ફિલ્મ ‘બાહુબલી’ ના સંવાદ લેખક અને ‘તેરી મિટ્ટી’ જેવા ગીતોના ગીતકાર તરીકે વધુ જાણીતા મનોજ મુંતશિરનું અસલ નામ ‘મનોજ શુક્લા’ છે. એમણે ‘શુક્લા’ ને બદલે ‘મુંતશિર’ કેમ કર્યું એની વાત રસપ્રદ છે. 1997 ની સાલમાં શિયાળાની એક સાંજે મનોજ શુક્લા ચા પીવા નીકળ્યા હતા.
ઘણું ફર્યા પછી એક ટપરી દેખાઈ અને ચા માંગી. ચા બનતી હતી ત્યારે ત્યાં લટકાવેલા રેડિયો પર કવિ સંમેલન ચાલતું હતું. કાવ્ય સાહિત્યના શોખીન મનોજે રેડિયોનો અવાજ મોટો કરાવ્યો. એમાં એક શેર સાંભળ્યો. મુંતશિર હમ હૈ તો રૂખસાર પે શબનમ ક્યૂં હૈ, આઈને તૂટતે રહેતે હૈ તો તુમ્હે ગમ ક્યૂં હૈ.
મનોજે ‘મુંતશિર’ શબ્દ પહેલી વખત સાંભળ્યો ન હતો. તે એનો અર્થ જાણતા હતા કે તૂટેલું – વિખરાયેલું. ‘મુંતશિર’ શબ્દ સાંભળીને મનોજને થયું કે લાંબા સમયની ઉપનામની જે શોધ હતી એ અહીં પૂરી થઈ ગઈ છે. ઉર્દૂ શાયરી કરનારા ઉપનામ રાખતા હતા. અને ત્યારે મોટાભાગના કવિઓ ‘સાહિર’ કે ‘સાગર’ જેવા ઉપનામ વધુ રાખતા હતા. મનોજને એવું ઉપનામ જોઈતું હતું જે કોઈનું ના હોય. મનોજે પોતે ‘મનોજ મુંતશિર’ એવું બોલીને સાંભળ્યું. એનો જે ધ્વનિ સંભળાયો એ ગમી ગયો. અને નક્કી કરી લીધું કે આજથી તે ‘મનોજ મુંતશિર’ છે.
હવે ભોળા અને ખેડૂત પિતાને આ વાત કહેવાનું સરળ ન હતું. એ જાણતા હતા કે પુત્ર ફિલ્મોમાં ગીતો લખવા માંગે છે, કવિતા કરવા માંગે છે. મનોજ દસમા ધોરણમાં હતો ત્યારથી જ પોતાની આ ઈચ્છા જણાવી દીધી હતી. પણ પિતા એને મહત્વ આપતા ન હતા. એ સમજતા હતા કે મનોજની આ ફાલતુ જીદ છે. ત્યારે એમના ઘરનું રીપેરીંગનું કામ ચાલતું હતું. ચા પીને મનોજ ઘરે ગયો અને પિતાને પૂછ્યું કે નેમ પ્લેટ હવે નવી જ બનશે ને? એમણે ‘હા’ કહ્યું. મનોજે કહ્યું કે એના પર મારું નામ લખાવી દો. એમણે હા પાડી દીધી અને નેમ પ્લેટ બનાવતા રામફેરને કહેવા કહી દીધું.
મનોજે નવી નેમ પ્લેટ બનાવીને લગાવી દીધી હતી. સવારે પિતા નેમ પ્લેટ પર ‘મનોજ મુંતશિર’ નામ જોઈને ગુસ્સે થઈ ગયા. તે પેઈન્ટર માટે કહેવા લાગ્યા કે એક કામ સરખું થતું નથી. નામ લખવામાં ભૂલ કરી દીધી. પિતાએ મનોજને બોલાવીને કહ્યું કે તારું નામ ખોટું લખી દીધું છે. રામફેરને કહે કે ફરી બનાવી આપે. આપણે તો સાચું નામ આપ્યું હતું. મનોજે કહ્યું કે આ સાચું જ નામ છે. એમણે નામ વાંચ્યું અને મનોજે કહ્યું કે હું જ ‘મનોજ મુંતશિર’ છું! આ વાતથી એ નારાજ થઈ ગયા. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. કોઈ એકબીજા સાથે વાત કરતું ન હતું.
એમને પહેલો વિચાર એ આવ્યો કે પુત્રએ પોતાનો ધર્મ બદલી નાખ્યો છે. મનોજની માતાએ એમને સમજાવ્યા કે એણે પોતાની જાતિ કે ધર્મ બદલ્યા નથી. એ આજે પણ એ જ છે. એણે માત્ર ઉપનામ લગાવ્યું છે. ધીમે ધીમે પિતાને વાત સમજમાં આવી અને એમની નારાજગી દૂર થઈ હતી.
(ગીતકાર તરીકે મનોજને પહેલી ફિલ્મ મળી હતી એને થિયેટરમાં જોઈ ના શક્યા અને અમિતાભ સાથેની પહેલી મુલાકાત કેવી રહી હતી એની અજાણી અને રસપ્રદ વાતો હવે પછીના લેખમાં વાંચશો.)
