ગાયક તરીકે પંકજ ઉધાસ આમ તો વર્ષોથી કામ કરતા હતા પણ જ્યારે સંજય દત્તની ફિલ્મ ‘નામ’ (૧૯૮૬) માં પડદા પર દેખાવાની તક મળી ત્યારે પહેલાં તો ના પાડી દીધી હતી. અભિનેતા રાજેન્દ્રકુમારે પોતાના પુત્ર કુમાર ગૌરવ અને સંજય દત્ત સાથેની ફિલ્મ ‘નામ’ ની વાર્તા સલીમ- જાવેદની જોડીના સલીમ ખાન પાસે લખાવીને નિર્દેશન મહેશ ભટ્ટને સોંપ્યું હતું. રાજેન્દ્રકુમાર એક ગીત હીરો પર નહીં પરંતુ કોઇ સાચા ગાયક પર ફિલ્માવવા માગતા હતા.
ફિલ્મમાં જેનાથી સંજય દત્તના હ્રદયનું પરિવર્તન થાય છે એ પ્રસંગ વાસ્તવિક લાગે એ માટે ‘ચિઠ્ઠી આઇ હૈ’ ગીતને એક જગ્યાએ જીવંત કાર્યક્રમમાં અસલ જીવનમાં ગાયક હોય એની પાસે જ કરાવવા માગતા હતા. એ માટે રાજેન્દ્રકુમારે પંકજ ઉધાસને પસંદ કર્યા હતા. એમણે આ પ્રકારનો વિચાર વિગતવાર રજૂ કર્યા વગર માત્ર એમ કહ્યું હતું કે તમારે અમારી ફિલ્મમાં કામ કરવાનું છે. કુમાર ગૌરવ અને સંજય દત્તની જેમ તમે પણ એક ભાગ છો. પંકજ પોતાને અભિનેતા માનતા ન હતા અને અભિનય કરવા માગતા ન હતા. તેથી પછીથી જવાબ આપવાનું કહી દીધું. એમનો અભિનય કરવાનો વિચાર ન હતો એટલે ફરી સંપર્ક કર્યો નહીં.
આ વાત રાજેન્દ્રકુમારને ખટકી ગઇ. એમણે એમના મિત્ર એવા પંકજના મોટાભાઇ મનહરને કહ્યું કે એનામાં શિષ્ટાચાર જેવું કંઇ નથી. જ્યારે મનોજભાઇએ પંકજને કારણ પૂછ્યું અને વાત જાણી કે અભિનય કરવા માગતા નથી ત્યારે રાજેન્દ્રકુમાર સાથે આ બાબતે ચર્ચા કરી લેવા અને અભિનય કરવા ઇચ્છુક નથી એવો સ્પષ્ટ જવાબ આપવા કહ્યું. પંકજ ઉધાસે જ્યારે દિલગીરી સાથે અભિનય કરવા માગતા ન હોવાની વાત કરી ત્યારે રાજેન્દ્રકુમારે ખુલાસો કર્યો કે તમારે અભિનય કરવાનો નથી પણ પડદા પર ગાયક પંકજ ઉધાસ તરીકે જ દેખાવાનું છે. ત્યારે પંકજે તરત જ હા પાડી દીધી હતી. અને લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીતમાં આનંદ બક્ષીએ લખેલું ‘ચિઠ્ઠી આઇ હૈ’ ગીત પંકજના અવાજમાં રેકોર્ડ થયા પછી નિર્દેશક મહેશ ભટ્ટે પંકજને કહ્યું હતું કે તમારે અભિનય કરવાનો નથી પણ એક ગાયકની જેમ સહજ રીતે ગાવાનું છે.
પંકજે શુટિંગમાં એક ગાયકની અદાથી જ ગાયું હતું. આ ગીત પાછળ ઘણા અનુભવીઓની મહેનત હતી. નૃત્ય નિર્દેશન કરતા સરોજ ખાને પંકજને માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે પાછળથી નિર્દેશક તરીકે જાણીતા થયેલા ડેવિડ ધવને ગીતનું એડિટીંગ કર્યું હતું. આ ગીત પછી પંકજને અભિનેતા તરીકે પડદા પર ચમકવા ઓફરો મળી હતી. પરંતુ અભિનયમાં રસ ન હોવાથી કોઇ સ્વીકારી ન હતી. થોડા વર્ષ પછી પડદા પર ફરી પંકજ ઉધાસને જાતે જ ગાવા માટે નિર્દેશક લોરેન્સ ડિસોઝાએ કહ્યું ત્યારે એ તૈયાર થઇ ગયા હતા. જોગાનુજોગ એવો હતો કે એ ફિલ્મ ‘સાજન’ (૧૯૯૧) નો એક હીરો સંજય દત્ત જ હતો. અને ‘જીયેં તો જીયેં કૈસે’ ગીત પણ બીજા ગીતો સાથે એટલું જ લોકપ્રિય રહ્યું હતું.