ્વભાવિક છે. જેને કારણે મોંઘવારીમાં સતત વધારો થતો રહેશે, તેવો ભય આરબીઆઈને સતાવી રહ્યો છે.

કોસ્ટિંગ સતત વધી રહ્યું છે

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સર્વેમાં જાણકારી મળી છે કે ઈનપુટ કોસ્ટ વધતી જતી રહી છે. તેને કારણે મેન્યુફેકચરિંગ કરતી કંપનીઓને ઉત્પાદન કોસ્ટ વધી છે, તેની સીધા ઉત્પાદકો પર નેગેટિવ અસર પડશે, તેઓ આ કોસ્ટનો વધારો પ્રોડક્ટમાં ભાવ વધારો કરીને સરભર કરશે, જેને કારણે જથ્થાબંધ મોંઘવારીમાં વધારો થશે.

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ભલે ચાર કારણો દર્શાવીને મોંઘવારી વધવાનો ભય રજૂ કર્યો હોય, પણ મોંઘવારીને કેમ કાબુમાં લેવી, તેના બીજા ઉપાયો છે, તેના પર પણ સરકારનું ધ્યાન દોરવું જોઈએ. સ્ટોક મર્યાદા, ખેતીવાડી, વચેટિયાઓના કમીશન, વસ્તુ ગ્રાહકો સુધી પહોંચતા ભાવ બે ત્રણ ગણો થઈ જાય છે, ચીજવસ્તુઓની કવૉલીટી વિગેરે બાબતો પર સરકારે ધ્યાન રાખીને તે કેમ અંકુશમાં રાખી શકાય તેના પર વિચાર કરવો જોઈએ.