માધુરીના ‘ડર’ ના ડર અને ‘અંજામ’ ના અંજામની વાત!

માધુરી દીક્ષિતના ફિલ્મી કરિયરમાં જેટલી સફળતાઓ છે, એટલાં જ રસપ્રદ તેના લીધેલા નિર્ણયો પણ છે. ઘણી વખત તેણે એવી મોટી અને સફળ બની શકતી ફિલ્મોને ‘ના’ પાડી, જે પાછળ માત્ર વ્યાવસાયિક ગણતરી નહીં પરંતુ નૈતિકતા અને દૃષ્ટિકોણ પણ કાર્યરત હતો. આ નિર્ણયોએ તેના વ્યક્તિત્વની એક અલગ જ છબી ઊભી કરી.

નિર્દેશક રાજકુમાર સંતોષી જ્યારે ‘દામિની’ પર કામ કરી રહ્યા હતા ત્યારે આ ફિલ્મ માટે મીનાક્ષી શેષાદ્રિ પહેલેથી જ ફાઈનલ થઈ ચૂકી હતી અને શૂટિંગ પણ શરૂ થઈ ગયું હતું. છતાં સંતોષીને લાગ્યું કે જો માધુરી જેવી મોટી સ્ટાર ફિલ્મમાં જોડાય તો તેની કિંમત વધી શકે. તેમણે માધુરીનો સંપર્ક કર્યો, પરંતુ માધુરીએ સ્પષ્ટ શબ્દોમાં ઈન્કાર કરી દીધો. તેણીનું માનવું હતું કે જ્યારે એક કલાકારને રોલ માટે પસંદ કરી લેવામાં આવ્યો હોય ત્યારે તેના સ્થાને પોતે કામ કરવું એ અન્યાય ગણાય. સ્પર્ધા હોવા છતાં માધુરીએ સાથી કલાકારના હકનું સન્માન કર્યું અને આ ફિલ્મથી દૂર રહી.

એ જ રીતે માધુરીએ ‘ડર’ પણ ઠુકરાવી હતી. એ સમયે તે ‘અંજામ’માં વ્યસ્ત હતી. બંને ફિલ્મોની વાર્તામાં એક મહત્વપૂર્ણ સમાનતા હતી—એક એવો પાગલ પ્રેમી, જે હીરોઈન માટે કોઈ પણ હદ વટાવે. બંને ફિલ્મોમાં વિલન તરીકે શાહરૂખ ખાન જ હતો. માધુરીને લાગ્યું કે જો તે બંને ફિલ્મો કરશે તો પ્રેક્ષકો માટે પાત્રોની છબીઓ ગૂંચવાઈ જશે. તેને ‘અંજામ’ની સ્ક્રિપ્ટ વધુ મજબૂત લાગી, કારણ કે તેમાં હીરોઈન અંતે વિલન સામે ઊભી રહી બદલો લે છે, જ્યારે ‘ડર’માં હીરોઈન વધુ ડરીેલી અને નિષ્ક્રિય દેખાય છે.

માધુરીની આ ‘ના’ પછી ‘ડર’માં જુહી ચાવલાને લેવામાં આવી. વિધાન એ છે કે ‘ડર’ સુપરહિટ સાબિત થઈ, જ્યારે ‘અંજામ’ બોક્સ ઓફિસ પર ખાસ સફળ રહી નહીં. છતાં અભિનયની દૃષ્ટિએ ‘અંજામ’માં માધુરીનું પ્રદર્શન આજે પણ પ્રશંસિત માનવામાં આવે છે.

નિર્દેશક વિધુ વિનોદ ચોપરા તેમની રોમેન્ટિક સાગા ‘1942: અ લવ સ્ટોરી’ માટે માધુરીને જ લેવા ઇચ્છતા હતા. માધુરીએ આ ફિલ્મ માટે ટેસ્ટ શૂટ અને ફોટોશૂટ પણ કર્યા હતા, જેમાં તે 1940ના દાયકાના રેટ્રો લુકમાં અદભૂત લાગી રહી હતી. પરંતુ તેની વ્યસ્ત તારીખો—ખાસ કરીને ‘હમ આપકે હૈ કૌન’ અને ‘અંજામ’ના કારણે—ફિલ્મ માટે અવરોધ બની. પરફેક્શન માટે જાણીતા ચોપરાએ રાહ જોવાને બદલે નવી હીરોઈનની શોધ કરી અને અંતે આ રોલ મનીષા કોઈરાલાને મળ્યો, જેને આ ફિલ્મે રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધી.

‘હમ આપકે હૈ કૌન’ જેવી ઐતિહાસિક હિટ આપ્યા બાદ પણ નિર્દેશક સૂરજ બડજાત્યાની ‘હમ સાથ સાથ હૈ’માં માધુરીને સ્થાન મળ્યું નહીં. બડજાત્યાએ સ્વીકાર્યું હતું કે આ ફિલ્મમાં મોટી વહુ ‘સાધના’નું પાત્ર શરૂઆતમાં માધુરીને ધ્યાનમાં રાખીને જ રચાયું હતું. પરંતુ તે સમયે માધુરી અને સલમાન ખાનની જોડી એટલી લોકપ્રિય હતી કે તેને સલમાનની ભાભી તરીકે દર્શાવવી પ્રેક્ષકો માટે સ્વીકાર્ય ન રહે તેવી આશંકા હતી. પડદા પર પ્રેમી યુગલ તરીકે ઓળખાયેલી જોડીનો ભાભી-દિયરનો સંબંધ ફિલ્મની ગંભીરતા માટે જોખમી બની શકે એમ લાગ્યું.

પછીથી માધુરીએ પણ આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. ‘હમ આપકે હૈ કૌન’ પછી પ્રેક્ષકોના મનમાં સલમાન-માધુરીની છબી એટલી ગાઢ રીતે બેસી ગઈ હતી કે ભાભી-દિયરનો સંબંધ લોકો પચાવી શકત નહીં. આ રીતે, માધુરીના ઇન્કાર માત્ર ફિલ્મી નિર્ણયો નહીં પરંતુ સમય, છબી અને સંવેદનશીલતાની સમજ દર્શાવતા ઉદાહરણો બની રહે છે.