પશ્ચિમ રેલવેની સ્પષ્ટતાઃ મુંબઈ-અમદાવાદ રૂટ નફાકારક છે

એક RTI (રાઈટ ટુ ઈન્ફોર્મેશન) સવાલને આપેલા ઉત્તરને ફેરવી તોળીને પશ્ચિમ રેલવેએ હવે સ્પષ્ટતા કરી છે કે મુંબઈ-અમદાવાદ રૂટ રેલવે માટે એકદમ નફાકારક છે અને આ રૂટ પરની ટ્રેનોમાં કોઈ સીટ ખાલી હોતી નથી. ઓફ્ફ-સીઝનમાં પણ ટ્રેનોમાં સો એ સો ટકા સીટ ભરાઈ જતી હોય છે.

એક RTI સવાલના જવાબમાં પશ્ચિમ રેલવેએ અગાઉ એમ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે એની મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન યોજના માટે જેને પસંદ કર્યો છે એ મુંબઈ-અમદાવાદ સેક્ટર રૂ. ૨૯.૯૧ કરોડની ખોટ કરી રહ્યો છે, કારણ કે આ રૂટ પરની ટ્રેનોમાં છેલ્લા ત્રણ મહિનાથી ૪૦ ટકા સીટ ખાલી રહે છે.

પશ્ચિમ રેલવેએ મુંબઈસ્થિત RTI કાર્યકર્તા અનિલ ગલગલીએ પૂછેલા સવાલના જવાબમાં કબૂલ કર્યું હતું કે મુંબઈ-અમદાવાદ સેક્ટર નફાકારક નથી.

પરંતુ, હવે પશ્ચિમ રેલવેના વડા જનસંપર્ક અધિકારી રવિન્દર ભાસ્કરે એક નિવેદનમાં કહ્યું છે કે ટ્રેનોમાં સીટ ખાલી રહેતી હોવાને કારણે પશ્ચિમ રેલવેને ખોટ જતી હોવાના સમાચાર તદ્દન ખોટા છે. ઊલટાનું, આ ત્રણ મહિનામાં આ રૂટ પર કુલ રૂ. ૨૩૩ કરોડની કમાણી કરી છે.

મુંબઈ-અમદાવાદ વચ્ચે ૯ સીધી ટ્રેનો છે તથા બીજી આશરે ૨૫ ટ્રેનો અમદાવાદ થઈને આગળ જાય છે. આ રૂટ પર આવતા વડોદરા, ભરૂચ, સુરત, વાપી જેવા ઔદ્યોગિક રીતે મહત્વના સ્ટેશનો/શહેરોને પણ પશ્ચિમ રેલવે સેવા પૂરી પાડે છે. આ રૂટ પર શતાબ્દી એક્સપ્રેસ, દુરન્તો એક્સપ્રેસ, ડબલ ડેકર એસી ટ્રેન, સુપરફાસ્ટ ટ્રેન, મેલ-એક્સપ્રેસ તથા પેસેન્જર ટ્રેનો દોડે છે.

મુંબઈ-અમદાવાદ રૂટ પર સીધી ટ્રેનોમાં કુલ ૧૦૩ ટકા પ્રવાસી ટ્રાફિક રહ્યો હતો અને રીટર્ન રૂટ પણ એટલો જ રહ્યો છે. જ્યારે અમદાવાદથી આગળ જતી ૨૫ ટ્રેનોમાં પણ મુંબઈ-અમદાવાદ વચ્ચેનો પ્રવાસી ટ્રાફિક આંક આવવા-જવાનો અનુક્રમે ૧૧૫ અને ૧૨૧ ટકા રહ્યો છે.

આરટીઆઈના જવાબમાં, મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનોના પ્રવાસીઓની સંખ્યાને લગતા ચોક્કસ સવાલનો જવાબ આપવામાં આવ્યો છે. માત્ર આ બે સ્ટેશનની જોડી વચ્ચેના ટ્રાફિકની જ માહિતી આપવામાં આવી છે. એમાં સમગ્ર રૂટ પરના પ્રવાસી ટ્રાફિક કે રૂટ પરના અન્ય સ્ટેશનો પરથી ચડતા-ઉતરતા પ્રવાસીઓ વિશેની માહિતી આપવામાં આવી નથી.