મને રેલ્વે પ્રવાસ કરવો ગમે છે. બાળપણમાં કે આજે પણ જ્યારે પણ અમારે શહેરની બહાર જવાનું થાય તો રેલ્વે એ મારી પહેલી પસંદ હોય છે. પોતે વેચતા સામાન તરફ ધ્યાન દોરવા માટે વચ્ચે-વચ્ચે બૂમો પાડતા ફેરિયાઓ, સહયાત્રીઓની વાતો આ બધું બહુ રસપ્રદ હોય છે. અને તમે જો તહેવારો દરમ્યાન તમારા વતન ભણી જતા હો ત્યારે તો એક નાનો સવાલ પણ અજાણ્યાઓ સાથે વાતચીતનો દોર શરૂ કરવા માટે પૂરતો હોય છે.
આવી મુસાફરીઓ આપણને ઘણું બધું શીખવે છે – જેમ કે બીજાને અનૂકુળ થવું, જીવનની નાની નાની વસ્તુઓની મજા માણવી, વગેરે અને ઘણી વાર તો જીવનના મોટા બોધપાઠ પણ શીખવા મળી શકે છે.
મારી દેવલાલીની મુસાફરી દરમ્યાન મને આવો જ એક બોધપાઠ શીખવા મળ્યો. મુંબઈથી ત્રણ કલાકની મુસાફરી દરમ્યાન મને જીવન અને આર્થિક બાબત વિષે બહુ મોટો બોધપાઠ મળ્યો. મુસાફરી દરમ્યાન અમે એક પ્રૌઢ વ્યક્તિને મળ્યા. તેઓ તેમના વતન ભણી જઈ રહ્યાં હતાં. સામાન્ય રીતે વૃધ્ધ વ્યક્તિઓને લોકો સાથે વાતો કરવાનું ગમતું હોય છે. તેમને વાતચીતમાં મજા આવે છે.
થોડીક વાતો પછી અમે એમને એમના પરિવાર વિષે પૂછ્યું. અને એ સમજી ગયા કે અમે વાતો કરવા માટે તૈયાર છીએ એટલે એમણે પોતાની વાત શરૂ કરી. એ મધ્યપ્રદેશના ભોપાલ પાસેના એક નાના ગામના હતાં. ત્યાં એ એમનાં પિતાને ખેતરમાં મદદ કરતા હતાં પણ એમનું સ્વપ્ન કઈંક વિશેષ મેળવવાનું હતું. એ લક્ષ્ય સાથે એ મુંબઈ આવ્યા. એમણે ટેક્સી ડ્રાઈવર તરીકેનું કામ શરૂ કર્યું. શરૂઆતમાં તો એ ફક્ત બે છેડા ભેગા થાય એટલું જ કમાઈ શકતા હતા. પરંતુ સમય સાથે એમણે નિયમિત રીતે નાની બચત કરવાનું શરૂ કર્યું. એમનાં પર એમનાં માતા-પિતાની તબિયત માટેની અને નાના ભાઈના શિક્ષણ માટેની જવાબદારીઓ હતી. માતા-પિતા દરરોજની જરૂરીયાતો એમની ખેતીની આવકમાંથી પૂરી કરતા હતાં. સમય વિતવાની સાથે એમનો પોતાનો પરિવાર પણ વધ્યો. સાથે જ પાયાની જરૂરીયાતો પણ વધી. તેમ છતાં એમણે એમની આવકમાંથી નિયમિત રીતે બચત કરવાની આદત છોડી નહીં.
બીજા લઈ ગયા, અમે રહી ગયા
એમને મારા ચહેરા પર આશ્ચર્ય દેખાયું. મેં એમને પૂછ્યું કે પરિવારની જરૂરીયાતો વધી ગઈ તેમ છતાં નિયમિત બચત કેવી રીતે શક્ય બની? એમણે ત્વરિત જવાબ આપ્યો કે અમે પાયાની જરૂરીયાતો અને બચતમાં માનીએ છીએ. અમે ઝડપી રીતે પૈસા બનાવવામાં માનતા નથી અને એટલે અમને સમજ પડતી હતી એવા જ સાધનોમાં રોકાણ કર્યું હતું. આજકાલ જોવામાં આવે છે કે યંગસ્ટર્સ વધુ અને ઝડપી પૈસા કમાવા માટે વિવિધ રીતો અપનાવતા હોય છે. આમાં કંઈ ખોટું નથી પરંતુ આ નિર્ણય સમજીને લીધેલો હોવો જોઈએ. FOMO (Fear Of Missing Out) એટલે કે ‘બધા લઈ ગયા અને અમે રહી ગયા’ એવી લાગણીથી રોકાણ ન કરવું જોઈએ. એમણે આગળ જણાવ્યું કે એમની પત્નીએ પણ આવકનો અમુક હિસ્સો અચૂક રીતે બચાવવાની કાળજી રાખી. એણે ઘરખર્ચને બહુ સારી રીતે સંભાળ્યો.
મને એમનાં ચહેરા પર આનદ અને સંતોષની લહેર દેખાઈ. એક ટેક્સી ડ્રાઈવર તરીકે શરૂઆત કરીને આજે એમની પાસે ટેક્સીઓનો કાફલો છે. એમને જે જોઈતું હતું એ એમણે મેળવ્યું હતું. એમનાં આ વર્ણન પરથી મને કેટલાંક અમૂલ્ય આર્થિક બાબતનાં બોધપાઠ મળ્યા.
૧. બચતની શરૂઆત બને એટલી વહેલી કરો. આવક વધવાની રાહ ન જુઓ. વધુ બચત કરવાથી કોઈ શ્રીમંત નથી બનતું, પરંતુ શિસ્તબદ્ધ રીતે બચત કરવાથી શ્રીમંત બનાય છે.
૨. તમને સમજ પડે એવા સાધનમાં જ રોકાણ કરો અને મૂળને વળગી રહો. FOMO ની લાગણી આર્થિક સુખાકારી માટે ઘાતક નીવડી શકે છે. તમારા મિત્ર, સહકર્મચારી, કે પછી પડોશીએ કોઈ એક સાધનમાં રોકાણ કર્યું એટલે તમારે પણ સમજ્યા વગર એવું ન કરવું.
૩. ખર્ચાઓ વધે ત્યારે પણ બચત કરવાનું ચાલુ રાખો. આની અસર ઘણી મોટી છે. આપણાં ખર્ચાઓને પહોંચી વળવા માટે આપણે બચતને ટાળીએ છીએ. બચતની આદત એની રકમ કરતા વધુ મહત્વની છે. રકમ ઓછી થાય તો કરકસર કરીને પણ બચત કરવાનું રોકો નહીં.
૪. ખર્ચનો હિસાબ રાખો. બધા જ ખર્ચને નોંધો. બજેટ બનાવો અને આયોજન કરો. આ આદત ખર્ચ ઉપર કાપ મૂકવામાં અને બચત કરવામાં સહાયરૂપ નીવડશે.
(ફોરમ શાહ)
(લેખિકા ફાઈનાન્સિયલ પ્લાનર છે)